લેખકની કલમે

હિરલથી હિર સુધી ! આ કવિતા મારી બહેનએ લખેલી છે અને એનું નામ હિરલ નહિ પણ હિર છે ! મેં કહ્યું, હું પણ કંઇક બોલવા માગું છું

રાતના દસ વાગ્યે હિરલ નામની એક છોકરીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી. મેં પ્રોફાઈલ ખોલી અને જોયું તો એકેય મ્યુચ્યુઅલ ફ્રેન્ડ નહોતા, મને લાગ્યું કે ફેક આઈ.ડી છે પણ ફેક આઈ.ડીમાં એક તો મ્યુચ્યુઅલ ફ્રેન્ડ હોય જ અને મેં કંઈ જ વિચાર્યા વગર રિકવેસ્ટ એક્સેપ્ટ કરી. હું સુઈ ગયો અને સવારે ઉઠીને જોયું તો એજ હિરલ નામની છોકરીનો મેસેજ હતો. મેસેજમાં હાય લખેલું હતું અને મેં પણ હાય લખ્યું. બપોરે એનો મેસેજ આવ્યો, થેંક્યું ! એણે મને એક કવિતા સેન્ડ કરી અને એ કવિતા ખૂબ જ સુંદર હતી. મેં પૂછ્યું, આ તમે લખી છે ? એણે કહ્યું, હા ! મેં પણ મારી લખેલી એક કવિતા એને મોકલી અને એ ખૂબ જ ખુશ થઈ ગઈ ! અમે સાંજ સુધી વાત કરતાં રહ્યા અને રાત્રે એનો મેસેજ આવ્યો, હું ફેસબુક ડીએક્ટિવ કરું છું. જો તમારે કવિતા મોકલવી હોય તો આ સરનામે મોકલજો. એણે મને સરનામું આપ્યું. મેં કીધુ હવે કોણ કવિતા પોસ્ટમાં મોકલે ? સવારે કોલેજ માટે નીકળ્યો અને વચ્ચે એક લેક્ચર ફ્રી હતું તો મેં લાયબ્રેરીમાં જવાનું નક્કી કર્યું. વાંચવા માટે મારી પાસે ઘણું હતું પણ કંટાળો આવતો હતો.

મેં વિચાર્યું કે આજે એક કવિતા લખી જ દઉં ! મેં કવિતા લખવાની શરું કરી. બે કલાક બાદ એક મસ્ત કવિતા લખાઈ. લખવા બેસું ત્યારે સમયનો ખ્યાલ ન રહેતો. ઘરે જઈને બપોરે થોડીવાર સૂતો અને અચાનક વિચાર આવ્યો કે આ કવિતા હિરલને પોસ્ટ કરું તો ! મેં એક કવર લીધુ અને એમાં કવિતા લખેલું કાગળ રાખ્યું. મારા ઘરે એક- બે ટપાલ માટેની ટિકિટ પડી હતી, મેં એ કવર પર ટિકિટ ચોંટાડી. સવારે કોલેજ જતાં સમયે પોસ્ટ બોક્સમાં નાંખી દીધું.

લગભગ બે દિવસ બાદ ટપાલી દરવાજા પર આવ્યો અને બોલ્યો, કલ્પેશ તારી ટપાલ આવી છે. મેં નીચે જઈને ટપાલ લીધી અને ત્યારે જ મમ્મીએ પૂછ્યું, બેટા કોનો કાગળ આવ્યો છે ? મેં કહ્યું, મમ્મી આ તો કોલેજ માંથી આવ્યો છે. મમ્મી કંઈ જ ન બોલ્યા અને હું મારા રૂમમાં આવ્યો. ટપાલ ખોલી તો એમાં લખ્યું હતું, ખૂબ જ સારી કવિતા છે, મને વાંચવાની મજા આવી ! બસ આટલું જ ટપાલમાં લખેલું હતું. મેં એક કાગળ લીધો અને એક કવિતા લખી અને કવર લઈને પેક કરી દીધી. હવે મારી પાસે એક જ ટપાલ ટિકિટ હતી અને એ મેં ચોંટાડી.

સવારે કોલેજ જતાં સમયે ટપાલ બૉક્સમાં નાંખી. લેક્ચરમાં વિચારતો હતો કે આ વખતે હિરલ શું લખશે ? હું કૉલેજથી ઘરે જતો હતો ત્યારે હું પોસ્ટઓફિસમાં ગયો અને પચાસ નવી ટપાલ ટિકિટ ખરીધી અને અમારા ઘરે જે ટપાલી આવતો હતો એ મને સારી રીતે ઓળખતો હતો તો મેં એમણે કહ્યું, ભાઈ મારી કોઈ ટપાલ આવે તો આપ અહીં જ રાખજો હું કૉલેજથી ઘરે જતાં સમયે લઈ જઈશ. બીજા દિવસે કૉલેજથી ઘરે જતાં સમયે પોસ્ટઓફિસમાં જઈને ટપાલ લઈ આવ્યો અને ઘરે જઈને ટપાલ ખોલી, એમાં આ વખતે કવિતા લખેલી હતી અને નીચે એક ગુલાબ પણ દોરેલું હતું ! પાછળના પાને કંઈક લખેલું હતું, મેં વાંચવાનું શરું કર્યું, કલ્પેશ તમે ખૂબ જ સારું લખો છો અને આ વખતે આશા રાખું છું કે આપ આપના શોખ વિશે પણ લખશો, હું પણ હવે પછીની ટપાલમાં મારા જીવન અને શોખ વિશે લખીશ ! મારા મનમાં એક અલગ જ પ્રકારની ખુશી હતી. મેં એક કોરો કાગળ લીધો અને મારા શોખ વિશે લખ્યું, આજે બે પાનાં મેં કવરમાં નાંખ્યા અને આવતીકાલે કોલેજ જતાં સમયે પોસ્ટબોક્સમાં ટપાલ નાંખી ! મને ખબર હતી કે હિરલ બે દિવસ બાદ ટપાલ લખે છે અને બરાબર બે દિવસ બાદ હું પોસ્ટઓફિસે ગયો અને હિરલની ટપાલ લઈ આવ્યો. ઘરે જઈને ફટાફટ જમીને મારા રૂમમાં ગયો અને ટપાલ ખોલી અને વાંચ્યું તો લખેલું હતું, મારા જીવનમાં કોઈ ખાસ શોખ નથી, પણ હું કોલેજના બીજા વર્ષમાં છું અને લેખક બનવા માંગુ છું. મને હરવા ફરવાનો ખુબ જ શોખ છે અને મારા જીવનમાં પ્રેરણાનો સ્ત્રોત સ્વામી વિવેકાનંદ છે. હું થોડો આશ્ચર્યમાં મુકાયો કારણ કે હિરલની અને મારી જિંદગી ઘણી ખરી સમાન જ હતી.

મેં નવો કાગળ લઈને લખ્યું, તમારું અને મારું જીવન એક જેવું જ છે તો આપણે બન્નેએ મળવું જોઈએ ! તમારો સહુ વિચાર છે ? મેં સવારે જઈને કાગળ પોસ્ટબોક્સમાં નાંખ્યો. બરાબર બે દિવસ બાદ એની ટપાલ આવી અને ખોલીને જોયું તો લખેલું હતું કે આપણું મળવું શક્ય નથી…કારણો ઘણા બધા છે. હું વિચારમાં પડી ગયો કે એવું તો શું હશે કે હિરલ મળી પણ ન શકે. ત્યારબાદ હિરલની એક પણ ટપાલ ન આવી ! મારું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું અને એ પણ એક કાગળના કારણે ! આમ ને આમ ચાર મહિના વીતી ગયા અને એકવાર મારે કામથી અમદાવાદ જવાનું થયું અને એક કેફેમાં થોડીવાર બેઠો. ત્યાં ઓપન માઈક ચાલતું હતું અને એક છોકરી આવી અને એક કવિતા બોલતી હતી. એણે એક સુંદર કવિતા બોલી અને ત્યારબાદ એણે બીજી કવિતા બોલવાનું શરું કર્યું અને મારી ઘડકન એકદમ વધી ગઈ. કારણ કે આ કવિતા હિરલે લખેલી હતી. હું થોડીવાર પછી એ છોકરી પાસે ગયો અને પૂછ્યું, તમારું નામ હિરલ છે ? એણે કહ્યું, ના ! મેં કહ્યું, તો આ કવિતા ? એ બોલી, આ કવિતા મારી સિસ્ટરે લખેલી છે અને એનું નામ હિરલ નહિ પણ હિર છે ! મેં કહ્યું, હું પણ કંઇક બોલવા માગું છું અને ત્યાં જઈને મેં કવિતા બોલી અને બધાને એ કવિતા ખૂબ જ ગમી. જે છોકરીએ હિરલની કવિતા બોલી હતી, એટલે કે એની બહેને મારા ખૂબ જ વખાણ કર્યા અને કહ્યું, તમે ખૂબ જ સારું લખો છો ! મેં કહ્યું, થેંક્યું સો મચ. એ બોલી, આજે મારી બહેન હિરનો જન્મદિવસ છે અને સાંજે પાર્ટી છે તો તમે આવો ને ! અને તમે કવિતા પણ બોલજો ! મેં કહ્યું, હા કેમ નહીં ! મને એડ્રેસ આપજો હું આવી જઈશ. મારા જીવનમાં આટલો ખુશ હું ક્યારેય નહોતો થયો અને થોડોક નર્વસ પણ હતો. હિરલ એટલે હવે હિરને ગિફ્ટ આપવા માટે મેં એક ડાયરી અને બોલપેન પણ લીધી અને સાંજે બરાબર સાત વાગ્યે હું એના ઘરે પહોંચ્યો.

હિરની બહેન સરલા, જે મને ઓપન માઇકમાં મળી હતી એણે એના મમ્મી-પપ્પા સાથે મારી મુલાકાત કરાવી અને એના પપ્પા મારાથી ખૂબ જ ખુશ થઈ ગયા અને મને પૂછ્યું, બેટા તારા પપ્પા શું કરે છે ? મેં કહ્યું, ટ્રાન્સપોર્ટનો બિઝનેસ છે સુરતમાં ! એમણે કહ્યું, નામ શું છે ? મેં કહ્યું, શામજીભાઈ ! એમણે કહ્યું, શામજીભાઈ પાઠક ? મેં કહ્યું, હા, પણ તમે કઈ રીતે ઓળખો છો ? એમણે કહ્યું, એ મારા મિત્ર છે ! આ સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગયો. પાર્ટી શરું થઈ અને હિર આવી ! એ ખૂબ જ સુંદર હતી અને એ હસતી ત્યારે એવું લાગતું કે વસંતઋતુ આવી ગઈ હોય ! સરલાએ માઈકમાં કહ્યું, હવે આપણી વચ્ચે આવી રહ્યા છે કલ્પેશ અને એ કવિતા બોલશે ! મારા નામથી જ હિરના ચહેરાની રેખાઓ બદલાઈ ગઈ અને મને જોઈને અને મારી કવિતા સાંભળીને રડવા લાગી ! પાર્ટી પુરી થઈ અને હિરનાં પપ્પાએ મારી મુલાકાત હિરથી કરાવી અને કહ્યું, બેટા હિર આ આપણા શામજી કાકા છે ને એમનો દીકરો છે ! હિરે મારાથી હાથ મિલાવ્યો અને કહ્યું, હાય ! મેં હીરના પપ્પાને કહ્યું, અંકલ કોઈક દિવસ ઘરે તો આવો ! હિરના પપ્પાએ કહ્યું, હા બેટા આ વખતે તો પ્લાનિંગ તો છે જ. હિરના પપ્પાએ કહ્યું, બેટા કલ્પેશ આજે તું અહીંયા જ રોકાઈ જા…. તારી જેમ મારી હિર પણ કવિતાઓ લખે છે ! હિર મારી આંખોમાં જોઈ રહી હતી. મેં કહ્યું, ઓકે અંકલ ! હું અને હિરલ એકલા હતાં અને એ બોલી, કેમ ઘર સુધી આવી ગયો ? મેં કહ્યું, તું દિલ સુધી આવી શકે તો હું ઘર સુધી પણ ન આવી શકું ? આમ મને મારી કવિતા મળી ગઈ અને વસંતનું આગમન થયું !

લેખક : પ્રદિપ પ્રજાપતિ
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks