કૌશલ બારડ જાણવા જેવું ધાર્મિક-દુનિયા પ્રેરણાત્મક લેખકની કલમે

નબી મહમદને રોકવાની તાકાત એ વખતે માત્ર દેવી હિંગળાજ પાસે જ હતી! વાંચો અજાણ્યો ઇતિહાસ

પ્રથમ ભાગ વાંચવા માટે અહીં ક્લીક કરો : ભાગ 1

હિંગળાજ પરિચયના પ્રથમ ભાગમાં આપણે જોયું કે, ભગવાન રામને શયનખંડમાં દેખાતી છાયામાંથી માતા હિંગળાજે કેવી રીતે મુક્તિ અપાવી. હવે રજૂ થતી માતાજીની કથા – માતાજીની પ્રાગટ્ય કથા બહુ રોચક છે, જે સંકળાયેલી છે ભગવાન કૃષ્ણના વંશજો સાથે, અરબસ્તાનના ઉદય પામતા ઇસ્લામ ધર્મ સાથે અને ગુજરાતના જાડેજા રાજપૂતો સાથે! વાંચો ત્યારે :

Image Source

રાજા દેવેન્દ્રનું મિસરમાં શાસન અને ઇસ્લામનો ઉદય:
ભગવાન શ્રીકૃષ્ણના પૌત્રના અનિરૂધ્ધના લગ્ન બાણાસુરની પુત્રી ઓખા સાથે થયાં હતાં. બાણાસુર શોણિતપુર(આજનું તારાપુર-આસામ)નો રાજા હતો. બાણાસુર અપુત્ર હતો એટલે શોણિતપુરનું રાજ્ય અનિરૂધ્ધને મળ્યું. અનિરૂધ્ધનો દીકરો વજ્રનાભ. દ્વારિકામાં યાદવાસ્થળી થઈ અને યાદવવંશ ખલાસ થયો એ પછી વજ્રનાભે દ્વારિકા આવીને સમસ્ત યાદવકુળનું અને ભગવાન કૃષ્ણનું પિતૃતર્પણ કરી અને દ્વારિકામાં પ્રથમ મંદિર બંધાવ્યું હતું.

આ વજ્રનાભની ૨૭મી પેઢીએ રાજા દેવેન્દ્ર થયો. ઇતિહાસનો એક ફાંટો ચોંકાવનારી હક્કીકત નોંધે છે કે આ સમય સુધીમાં યાદવોનું શાસન છેક ઇજિપ્ત(મિસર) સુધી વિસ્તરી ચૂક્યું હતું! ભૂમધ્ય સમુદ્ર અને કાળા સમુદ્ર સુધી બળશાળી યાદવ રાજાઓની હાક વાગતી. રાજા દેવેન્દ્રએ ઠેઠ મિસરમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હોવાનો ઉલ્લેખ છે.

Image Source

એ સમયગાળા દરમિયાન જ અરબસ્તાનમાં ઇસ્લામ ધર્મનો ઉદય થાય છે. એ હક્કીકતથી કોઈ અજાણ નથી કે ઇસ્લામ ધર્મએ ટૂંકા સમયગાળામાં જે ફેલાવો કર્યો એટલો કોઈ અન્ય ધર્મથી થયો નથી. એનું મુખ્ય કારણ તો અલબત્ત, ખલિફાઓ દ્વારા કરવામાં આવતાં આક્રમણો જ હતાં. પરાજિત પ્રજાને ઇસ્લામ સ્વીકાર્યા વગર છૂટકો નહોતો. એ વખતના ખલીફા નબી મહમદની નજર રાજા દેવેન્દ્ર પર પડી. એમણે દેવેન્દ્રના રાજ્ય પર ઘણાં આક્રમણો કર્યાં. પણ પ્રબળ રણનીતિજ્ઞ દેવેન્દ્રએ દરેક વખતે ઇસ્લામના ઝંડાધારીઓને પાછાં હાંકી કાઢ્યાં!

ક્ષત્રિય સપૂતો પર ખફા થયેલો ખલિફા:
દેવેન્દ્ર જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી તો એનાં મિસરમાં ઇસ્લામનો પગપેસારો પણ શક્ય ના બન્યો. પણ દેવેન્દ્રના અવસાન બાદ ખલિફા નબી મહમદે ફરીવાર તેનાં રાજ્ય પર જોરાવર આક્રમણ કર્યું. દેવેન્દ્રને ચાર પુત્રો હતા : અજપત, ગજપત, નરપત અને ભૂપત. ચારેય વીર હતા પણ પિતા જેટલા તો નહી જ!

Image Source

ચારેયને મોટો ભય ધર્મપરિવર્તનનો હતો. ખલિફાની ફોજ સામે હારી જવાનો ભય ઓછો, પણ એ પછી ઇસ્લામ અંગિકાર કરવો પડે એ ચારેયમાંથી એકેયને કબૂલ નહોતું. આથી અજપતને છોડીને બાકીના ત્રણેય ભાઈઓ અફઘાનિસ્તાનની ભૂમિ પર આવી ગયા. અહીં ગજપતે ગઝની શહેર વસાવ્યું. પણ આ બાજુ મિસરમાં રોકાયેલો અજપત માત્ર થોડો સમય માટે નબી મહમદના આક્રમણને રોકી શક્યો. પછી એ પણ ગઝની આવી ગયો. પણ જિદ્દી ખલીફાએ ગઝની તરફ પર કૂચ આદરી. આથી ગઝનીમાં પણ હવે ચારેય ભાઈઓ માટે ખતરો ઊભો થયો.

કુળદેવી, હવે ઉગારી લે!:
આખરે રાજા દેવેન્દ્રના આ ચારેય સપૂતોએ ભારતના સીમાડામાં પ્રવેશ કર્યો. સિંધ-બલૂસિસ્તાનની સરહદે તેઓ આવ્યા. હજી નબી મહમદના ઘોડાની ડમરીઓ દેખાતી હતી. એની ફોજ જાણે પાછળ જ ધસતી હતી! હિંગોળ નદીને કાંઠે આદિ-અનંત શક્તિના પરમ સ્થાનક એવા હિંગળાજ માતાની શક્તિપીઠે આવીને ચારેય રાજકુમારોએ હિંગળાજ માતાને પ્રાર્થના કરી. કુમારોનો આર્તનાદ માતાજીને કાને પડ્યો અને એ વખતે પરમશક્તિ હિંગળાજ દેવી પ્રગટ થયા.

Image Source

એ જ વખતે ખલીફા નબી મહમદ પણ પોતાની ફોજ લઈને અહીં આવી ચડ્યો. એણે અજપતને બંદી બનાવી લીધો પણ બાકીના ત્રણ કુમારો તેને હાથ ન લાગ્યા. કહેવાય છે, કે માતાજીએ એક રાજકુમારને પોતાના મુખ(જાડા)માં રાખેલો, બીજાને પોતાના ચૂડામાં અને ત્રીજાને યજ્ઞના હવનકુંડની ભઠ્ઠીમાં રાખ્યો હતો. નબી મહમદ આખરે પાછો ગયો. પરમ શક્તિ આગળ તેનો વળી શો પ્રતાપ!

જાડા(મુખ)માં રહેલો રાજકુમાર:
ત્રગુણી પરાઅંબા હિંગળાજે જે રાજકુમારને જાડા અર્થાત્ મુખમાં રાખેલો તેણે પછી સિંધમાં પોતાનું રાજ સ્થાપ્યું. બાદમાં તેના વંશજો કચ્છમાં પણ ઉતરી આવ્યા. તેઓ ‘જાડેજા’ તરીકે ઓળખાયા. કચ્છમાં તેમણે માતા આશાપુરાને પોતાના કુળદેવી તરીકે સ્થાપ્યા. જાડેજા રાજપૂત જામ રાવળે કચ્છમાં રહેલી જાડેજાઓની સત્તાને સૌરાષ્ટ્ર સુધી વિસ્તારી અને હાલાર(જામનગર) સ્થાપ્યું. ધ્રોળ, જામનગર, ગોંડલ, મોરબી, રાજકોટ જેવાં સૌરાષ્ટ્રનાં ‘મેજર સ્ટેટ’માં જાડેજાઓની સત્તા આવી.

Image Source

ચૂડામાં રહેલો રાજકુમાર:
રાજા દેવેન્દ્રનો જે વંશજ માતાજીના હાથના ચૂડામાં રહ્યો હતો તેના વંશજો ‘ચૂડાસમા’ તરીકે ઓળખાયા. જુનાગઢની પાસેનાં વંથલીના બાલારામ ચાવડાને સંતાન નહોતું એટલે તેમણે ભાણેજ ચંદ્રચુડને વંથલીની ગાદીએ બેસાડ્યો. ચંદ્રચુડના વંશજોએ આગળ જતા જુનાગઢ પર શાસન કર્યું. રા’ગ્રહરિપુ જુનાગઢનો પહેલો ચુડાસમા રાજવી હતો જ્યારે રા’માંડલિક છેલ્લો. રા’માંડલિક મહમદ બેગડાએ જૂનાગઢ પર કરેલાં આક્રમણ વખતે હાર્યો અને તેમને પરાણે ઇસ્લામ ધર્મ અંગિકાર કરવો પડેલો. ચૂડાસમાઓની જ એક શાખા ‘રાયજાદા’ રાજપૂતોની છે.

યજ્ઞની ભઠ્ઠીમાં રહેલો રાજકુમાર:
હવનકુંડની યજ્ઞભઠ્ઠીમાં રહેલ રાજકુમારના વંશજો ભાટી(ભટ્ટી) તરીકે ઓળખાયા. જેમણે રાજસ્થાનના સીમાડે તનોટ શહેર વસાવ્યું અને કુળદેવી તરીકે તનોટ માતાને સ્થાપ્યાં. તનોટ માતાની કૃપા આજે પર સીમાડે ચોકી કરતા ભારતીય આર્મીના જવાનો પર અવિરત વરસી રહી છે. આ જ ભટ્ટી રાજપૂતોએ ‘જેસલમેર’ની પણ સ્થાપના કરી.

Image Source

આ હતી માતા હિંગળાજ સાથે સંકળાયેલી ભગવાન શ્રીકૃષ્ણના વંશજોની કથા! જેનો ભાવાર્થ એટલો કે, કુળદેવીને – માતા આદ્યશક્તિને પુકારો એટલે સામે દાવાનળ હોય તો પણ સહાય માટે ઊભી રહે – જેમ શંખાસુરને મારવા માટે ભગવાન શ્રીકૃષ્ણને હરસિધ્ધી માતાનું આહ્વાન કરવું પડેલું!

મકરાણની મહારાણી હિંગળાજ માતાની આવી જ રોચક-રહસ્યમય અને તથ્યયુક્ત વાત હવે પછીના આર્ટિકલમાં…

Image Source

આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતીનો સંદર્ભ હરિલાલ ઉપાધ્યાયના પુસ્તક ‘શક્તિ પરિચય’માંથી લીધો છે. આપને આર્ટિકલ રોચક અને અજાણી પણ રસપ્રદ માહિતીભર્યો લાગ્યો હોય તો જરૂરથી લીંક આપના મિત્રો સાથે શેર કરજો, ધન્યવાદ!
Author: કૌશલ બારડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.