કૌશલ બારડ ધાર્મિક-દુનિયા લેખકની કલમે

વાંચો કાશી વિશ્વનાથ મંદિરનો અદ્ભુત ઇતિહાસ અને રહસ્ય: પ્રલયકાળમાં રહેશે શિવના ત્રિશૂળ પર!

આપણા ધર્મશાસ્ત્રો કહે છે, કે જે માણસે જિંદગીભર કદી જપ-તપ કે જ્ઞાનનો માર્ગ જોયો જ ન હોય એ માણસ માટે પણ મુક્તિનું એક સ્થાન ભારતમાં છે. અને એ એટલે કાશી! કાશી(વારાણસી)ના ઘાટોમાં લહેરાતા દેવી ગંગાના પાણીમાં આજે પણ શ્રધ્ધા હોય તો જીવનભરનાં પાપો ધોઈ નાખવાની શક્તિ છે!

આજથી લગભગ ૧૪૦૦ વર્ષ પહેલા ભારતમાં આવેલ ચીની યાત્રી હ્યુ-એન-ત્સાંગ કાશી વિશે લખે છે, કે આ એક જ તીર્થસ્થાનમાં લગભગ ૧૦૦ જેટલાં મંદિરો અને એમાંનું એકેય એવું નથી જેની ઊંચાઈ ૧૦૦ ફૂટ કરતા ઓછી હોય! આપણે અહીં વાત કરવી છે કાશીના સૌથી વધારે પ્રખ્યાત મંદિરની, એટલે કે ભગવાન કાશી વિશ્વનાથની!

Image Source

ભગવાન શિવનું સાતમા ક્રમનું શિવલીંગ —

ભારતમાં શિવજીના ૧૨ શિવલીંગ આવેલાં છે. એમાંનું સાતમા નંબરનું શિવલીંગ એટલે ભગવાન કાશી વિશ્વનાથનું મંદિર. અહીંનો મહિમા ખરેખર અપરંપાર છે.

અહીંની એક માન્યતા લોકોમાં પ્રબળ છે, કે જ્યારે પણ કલિયુગ સમાપ્ત થશે અને વિનાશની ઘડી આવશે એ દિવસે કાશીમાં હશે એ તરી જવાના! કેમ કે, આ સ્થળ ખુદ ભગવાન શિવ પોતાના ત્રિશૂળ પર ધારણ કરશે.

Image Source

સૃષ્ટિના ઉદ્ભવનું મૂળબિંદુ છે કાશી! —

પુરાણો કહે છે, કે પૃથ્વીના ઉદ્ભવનું મધ્યબિંદુ કાશી છે. અહીં જ ભગવાન વિષ્ણુએ પ્રભુ આશુતોષની પ્રાર્થના કરેલી એ પછી તેમની નાભિમાંથી કમળ પ્રગટ થયું, જેમાંથી અવતરીત બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું. આ દ્રષ્ટિએ કાશીનું મહત્ત્વ ખાસ્સું વધી જાય છે. [નોંધ: નૈમિષારણ્યને પણ પૃથ્વીનું કેન્દ્રબિંદુ માનવામાં આવે છે.]

Image Source

હજારો વર્ષોનો છે મંદિરનો ઇતિહાસ —

કાશી વિશ્વનાથનું મંદિર આમ તો હજારો વર્ષ પુરાણું છે. એમનો કોઈ ચોક્કસ સમય તો આંકી શકાય એમ નથી. સમયાંતરે ધર્મઝનૂની અનિષ્ટ તત્ત્વોએ કાશી પર આક્રમણો કર્યાં એમાં આ મંદિરનો ઢાંચો પણ ભાંગ્યો છે. છતાં, બમણી ઝડપથી ફરીવાર મંદિરનો જીર્ણોધ્ધાર પણ થયો છે. હાલનું જે મંદિર છે એ ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલ્કર દ્વારા બંધાવેલું છે.

Image Source

રણજીતસિંહે દાન કરેલું ૧,૦૦૦ કિલો સોનું! —

શેર-એ-પંજાબ તરીકે ઓળખાતા પંજાબના છત્રપતિસમ્રાટ રણજીતસિંહજીએ કાશી વિશ્વનાથ ભગવાનનાં મંદિરે ૧૦૦૦ કિલો સોનું દાન કર્યું હતું. વિચારી જોજો કે કેટલી અધધ… રકમ હશે! તેમને મંદિરમાં સોનાનાં દ્વાર લગાવ્યાં હતાં. મંદિરનું સોનાનું છત્ર આજે દર્શનમાત્રથી ધન્ય કરી દેનારું છે. કહેવાય છે, કે ખાલી છત્રદર્શનથી જ સમગ્ર પાપનો નાશ થાય છે!

Image Source

ભારતની મહાન વિભૂતિઓની પરમ આસ્થાનું સ્થાન —

કાશી વિશ્વનાથ મહાદેવની આરાધના જગતગુરૂ આદિ શંકરાચાર્યથી માંડીને સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી દયાનંદ સરસ્વતી, મહાન કવિ-સંત એકનાથ સહિત અનેક લોકોએ અહીં રહીને કરી છે. મરાઠી ભાષાનાં મહાકાવ્ય જેવું “શ્રીએકનાથી ભાગવત”ની રચના સંત એકનાથે અહીઁ જ રહીને કરી હતી. અહીંના વિદ્વાન પંડિતોએ આ ગ્રંથને ખોબલે-ખોબલે વધાવ્યો હતો અને રાજાએ હાથીની અંબાડી પર આ ગ્રંથની નગરયાત્રા કરાવી હતી! આમેય કાશી તો યુગોથી પંડિતોની અને વિદ્યાની ભૂમિ રહી છે. આપણે ત્યાંના ગોર મહારાજ પણ કાશી ભણીને આવે પછી જ ‘પંડિત’ કહેવાતા!

Image Source

લોકો કાશી શું કરવા આવે છે? —

સ્વાભાવિક રીતે, કાશીએ મંદિરોની નગરી છે. કહેવાય છે, કે અહીં પગલે-પગલે મંદિરો મળી રહે છે! મણિકર્ણિકા ઘાટ, દશાશ્વરમેઘ ઘાટ, હરિશ્વંદ્ર ઘાટ અને તુલસી ઘાટ સહિત અનેક ઘાટોનું અહીં મહત્ત્વ અનેરું છે. અહીં આવતા હરેક યાત્રાળુની એક મુખ્ય ઇચ્છા હોય છે : ગંગામાં સ્નાન અને કાશી વિશ્વનાથનાં દર્શન. બસ, આટલું થઈ જાય એટલે ‘ગંગા નાહ્યા’! આટલું કરવું સર્વસામાન્ય છે. સૌથી મોટું પુણ્ય આને જ માનવામાં આવે છે. કાશી ભારતની સપ્તપુરીઓ માંની એક છે.

Image Source

કાશીની હ્રદયદ્રાવક વીતકકથા —

એક બાજુ કાશીનો જેટલો ધર્મસ્થાનક તરીકે પ્રસિધ્ધ ઇતિહાસ રહ્યો છે, એવો જ કંઈક કરૂણ ઇતિહાસ પણ અહીં વિધર્મીઓના લીધે ધરબાયો છે. તેરમી સદીમાં કુતુબુદ્દીન ઐબકે અહીંના એક હજાર મંદિરોને પાડી નાખ્યાં હતાં! એ પછી અલાઉદ્દીન ખીલજીએ પણ આટલી જ સંખ્યામાં અહીંનાં મંદિરોનો વિધ્વંસ કર્યો હતો. એ પછી મુગલવંશના નિષ્ઠુર શાસક ઔરંગઝેબે પણ અહીં કત્લેઆમ ચલાવેલી અને અનેક મંદિરો ધરાશાયી કરેલાં. જેમાં ભગવાન કાશી વિશ્વનાથનું મંદિર પણ સામેલ હતું. જો કે, થોડાં વર્ષો પછી ૧૭૮૦માં દેવી અહલ્યાબાઈ હોલ્કરે એમનું પુન:નિર્માણ કરાવેલું. એ પછી તો મરાઠાઓએ અને પેશ્વાઓએ અહીં ઘણાં મંદિરો બાંધ્યાં. અનેક આતતાયીઓએ કાશીને ભૂંસી નાખવા પ્રયત્ન કર્યો. આજે એમાંનો એકેય નથી પણ કાશી હતું, છે અને રહેવાનું છે!

Image Source

મહાશિવરાત્રીના દિવસે કાશી વિશ્વનાથનાં મંદિરે અદ્ભુત ધામધૂમ જોવા મળે છે. કાશીમાં રહેલા વિવિધ મંદિરોમાંથી લોકો આ મંદિરે રથયાત્રા લઈને આવે છે અને પરિણામે જબરદસ્ત ભક્તિભર્યો નજારો સર્જાય છે. એ જ રીતે શ્રાવણ મહિનો પણ શિવજીની આરાધનાનો અહીં ઉત્સવ લઈને આવે છે. મંદિરમાં થતી આરતીનો નજારો જોવો પણ જીવનનો એક લ્હાવો છે.

છેલ્લે એક વાત: કાશીમાં ગંગા સિવાય બે નદીઓ વહે છે: વારાણી અને અસ્સી. આ બંને નદીઓનાં નામ પરથી જ ‘વારાણસી’ નામ પડ્યું છે. આગળ આ બંને નદીઓ ગંગા નદીમાં મળી જાય છે.

મહાદેવ હર!

[આર્ટિકલ સારો લાગ્યો હોય તો આપના મિત્રો સાથે પણ જરૂરથી લીંક શેર કરજો. ધન્યવાદ]

Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks