ધાર્મિક-દુનિયા નીરવ પટેલ લેખકની કલમે

એક આદિવાસીને હળથી ખેતી કરતા મળી મૂર્તિ અને બની ગયું “શામળાજી” ધામ, વાંચો શામળાજીનો રોચક ઇતિહાસ

ગુજરાત એટલે એક એવી પાવન ધરતી જ્યાં ઘણા બધા દેવી-દેવતાઓએ જન્મ લીધો છે અને જેને જન્મ નથી લીધો એવા દેવી-દેવતાઓ પણ આ પાવન ધરતી ઉપર આવીને વસવાટ કરી ગયા છે, તેના જ કારણે આપણા ગુજરાતમાં ઘણા જ સાધુ સંતો અને મહાઋષિઓ હોવાનું પણ ઇતિહાસમાં જોવા મળે છે.

Image Source

દેવો અને સાધુ સંતોના પૂજ્ય એવા ગુજરાતમાં ઘણા તીર્થસ્થાનો આવેલા છે, આમ તો ગુજરાતનું ગામે ગામ તીર્થ સ્થાન જેવું જ છે છતાં પણ કેટલાક તીર્થધામો વિશ્વ કક્ષાએ પણ પોતાની આગવી ખ્યાતિ ધરાવે છે અને તેમાનું જ એક તીર્થસ્થાન છે “શામળાજી”. કાળિયા ઠાકોરના આ ધામની ખ્યાતિ ચારેય દિશાઓમાં ગુંજી રહે છે, પ્રકૃતિના સાનિધ્યમાં આવેલું આ ધામ એટલું રમણીય છે કે દર્શનાર્થીઓ આ સ્થળ ઉપર જઈને એક અદમ્ય શાંતિનો અનુભવ કરે છે. તો ચાલો જાણીએ આ પ્રાકૃતિક તિર્થધામના ઇતિહાસ વિશે.

Image Source

એક લોક વાયકા અનુસાર પ્રાચીન સમયમાં આ સ્થાન ઉપર આદિવાસીઓ વસવાટ કરતા હતા, ત્યારે આ ક્ષેત્રમાં એક “કરામ્બુજ” નામનું એક વિશાળ તળાવ હતું. આ તળાવ સુકાઈ જતા આદિવાસીઓને તેમાં ખેતી કરવા માટેની ઈચ્છા થઇ અને એ આદિવાસીઓમાના એક નવ યુવાન ઉત્સાહિત થઈને હળ લઈ તળાવમાં ખેતી કરવા માટે ઉતરી ગયો. તળાવમાં હળથી ખેડતા સમયે હળની નીચે જમીનમાંથી હળની ધાર અડતાં એક આવાજ આવ્યો. તેને હળને ત્યાં જ રોકી દઈને એ જગ્યા ઉપર વધુ ખોદકામ કર્યું, ખોદકામ કરતા જ તે યુવાન ઉત્સાહમાં આવી ગયો, સાથે અબોધ આદિવાસીઓ પણ ઉત્સાહમાં આવી ગયા, તેમને એ વસ્તુને બહાર કાઢી ત્યારે કાળા રંગની એક મૂર્તિ તેમના હાથમાં લાગી અને એ ટોળામાંથી જ કોઈ બોલ્યું: “આ તો કાળિયા દેવ છે, કાળિયા ઠાકોર છે.” અને એ આદિવાસીઓ આ સાથે જ ખુશીથી ઝૂમી ઉઠ્યા. આદિવાસીઓ ત્યારથી પોતાના ઇષ્ટદેવ તરીકે એ મૂર્તિને પૂજે છે અને તેમને “કાળિયા ઠાકોર” તરીકે પણ ઓળખે છે.

Image Source

ઈડરના રાજા અને ઠાકોરને પણ એ સમયે કાળિયા ઠાકોર તરફ આકર્ષણ જન્મ્યું હતું જેના કારણે તેમને પેલા આદિવાસી યુવકની શોધ કરી અને સને 1860માં આજના શામળાજી મંદિરમાં એ કાળિયા ઠાકોરની મૂર્તિની ધામધૂમથી સ્થાપના કરી અને પપ્રસ્થાપિત કરી હતી. ભગવાન શ્રી કૃષ્ણનો રંગ શ્યામ હોવાના કારણે અને મૂર્તિ પણ શ્યામ હોવાના કારણે એ તીર્થ સ્થાનને “શામળાજી” નામ પણ આપવામાં આવ્યું હતું.

Image Source

અંગ્રેજોના સાશનકાળ દરમિયાન નવા મંદિરો સ્થપાવવા લાગ્યા, ત્યારે ઈડરના રાજા કે જેઓ વૈષ્ણવ હતા તેમને શામળાજીના આ મંદિરનો વહીવટ સારી રીતે ચાલે તે માટે થઈને વહીવટી સમિતિની રચના પણ કરી, અને શામળાજીના આજ મંદિરમાં ભગવાન વિષ્ણુ, શિવજી, ગણપતિ દાદા અને માતાજી વગેરેની મૂર્તિની સ્થાપના કરી જીર્ણોદ્ધાર પણ કરવા લાગ્યા.

Image Source

એક લોક વાયકા એવી પણ છે કે નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારવા માટે ભગવાન શ્રી કૃષ્ણે શામળશા શેઠનું રૂપ ધારણ કર્યું હતું અને નરસિંહ મહેતાની હૂંડી પણ સ્વીકારી હતી જેના કારણે પણ આ સ્થાનકને “શામળાજી” નામ આપવામાં આવ્યું છે.

Image Source

શામળાજીનું તીર્થ સ્થાન મેશ્વો નદીના કાંઠે આવેલું છે, અને આ તીર્થધામ હિન્દુઓની અપાર શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક છે. વૈષ્ણવોનું આ એક પૂજ્ય સ્થળ છે. પુરાણોમાં આ સ્થળ “ગદાધર” ક્ષેત્ર તરીકે જાણીતું હતું, આ મંદિરની અંદર હિન્દુ સ્થાપત્ય કલાના સુંદર નમૂનાના દર્શન પણ થતા જોવા મળે છે. એટલે જ આ મંદિરની ખ્યાતિ વિશ્વભરમાં ફેલાયેલી છે.

Image Source

શામળાજીની અંદર જ એક મ્યુઝિયમ પણ આવેલું છે જ્યાં પ્રાચીન સમયની ઘણી વસ્તુઓ તમને જોવા મળી જશે, તેમાં ઘરેણાં અને ઘણી એવી વસ્તુઓ છે જે ખોદકામ દ્વારા મળી આવી હતી અને તે આ સ્થાનકના ઇતિહાસની સાક્ષી પણ બને છે.

Image Source

મેશ્વો નદીના કાંઠે 1959-60માં ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી લગભગ 60 હજાર વર્ષ પૂર્વેના પાષાણયુગના ઓજારો પણ મળી આવ્યા હતા. ઈ.સ. 1960માં શામળાજીમાંથી જ ઈસુની ચોથીથી આઠમી સદીના માટીના પૂરાવશેષો પણ મળી આવ્યા હતા જેની અંદર કોડિયાં, કુલડી, ઘડા, હાંડી, કુંડી, ધૂપિયા અને ઢાંકણ જેવી ઘણી જ વસ્તુઓનો સમાવેશ થતો હતો. શામળાજીમાં આવેલા આ મ્યુઝિયમમાં ચોથી, પાંચમી, સાતમી, આઠમી, બારમી, તેરમી, સત્તરમી, અઢારમી સદીના દેવોની મૂર્તિઓ પણ જોવા મળે છે સાથે જૈનોના તીર્થંકરોની પણ મૂર્તિઓ મળી રહે છે.

Image Source

આમ  શામળાજીના આ મંદિરનું માહત્મ્ય ખુબ જ અનોખું છે, છતાં પણ મંદિર વિશે અને તેની સ્થાપના વિશે એકદમ સાચી માહિતી આજસુધી નથી મળી રહી, લોક વાયકા અનુરૂપ જ આ મંદિરની સ્થાપનાનું રહસ્ય સામે આવી રહ્યું છે, પરંતુ એ બધી બાબતોને બાદ કરતા આજે પણ શામળાજીના એ મંદિરમાં દર્શનાર્થે ઘણા જ ભક્તો જાય છે, અને પાવન પણ થાય છે, શામળાજીના મંદિરમાં સૌથી આકર્ષે તેવી વસ્તુ છે તો તે છે તેનું પ્રાકૃતિક સૌંદર્ય. પહાડોની વચ્ચે આવેલું આ ધામ ખુબ જ રમણીય બને છે અને ત્યાં જનારને પોતાના સાનિધ્યમાં એક નવી હૂંફ પણ પુરી પાડે છે.

Image Source

જય શ્રી કૃષ્ણ, જય શામળાજી!!
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.