ગુજરાતમાંથી ઘણીવાર હનીટ્રેપના કિસ્સા સામે આવે છે. ઘણીવાર આવા કિસ્સાઓમાં પીડિત વ્યક્તિ પોતાનું સર્વસ્વ લૂંટાઇ પણ જતો હોય છે. તો ઘણીવાર તે સતર્ક થઇ જતા પોલિસ હનીટ્રેપમાં ફસાવનાર ટોળકીને ઝડપી પાડતી હોય છે. સુરતની ઉધના પોલીસે હાલમાં જ રત્નકલાકારને હનીટેપમાં ફસાવવનાર એક ગેંગની ધરપકડ કરી છે, જેમાં એક મહિલા પણ સામેલ છે. આ ગેંગે રત્નકલાકારને હનીટ્રેપમાં ફસાવી 68,990 રૂપિયા પડાવી લીધા હતા.
આજથી એકાદ મહિના પહેલા રત્નકલાકારે પેટ્રોલ પંપ પર એક વ્યક્તિની મદદ લીધી અને આ જ મદદ તેને ભારે પડી. ગત માર્ચ મહિનામાં રત્નકલાકાર પોતાની પત્ની સાથે બાઈક પર જઇ રહ્યા હતા ત્યારે અચાનક બાઈકમાં પેટ્રોલ ખત્મ થઇ જતા જીતુ નામના એક શખ્સે તેને પેટ્રોલ પુરાવવામાં મદદ કરી અને સ્વાભાવિક રીતે બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ લે થઈ. ત્યારે આ દરમિયાન જીતુએ રત્નકલાકાર કાશીનાથને ફોન કરી ચા નાસ્તો કરવા માટે બોલાવ્યો પણ પહેલા ફોને તો તે ગયો નહીં,
પરંતુ જીતુએ બીજીવાર ફોન કરી ચા નાસ્તો કરવા બોલાવ્યો તો આ સમયે જીતુએ નજીકમાં જ શિવ શક્તિ એપાર્ટમેન્ટમાં આઠમા માળે પોતાના ફ્લેટ હોવાની વાત કરી હતી. તે રત્નકલાકારને આઠમા માળે લઈ ગયો અને તરત જ ફ્લેટનો દરવાજો બંધ કરી દીધો. આ ફ્લેટમાંથી એક યુવતી બહાર આવી અને અને આ દરમિયાન જ ફ્લેટનો દરવાજો ખખડાવી અન્ય ચાર શખ્સો પણ ત્યાં ધસી આવ્યા. તેમણે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી અને રત્નકલાકારને ડરાવી ધમકાવી બેડ પર સુવડાવી યુવતી સાથે ફોટા પાડી લીધા.
આ પછી રત્નકલાકારને બ્લેકમેલ કરી રૂપિયા માગ્યા. ત્યારે રત્નકલાકારે પોતાના મિત્ર પાસેથી 50,000 લઇ આ ટોળકીને આપ્યા અને પત્નીના ક્રેડિટ કાર્ડ પરથી 18,990 ઉપાડીને આપ્યા. ત્યારે આ ગેંગ દ્વારા વધુ રૂપિયાની માંગ કરાતા આખરે મામલો પોલીસમાં પહોંચ્યો અને પોલીસે એક મહિલા સહિત છ આરોપીની ધરપકડ કરી. આ આરોપીઓમાં જીતુ ઉર્ફે જીતેન્દ્ર ઓમ પ્રકાશ શર્મા, રાજેશ ઉર્ફે રાજ શંભુભાઈ પાટીલ, સુનિલ કુંજ સૂર્યવંશી, જગેશ્વર ઉર્ફે રાજા રામ, નરેશ ચૌધરી અને મિનાજ મહેબુબ શેખ સામેલ છે.