ધાર્મિક-દુનિયા

ગિરનારના પગથિયાં ચડતા વખતે ક્યારેય વિચાર આવ્યો છે કે આ પગથિયાં કોણે બનાવ્યા અને કેવી રીતે બનાવ્યા? જાણો ઇતિહાસ

ગુજરાતમાં ગિરનારનો પર્વત ઘણો પ્રખ્યાત છે, અને દર વર્ષે લાકો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે, ગિરનારની લીલી પરિક્રમા કરવા આવે છે. અને ગિરનારની ટોચ પર મંદિરના દર્શન કરવા પણ આવે છે. પણ શું તમે જાણો છો કે ગિરનાર જે પગથિયાં ચઢીને તમે ટોચ પર મંદિરના દર્શન કરવા જાઓ છે તે પગથિયાં કોણે બનાવ્યા હતા? અને કઈ રીતે બનાવ્યા હતા? તો આજે એ વિશે જ વાત કરીશું.

સદીઓ પહેલાની વાત છે. ગુજરાતને વિજયી બનાવીને ઉદયન મંત્રી રણછાવણીમાં પોઢ્યા હતા. પરંતુ તેમનું શરીર ઝખમી બન્યું હતું. યુદ્ધમાં વિજયી બનીને પાછા વળતા જ તેઓ મૃત્યુ બિછાને પોઢયા અને તેમને પોતાના પુત્રને સંદેશો આપ્યો.

સંદેશામાં તેઓએ કહેવડાવ્યું કે, “મારી ઈચ્છા પૂરી કરજો. મારી ભાવના હતી કે શેત્રુંજય પર યુગાદિદેવ મંદિરનું હું નવસર્જન કરૂ અને ગિરનાર તીર્થ પર હું પગથિયાં કંડારું.” જેથી તેમના પુત્ર બાહડ મંત્રીએ શેત્રુંજય પર યુગાદિદેવનું મંદિર બનાવડાવ્યું. તેમને મહામાત્ય ઉદયનની એક ઈચ્છા તો પૂરી કરી. પણ હવે ગિરનાર તીર્થ પર પગથિયાં બનાવવાનું બાકી હતું. એ ઈચ્છા પૂરી કરવાની બાકી હતી.

ગિરનાર તીર્થ પર પગથિયાં બનાવવાની ઈચ્છા પૂરી કરવા માટે બાહડ મંત્રી ગિરનાર આવ્યા. અહીં તેઓએ નજરો તાગ ન પામી શકે એવી ઊંચી ઊંચી ભેખડો જોઈ. પર્વતનો વિરાટ ઘેરાવો અને વાદળો સાથે વાત કરતા શિખરો જોયા. તેઓ મુંજાઈ ગયા કે આવા વિરાટકાય પર્વતમાં ક્યાં રસ્તે પગથિયાંનું સર્જન કરી શકાય? તેઓની સાથે આવેલા શિલ્પીઓએ ઘણી મહેનત કરી પણ શરૂઆત ક્યાંથી કરવી એનો નિર્ણય તેઓ ન કરી શક્યા.

બાહડ મંત્રીએ ઘણી માથામાં કરી, ઘણા મંથનો કર્યા પણ, એને આ વાતનો રસ્તો ક્યાંયથી પણ સુજતો નથી. ત્યારે તેમને ગિરનારની રક્ષા કરનાર અંબિકા માતાની યાદ આવી. તેઓ પાકો સંકલ્પ કરીને વિશ્વાસ સાથે માતા અંબિકાના ચરણોમાં બેસી ગયા. તેમના મનમાં માત્ર એક જ વાત હતી કે “હે મા, મને રસ્તો બતાવ. જે રસ્તે ચાલીને હું આપેલું વચન પૂરું કરીને ઋણમાંથી મુક્ત થાઉં.”

ઉપવાસ કરતા કરતા એક દિવસ, બે દિવસ ત્રણ દિવસ વીતી ગયા. બાહડ મંત્રીને વિશ્વાસ હતો કે, અણધારી રીતે જ મારી આ સમસ્યાનો ઉકેલ આવશે, અને મને રસ્તો મળશે. અને બન્યું પણ એવું જ કે બાહડ મંત્રીનો વિશ્વાસ સાચો ઠર્યો. ત્રીજા ઉપવાસના અંતે માતા અંબિકા હાજર થયા અને કહ્યું કે, “હું જે રસ્તે અક્ષત વેરતી જાઉં, એ રસ્તે પગથિયાનું સર્જન કરજે.”

વાતાવરણમાં આનંદ છવાઈ ગયો. માતા અંબિકા ગિરનારના મુશ્કેલ રસ્તા વચ્ચે ચોખા વેરતા ગયા અને એ રસ્તે પગથિયાંના ટાંકણા પડતા ગયા. એક ક્ષણ તો એવી પણ આવી કે જયારે નેમિનાથમાં ફક્ત ટાંકણાઓનો ધ્વનિ જ ઘૂમી વળ્યો. એ પછી ઋણમુક્તિના આનંદથી બાહડ આનંદિત થઇ ગયો અને ત્રેસઠ લાખના ખર્ચા પછી ગિરનારના પગથિયાં બન્યા અને ગિરનારના તીર્થની વાટ કઈંક સહેલી થઈ.

દરેક વ્યક્તિએ બાહડ મંત્રીનો આભાર માનવો જોઈએ કે તેમના કારણે લોકો ગિરનારની જાત્રા કરી શકે છે. ઉદયન મંત્રીને ધન્ય છે કે તેમને ગિરનાર પર આ પગથિયાં બનાવવાનો વિચાર આવ્યો હતો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.