ધાર્મિક-દુનિયા નીરવ પટેલ લેખકની કલમે

ચોટીલાના ગબ્બર ઉપર બિરાજમાન ચામુંડા માતાજીનું નામ લેવા માત્રથી જ કષ્ટો થાય છે દૂર, બોલો જય ચામુંડા મા

શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના પાવન ધામ એવા ચોટીલાના ચામુંડા માતાજીના મંદિર વિશેનો રોચક ઇતિહાસ વાંચો

ગુજરાતના એક પવિત્ર તીર્થધામમાં ગણાતું મંદિર એટલે ચોટીલાના ચામુંડા માતાજીનું મંદિર. વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી આવે છે, ઘણા લોકો માતાજીના દર્શને પગપાળા અને ઘણા ભક્તો દંડવત પ્રણામ કરતા કરતા પણ માતાજીના દર્શેને આવે છે, કહેવાય છે કી માતાજીનું નામ સાચા દિલથી લેવામાં આવે તો મા ચામુંડા તેમના ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે, તેમને ઈચ્છીત ફળ આપે છે.

Image Source

આવા જ પવિત્ર ધામ ચોટીલાના ચામુંડા માતાજીના મંદિર વિશે ઘણી જ બાબતો જાણવા જેવી છે, ચોટીલા દર્શન કરવા જતા ભક્તો માટે આ એક આસ્થાનું ધામ છે, ગબ્બર ઉપર બિરાજેલા મા ચામુંડા તેમના ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરવાના ઉદાહરણો પણ ઠેર ઠેર મળી આવે છે જેના કારણે શ્રદ્ધાળુઓને આજે પણ માતાજીમાં શ્રદ્ધા છે, વિશ્વાસ છે, આસ્થા છે.

Image Source

માતાજીનો આ ડુંગર હજારો વર્ષો પહેલા હોવાના પણ ઘણા ઉદાહરણો મળે છે, કહેવાય છે હજારો વર્ષો પહેલા આ ડુંગરની આસપાસ ચંડ અને મૂંડ નામના બે રાક્ષસોનો ત્રાસ હતો, આથી એ સમયે ઋષિમુનિઓએ આદ્યશક્તિની આરાધના કરી અને દેવીને પ્રસન્ન કર્યા હતા, દેવીએ પ્રસન્ન થઈને આ જ જગ્યા ઉપર ચંડ અને મૂંડનામના બે રાક્ષસોનો સંહાર કર્યો હતો જેના કારણે જ તેમને ચામુંડા માતાજી કહેવામાં આવે છે.

Image Source

વર્ષો પહેલા આ ડુંગર ઉપર માતાજી બિરાજમાન હતા, પહેલા તો આ ડુંગર ઉપર ચઢવા માટે પગથિયાં પણ નહોતા છતાં પણ માતાજીના ભક્તો ડુંગર ઉપર ચઢીને માતાજીના દર્શને આવતા. એ સમયે ડુંગર ઉપર એક નાનો ઓરડો હતો. આશરે 155 વર્ષ પૂર્વે (ઇસ.1910 થી 1916)ની આસપાસ માતાજીની પૂજા અર્ચના માતાજીના ભક્ત એવા મહંત શ્રી ગોસાઈ ગુલાબગિરિ હરીગીરી બાપુ ડુંગર ઉપર રહીને જ કરતા હતા, તેઓ આ મંદિરના નિર્માણ અને વિકાસ માટે સતત કાર્યરત હતા અને આજે મંદિર ઉપર પહોંચવા માટે સુંદર વ્યવસ્થા પણ થયેલી જોવા મળે છે. આજે પણ તેમના વંશજો માતાજીની પૂજા અર્ચના કરે છે.

Image Source

ચોટીલા ડુંગર ઉપર રહેલા માતાજીના દર્શન કરવા માટે ભાવિક ભક્તોને અગવળ ના પડે તે માટે પણ સારી વ્યવસ્થાઓ કરવામાં આવી છે, મંદિર ઉપર પહોંચવા માટે 635 પગથિયાં ચઢવા પડે છે, પરંતુ આ પગથિયાં ચઢનાર ભાવિક ભક્તો માટે મંદિર તરફથી થોડા થોડા અંતરે પીવાના પાણીની સુવિધા સાથે પંખા પણ મુકવામાં આવ્યા છે, વરસાદ અને તડકાથી બચવા માટે પગથિયાની ઉપર શેડ પણ લગાવવામાં આવ્યો છે.

Image Source

ચોટીલાનું આ મંદિર અમદાવાદ રાજકોટ હાઇવે ઉપર આવેલું છે, અમદાવાથી ચોટીલા 168 કિલોમીટર અને રાજકોટથી 46 કિલોમીટરના અંતરે આવેલું છે. ચોટીલા ધામમાં જનારા શ્રદ્ધાળુઓ માટે ધર્મશાળા અને અતિથિ ભુવનની પણ વ્યવસ્થા છે, સાથે ચોટીલામાં જ ઘણી હોટેલ પણ આવેલી છે જ્યાં રહેવા સાથે જમવાનું પણ મળી રહે છે.

Image Source

ચામુંડા માતાજીના દર્શન કરવાથી પણ કષ્ટો દૂર થાય છે માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે આવતા હોય છે, ડુંગર ઉપર બિરાજમાન ચામુંડા માતાજી આસ્થા અને ભક્તિનું પ્રતીક છે, લાખો શ્રદ્ધાળુઓના હૃદયમાં ચામુંડા માતાજીની ભક્તિનો વાસ થયેલો છે.

બોલો જય ચામુંડા મા!!!