ગુજરાતના ઘણા મંદિરો પોતાના એક આગવા ઇતિહાસના કારણે ઘણા જ પ્રચલિત છે, એ મંદિરોમાં દર્શન માત્રથી જ ઘણી તકલીફો દૂર થઇ જતી હોય છે. એવું જ એક મંદિર આપણા ગુજરાતમાં આવેલું છે જેને મોઢેરાના સૂર્ય મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરનો પણ એક આગવો ઇતિહાસ છે.

મોઢેરાનું સૂર્યમંદિર તેના શિલ્પ સ્થાપત્ય અને કોતરણીના કારણે જગવિખ્યાત છે. દૂર દૂરથી લોકો દર્શનની સાથે સાથે તેના સ્થાપત્યના પણ દર્શન કરે છે, વિદેશીઓ ખાસ આ મંદિરમાં તેના સ્થાપત્યને જોવા માટે જ આવતા હોય છે. આ મંદિરનો ઇતિહાસ હજારો વર્ષો જૂનો છે, કહો કે રાજા રામના સમયનો, જે આપણે વિસ્તારથી જાણીએ.

પુરાણમાં પણ મોઢેરાનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે, સ્કંદ પુરાણ અને બ્રમ્હ પુરાણ અનુસાર પ્રાચીન સમયમાં મોઢેરાની આસપાસનો વિસ્તાર “ધર્મારણ્ય” તરીકે ઓળખાતો હતો. આ પુરાણોમાં જણાવ્યા અનુસાર જ જયારે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો ત્યારબાદ તેમના માથે બ્રમ્હ હત્યાનું પાપ આવી ચઢ્યું હતું. તેમને પોતાના ગુરુ વશિષ્ઠને એવા સ્થળ વિશે પુછપરછ કરી કે જે સ્થળ ઉપર જઈને તેઓ બ્રમ્હ હત્યાનું પાપ ધોઈ શકે. વિશિષ્ઠ મુનિએ તેને “ધર્મારણ્ય” જવા માટે કહ્યું, જેને હાલમાં મોઢેરા તરીકે ઓળખવામાં આવે છે. “ધર્મારણ્ય”માં ભગવાન શ્રી રામે “મોઢેરક” ગામ સ્થાપ્યું અને ત્યાં એક યજ્ઞ કર્યો. ત્યારબાદ તેમને સીતાપુર ગામની પણ સ્થાપના કરી જે બેચરાજી મોઢેરકથી 15 કી.મી. દૂર આવેલું હતું. પછીના સમયમાં આ ગામ મોઢેરા તરીકે ઓળખાવવા લાગ્યું.

મોઢેરામાં સૂર્ય મંદિરનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઈ.સ. 1026-1027માં કરાવ્યું હતું. આ મંદિર 23.6 અક્ષાંશ પર કર્કવૃત્તની નજીક બંધાયેલું છે. આ મંદિર પહેલાના સમયમાં સ્થાનિકો દ્વારા “સીતાની ચોરી” અને “રામકુંડ” તરીકે ઓળખવામાં આવતું હતું. આ મંદિરનું બાંધકામ પણ ખુબ જ ઝીણવટથી કરવામાં આવ્યું છે, ભીમદેવ સૂર્યદેવના પૂજક હતા જેના કારણે તેમને સૂર્યદેવનું મંદિર બાંધવાનો નિર્ણય કર્યો, અને આ મંદિરમાં ભવ્ય કોતરણી અને કળા કરવામાં આવી જેના કારણે આજે પણ વિશ્વભરમાં આ મંદિરની ખ્યાતિ પથરાયેલી છે. મંદિરના ગર્ભગૃહમાં આવેલા શિલાલેખમાં ઈ.સ. 1027નો પણ ઉલ્લેખ થયેલો જોવા મળે છે.

આ મંદિરના બાંધકામમાં એક ખાસ વિશેષતા એ પણ છે કે મંદિરમાં ક્યાંય ચૂનાનો ઉપયોગ કરવામાં નથી આવ્યો, ઈરાની શૈલીમાં નિર્મિત આ મંદિરને રાજા ભીમદેવે બે ભાગમાં બનાવડાવ્યું હતું. પહેલો ભાગ ગર્ભગૃહ અને બીજું સભામંડપ. આ મંદિરના સભામંડપમાં કુલ 52 સ્તંભ આવેલા છે. આ સ્તંભો ઉપર શ્રેષ્ઠ કારીગરીના વિવિધ દેવી-દેવતાઓના ચિત્રો અને રામાયણ તેમજ મહાભારના પ્રસંગોને પણ કોતરવામાં આવ્યા છે. આ સ્તંભોની એક ખાસ વિશેષતા એ પણ છે કે તેને નીચેની તરફ જોતા તેઓ અષ્ટકોણાકાર અને ઉપરની તરફ જોતા તે ગોળ દેખાય છે.

આ મંદિરનું નિર્માણ પણ ખાસ ધ્યાન રાખીને કરવામાં આવ્યું છે, ભીમદેવ સૂર્યભગવાનના ઉપાસક હોવાના કારણે સૂર્યની પહેલી કિરણ મંદિરના ગર્ભગૃહમાં પડે એ રીતેની બનાવટ કરવામાં આવી છે, જે આજના સમયમાં પણ આકર્ષણનું કેન્દ્ર છે. સભામંડપની આગળ એક વિશાળ કુંડ આવેલો છે જેને લોકો સૂર્યકુંડ અથવા રામકુંડના નામે ઓળખે છે.

એક સમય એવો પણ હતો જયારે મોગલોના સાશન કાળ દરમિયાન આ મંદિરને ઘણી જ રીતે નુકશાન પહોંચાડવામાં પણ આવ્યું હતું. અલાઉદ્દીન ખિલજીએ સોમનાથના મંદિરની સાથે પોતાના આક્રમણો દરમિયાન મોઢેરાના સૂર્યમંદિરને પણ ઘણું જ મોટું નુકશાન પહોચાડ્યું હતું અને મંદિરની મૂર્તિઓની પણ તોડફોડ કરી હતી. આજે વર્તમાન સમયમાં ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા આ મંદિરને પોતાના સંરક્ષણમાં લઇ લેવામાં આવ્યું છે.

આજે ગુજરાત સરકાર પુરાતત્વ વિભાગ દ્વારા સમગ્ર મંદિરનું સંચાલન કરવામાં આવે છે તેમજ જાન્યુઆરી મહિનાના ત્રીજા અઠવાડિયામાં મંદિરની અંદર ત્રણ દિવસનો નૃત્ય ઉત્સવ પણ રાખવામાં આવે છે.

મોઢેરા મંદિર અમદાવાદથી 99 કિલોમીટર દૂર છે જયારે મહેસાણાથી 26 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિર સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવે છે.
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.