આણંદના ખાનગી ફાર્મ હાઉસમાં શ્રીમંત પરિવારના 25 યુવક-યુવતી દારૂ ઢીંચતાં ઝડપાયાં, મોઢું ઢાંકવું પડ્યું

ગુજરાતમાં તો માત્ર નામની જ દારૂબંધી હોય તેમ લાગી રહ્યુ છે. દારૂબંધીવાળા ગાંધીના ગુજરાતમાં દારૂ પકડાવો અને દારૂની મહેફિલ પકડાવવી હવે સામાન્ય બાબત થઇ ગઇ હોય તેમ લાગી રહ્યુ છે. એકતરફ તો ગુજરાતમાં દારૂબંધીની મોટી-મોટી વાતો થાય છે અને બીજી બાજુ અવારનવાર દારૂનો મોટો પ્રમાણમાં જથ્થો ઝડપાય છે અથવા તો દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાતા હોય છે. ત્યારે હાલમાં આણંદમાંથી હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ ઝડપાઇ છે.

આણંદના માનપુરાના મોડી રાતે ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ પકડાતા ચકચાર મચી ગઇ છે. ધનાઢ્ય પરિવારના 15 યુવકો અને 10 યુવતીઓ આ મહેફિલમાંથી ઝડપાયા છે. આંકલાવના માનપુરા ગામના ગ્રીન ટોન ખાનગી ફાર્મ હાઉસમાંથી પોલીસે આ મહેફિલ ઝડપી પાડી હતી. બર્થડે પાર્ટીની આડમાં ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી અને આ મહેફિલમાં ધનાઢ્ય પરિવારના 15 યુવકો અને 10 યુવતીઓ પાર્ટી કરી રહ્યા હતા.

પોલીસે દરોડામાં દારૂની 10 બોટલો જપ્ત કરી છે જેમાં 3 બોટલો ભરેલી, 5 બોટલો ખાલી અને 2 અડધી બોટલો પોલીસે જપ્ત કરી લીધી છે. આ ઉપરાંત તમામ આરોપીઓની ધરપકડ કરી છે. જો કે પકડાયેલા નબીરાઓ વડોદરાનાં રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ પાર્ટી કોઇ મહિલાના જન્મદિવસ નિમિતે રાખવામાં આવી હોવાનું સામે આવ્યુ છે.

તસવીર સૌજન્ય : ન્યુઝ 18 ગુજરાતી

માનપુરા ગામના ગ્રીનટોન ફાર્મ હાઉસને ભાડે રાખી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું તે પણ સામે આવ્યુ છે. જો કે પાર્ટી દરમ્યાન પોલીસ આવી જતા રંગમાં ભંગ પડ્યો હતો. ત્યારે ગુજરાતમાં વધુ એક વખત દારૂબંધીના દાવા પોકળ સાબિત થયા છે.

Shah Jina