સુરતમાં તથ્યકાંડ જેવો મોતનો કહેર ! મોડી રાત્રે હોન્ડા સિટીના ચાલકે બેફામ કાર ચલાવીને 6 લોકોને હવામાં ફંગોળ્યા, 2ના મોત

અમદાવાદના તથ્યકાંડની યાદ અપાવી દીધી સુરતની આ ઘટનાએ ! સગર્ભા મહિલા સાથે 6 લોકોને હોન્ડા સિટીના ચાલકે મારી ટક્કર, 2ના મોત, 2 ગંભીર

Hit and run in Surat 2 dead : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના ઘણા મામલો સામે આવી રહ્યા છે, મોટાભાગના અકસ્માત બેફામ સ્પીડના કારણે થતા હોવાનું સામે આવતું હોય છે. ખાસ કરીને નબીરાઓ રાત્રીના સમયે બેફામ કાર ચાલવતા હોય છે અને ત્યારે કેટલાક લોકોને અડફેટે લઈને અકસ્માત પણ સર્જતાં હોય છે, આવા અકસ્માતમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે,અમદાવાદમાં થયેલો તથ્યકાંડ એનો પુરાવો છે, ત્યારે હાલ આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં ગત રોજ મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ મોટા વરાછા રિંગરોડ વિસ્તારની અંદર પુરપાટ ઝડપે ચાલી રહેલી હોન્ડા સીટીના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને રિંગ રોડની બાજુમાં બેઠેલા 6 લોકોને હવામાં ફંગોળ્યા હતા. આ ઘટનામાં માસા ભાણેજનું મોત થયું હતું જયારે 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘાયલ થયેલા 4 લોકોમાંથી 2 લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે, સાથે જ એક સગર્ભા સ્ત્રી પણ આ અકસ્માતમાં ઘાયલ થઇ છે.  એટલું જ નહિ કાર ચાલકે ચાર જેટલા ટુ વ્હીલરને પણ અડફેટમાં લીધા હતા.  જેમાં એક બાઈક કારની નીચે આવી જતા ઢસડાયું પણ હતું. ઘટના બાદ સ્થળ પર લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા અને પોલીસને  જાણ કરવામાં આવતા પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. આ રોપીનું નામ જીજ્ઞેશ અમૃતલાલ ગોહિલ હોવાનું સામે આવ્યું છે.

આરોપીએ જણાવ્યું કે પોતાના અમદાવાદના સંબંધી જે કેન્સરથી પીડિત છે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખબર અંતર પૂછીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તે સુરતના રીંગ રોડ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન એકાએક જોકું આવી જતા સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને તેના કારણે અકસ્માત થયો છે. પોલીસ દ્વારા હાલ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી નશાની હાલતમાં હતો કે કેમ તેને લઈને બ્રિથ એનેલાઇઝરથી તપાસ કરવામાં આવી છે. તેમજ બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.

Niraj Patel