ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર લવ જેહાદ અથવા તો હિંદુ યુવતિના મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવા કે પછી તેના ધર્માંતરણની ઘટના સામે આવે છે. ત્યારે હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો, જેમાં ઉત્તર પ્રદેશના આગ્રામાં એક હિન્દુ યુવતીના કથિત ધર્મ પરિવર્તનની તૈયારી ચાલી રહી હતી અને તેના મુસ્લિમ યુવક સાથે લગ્ન થવાના હતા. બસ કાજી આવવાના હતા કે હિન્દુવાદી નેતાઓને જાણ થતા હિન્દુવાદી નેતા સ્થાનિક કાઉન્સિલરની સાથે એતમાદૌલા વિસ્તારના પ્રકાશ નગરમાં મુસ્લિમ યુવક સાહિલના ઘરે પહોંચ્યા.
યુવકના ઘરનો દરવાજો ખોલ્યો તો અંદર રૂમમાં બેડ પર યુવક અને યુવતી બેઠા હતા. યુવકે વરરાજાનો ડ્રેસ પહેર્યો હતો, જ્યારે યુવતી દુલ્હનના ડ્રેસમાં સજ્જ હતી. બંનેના લગ્નની તૈયારી થઇ ગઇ હતી, પણ હિન્દુવાદીઓના વિરોધને કારણે લગ્ન રોકી દેવામાં આવ્યા હતા. તે બાદ સમગ્ર મામલો એતમદૌલા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જ્યારે પોલીસે યુવક સાહિલની પૂછપરછ કરી તો ચોંકાવનારી માહિતી સામે આવી.
સાહિલ 6 મહિના પહેલા નોઈડાની એક ફેક્ટરીમાં કામ કરતો હતો. યુવતી પણ નોઈડાની એ જ ફેક્ટરીમાં કામ કરતી હતી. સાહિલે તેને પ્રેમજાળમાં ફસાવી અને 3 મહિના પહેલા જ હિંદુ યુવતિ તેની સાથે નોઈડાથી ભાગી ગઈ. યુવતિને લઈને સાહિલ ગ્વાલિયર ગયો અને પછી તેને આગ્રા સ્થિત પોતાના ઘરે લઈ આવ્યો. ગયા શુક્રવારે સાહિલ ચુપચાપ તે હિંદુ યુવતિ સાથે લગ્ન કરવાનો હતો.

યુવતિએ જણાવ્યું કે સાહિલ તેને માંસ ખવડાવતો હતો અને તેનું નામ બદલીને રૂખસાર રાખ્યુ હતુ. ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસે જણાવ્યું કે યુવતિના ગુમ થયા બાદ સંબંધીઓએ નોઈડા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી અને કેસની તપાસ ચાલી રહી છે. તપાસમાં જે પણ તથ્યો બહાર આવશે તેના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે હવે યુવતિને નોઈડા પોલીસને સોંપી દીધી છે અને સંબંધીઓને પણ જાણ કરવામાં આવી છે.