આ વર્ષે ક્યારે છે હોળી? જાણો હોળી પ્રગટાવવાનું મૂહુર્ત અને તેનું મહત્વ

ભારતમાં દરેક તહેવાર બહુ ધૂમ ધામથી મનાવવામાં આવે છે. સંસ્કૃતમાં કહેવાય છે ને ‘ઉત્સવ પ્રિય ખલુ મનુષ્ય’ એટેલે કે માણસોને ઉત્સવ પ્રિય હોય છે. ભારતમાં કેટલાક એવા તહેવારો છે જેમની રાહ દરેક આબાલ વૃદ્ધ જોતા હોય છે. જેમાનો એક તહેવાર છે હોળી. કારણ કે હોળીના ઉત્સવ પર એક બીજા પર રંગ ઉડાડવાની મજા કઈંક અલગ જ હોય છે.

આ વર્ષે 18 માર્ચ 2022ના રોજ રંગોનો તહેવાર મનાવવામાં આવશે. હોળીકાનું દહન 17 માર્ચની રાત્રે થશે. આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે હોળીનો તહેવાર ભક્ત પ્રહલાદની ભક્તિ અને ભગવાન દ્વારા કરવામાં આવેલ તેમની પ્રાણની રક્ષાની ખુશીમાં મનાવવામાં આવે છે.

આ વર્ષે હોળી પ્રગટાવવાનો શુભ સમય 17 માર્ચને ગુરુવારની રાત્રે 9.20 વાગ્યાથી રાત્રે 10.31 વાગ્યા સુધીનો રહેશે. એટલે આ વર્ષે હોળી પ્રગટાવવાનો સમય માત્ર એક કલાક અને 10 મિનિટનો જ છે. એ તો આપણે બધા જાણીએ જ છીએ કે હોળી પ્રગટાવવા માટે એક ખુલ્લી જગ્યા પસંદ કરવામાં આવે છે.

ગામડામાં ગાયના છાણના બનેલા છાણા જ્યારે શહેરોમાં લાકડા વડે હોળી પ્રગટાવવામાં આવે છે. આ સમયે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્લોકો પણ બોલવામાં આવે છે. હોળી પ્રગટવવાના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર આવે છે. આ દિવસે બધા સાથે મળીને એક બીજા પર રંગો નાખે છે.

આપણા શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે પ્રહલાદ ભગવાન વિષ્ણુનો મોટો ભક્તો હતો, જ્યારે તેમના પિતા હિરણ્યકશ્યપ એક રાક્ષસ હતો. તે કોઈ ભગવાનમાં માનતો ન હતો. તે પોતાને જ સર્વસ્વ માનતો હતો. તેના રાજ્યમાં કોઈને પણ ભગવાનની પૂજા કરવાનો અધિકાર ન હતો. પરંતુ તેમનો જ પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુની પૂજા કરતો. જેથી તે ખુબ ગુસ્સો થતો.

ત્યારબાદ પ્રહલાદને મારવા માટે તેમના રાક્ષસ પિતાએ અનેક ઉપાયો કર્યા પરંતુ પ્રહલાદનો જીવ બચી ગયો. આખરે થાકીને હિરણ્યકશ્યપે આ જવાબદારી તેમની બહેન હોલિકાને સોપી. કારણ કે હોલિકાને એવુ વરદાન હતુ કે તેને અગ્નિ બાળી શકશે નહીં. તેથી એવુ નક્કી કરવામાં આવ્યું કે હોલિકા પ્રહલાદને પોતાની ખોળામાં લઈને અગ્નિમાં બેસશે જેથી હોલિકા બચી જશે અને પ્રહલાદ બળીને મરી જશે.

પરંતુ કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે. જ્યારે આગ સળગાવવામાં આવી ત્યારે પ્રહલાદ ભગવાન વિષ્ણનું સ્મરણ કરવા લાગ્યો જેથી તે બચી ગયો અને હોલિકા આ આગમાં મોતને ભેટી. આમ ત્યારથી જ આસુરી વૃતિના નાશના પ્રતિક તરીકે ફાગણ મહિનાની પૂર્ણીમાએ હોળી પ્રગટાવવામાં આવે છે.

YC