હિમાંશુએ પ્રજ્ઞેશને જેગુઆર મિત્રતામાં આપી કે મજબૂરીમાં?:અઢી વર્ષ પહેલાં બન્ને સાબરમતી જેલમાં મળ્યા અને મિત્ર બન્યા, હિમાંશુ વરિયાએ ખોલ્યાં ચોંકાવનારા રાઝ
19 તારીખે મધરાતે જ્યારે અમદાવાદીઓ ગાઢ નિંદ્રામાં હતા ત્યારે ઇસ્કોન બ્રિજ પર મોતનું તાંડવ ખેલાયું. પહેલા ઇસ્કોન બ્રિજ પર થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો અને આ અકસ્માતને જોવા તેમજ મદદ માટે લોકો દોડી આવ્યા અને ત્યાં ટોળુ એકઠુ થઇ ગયુ. તે દરમિયાન જ એક પૂરપાટ ઝડપે જેગુઆર કાર આવી કે જે તથ્ય પટેલ ચલાવી રહ્યો હતો તેણે અકસ્માત સમયે ટોળે ઊભેલા લોકો પર કાર ચઢાવી દીધી. જો કે, જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ ખુલાસા થઇ રહ્યા છે. જેગુઆર કાર મામલે એક ખુલાસો થયો છે અને તે ખુલાસો એ છે કે જેગુઆર કારનું રજિસ્ટ્રેશન તથ્ય કે તેના પિતા પ્રજ્ઞેશ પટેલના નામે નહિ પમ અન્ય વ્યક્તિના નામે છે. આ વ્યક્તિ બીજુ કોઇ નહિ પણ ક્રિશ વરિયા છે, ક્રિશ વરિયા અને તથ્ય પટેલના પિતા ધંધામાં ભાગીદાર છે.
હિંમાશુ વરિયા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને 400 કરોડની ઠગાઈ મામલે CBI તપાસ કરી રહી છે. હિમાંશુએ બેંકમાંથી ક્રેડિટ, ઓવરડ્રાફ્ટ લઈને ઉચાપત કરી હોવાની ફરિયાદ બાદ આ મામલે CBI તપાસ કરી રહી છે. હિમાંશુ વરિયાએ પ્રજ્ઞેશ પટેલને પોણા કરોડ કરતાં પણ વધુની કિંમતની મોંઘીદાટ કાર આપી અને પાછળનો જે કિસ્સો છે તે હિમાંશુ વરિયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યો, અને આનું સીધું કનેક્શન સાબરમતી જેલ સાથે જ છે. દિવ્ય ભાસ્કરના રીપોર્ટ અનુસાર, ડિસેમ્બર 2020માં હિમાંશુ વરિયાને ત્યાં CBIના દરોડા પડ્યા, અમદાવાદમાં આવેલ વરિયા એન્જિનિયરિંગ વર્ક્સ પ્રાઇવેટ લિમિટેડ, ક્રિશ ટેક-કોન પ્રાઇવેટ લિમિટેડ સામે બેંક લોન કેસમાં ફરિયાદ થઈ હતી.

આ કંપનીઓના માલિક હિમાંશુ વરિયા અને સેજલ વરિયા છે અને આ કંપનીઓ પર વર્ષ 2013થી 2017 દરમિયાન બેંક સામે 452.62 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ હતો. ઉલ્લેખનીય છે કે, CBIએ દરોડાની કાર્યવાહી દરમિયાન હિમાંશુ વરિયાની ધરપકડ કરી હતી અને ત્યારે તેને અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો હતો. આ સમયે જ હિમાંશુ વરિયાની પ્રજ્ઞેશ પટેલ સાથે મુલાકાત થઈ. 3 મહિના સુધી બંને સાબરમતી જેલની એક જ બેરેકમાં નાની અમથી જગ્યામાં એકસાથે રહ્યા અને બંને જેલમાં સાથે જમતા અને બંને વચ્ચે વાતચીત પણ થતી. આવી રીતે પ્રજ્ઞેશ પટેલ સાથે હિમાંશુ વરિયાનો પરિચય થયો.
હિમાંશુ વરિયાએ કહ્યુ કે તે પ્રજ્ઞેશભાઇને પહેલાથી થોડું ઘણું ઓળખતો કારણ કે તે જમીન લે-વેચનું કામ કરતાં હતા. પણ ખાસ પરિચય સાબરમતી સેન્ટ્રલ જેલમાં થયો. તેણે એવું કહ્યુ કે, પ્રજ્ઞેશભાઇ જમીન કે એવા કોઇ કેસમાં જેલમાં હશે અને એની ખાસ ઊંડાણમાં તેની પાસે કોઈ માહિતી નથી અને તેણે જાણવાની કોશિશ પણ કરી નથી. જો કે, પ્રજ્ઞેશ પટેલ પર સામૂહિક દુષ્કર્મનો આરોપ હતો, જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી. હિમાંશુ વરિયાએ કહ્યુ કે તે પહેલા સાબરમતી જેલમાંથી જામીન પર છૂટ્યો અને પછી પ્રજ્ઞેશ પટેલને પણ જામીન મળ્યા. જેલની બેરેકમાં થયેલી આ મિત્રતા બહાર આવ્યા પછી વધારે ગાઢ બનતી ગઈ.
છેલ્લાં અઢી વર્ષમાં બંને એકબીજાને ઘણી સારી રીતે ઓળખતા થઈ ગયા. તેઓ એકબીજાને મળતા, તેમની વચ્ચે બેઠકો પણ થતી. પણ 20 જુલાઈએ જ્યારે પ્રજ્ઞેશ પટેલની ધરપકડ થઇ એ પહેલાં તે મીડિયા સામે આવ્યા ત્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે જેના નામે આ કાર છે એ ક્રિશ વરિયા કોણ છે? તો તેણે કહ્યુ કે ક્રિશ મારા ધંધાકીય ભાગીદાર હિમાંશુ વરિયાનો દીકરો છે, પણ હિમાંશુ વરિયાએ કહ્યુ કે મારા અને પ્રજ્ઞેશ પટેલ વચ્ચે કોઈ ધંધાકીય સંબંધો નહોતા, કોઈ પણ ધંધામાં અમે ભાગીદાર નથી. ઉલ્લેખનીય છે કે હિમાંશુ વરિયાએ જગુઆર કાર વિશે જણાવ્યુ કે ભૂતકાળમાં પણ ક્રિશના નામે કાર ખરીદી હતી અને તેની પોતાની કાર પણ તેના નામે છે.
પરંતુ તેને જેગુઆર લઈ આપવી હતી એટલે કાર ખરીદવાનો નિર્ણય કર્યો અને જેગુઆરનો શો-રૂમ પ્રજ્ઞેશભાઇના ઘરની પાસે હતો એટલે બંને સાથે કાર જોવા ગયા અને તેમને પસંદ આવી. આ સમયે પ્રજ્ઞેશ પટેલે હિમાશું વરિયાને કહ્યું કે મારે આ કાર જોઈએ છે, ફેરવવા માટે આપો. કેમ કે આ ગાડી મને મારા દીકરાને અને મારી પત્નીને ગમી ગઈ છે. ત્યારે હિમાંશુ વરિયાએ કહ્યુ કે સારું આ ગાડી તમે લઈ જાવ પણ લખાણ આપો કે મારા પરિવારને આ ગાડી ગમી છે, મારે વાપરવા જોઈએ છે અને હું લઇ જાઉં છું. પ્રજ્ઞેશ પટેલે હિમાશું વરિયાને લખાણ લખીને પણ આપ્યુ. જો કે, આમાં ચોંકાવનારી વાત તો એ છે કે હિમાંશુ વરિયાએ 80 લાખ રૂપિયા કરતાં પણ વધુની કિંમતની જેગુઆર લોન પર લીધી હતી અને તેના હપ્તા પણ ચાલુ છે.
હિમાંશુુ વરિયાએ કહ્યુ કે આ કારની ડિલિવરી પણ પ્રજ્ઞેશ પટેલે જ લીધી અને તે તે જેગુઆરને ઘરે પણ નથી લઇ ગયા. કારણ કે તેની પાસે બીજી ઘણી કાર છે અને આ જેગુઆર તો સ્પેરમાં હતી એટલે તેણે પ્રજ્ઞેશ પટેલને ફેરવવા માટે આપી. હવે પ્રજ્ઞેશ પટેલ મારા મિત્ર છે અને તેઓ ગાડી માગે અને જે એ સ્પેરમાં જ ઘરે પડી રહેવાની હોય તો હું ના કેવી રીતે પાડું ? આ ઉપરાંત હિમાંશુ વરિયાએ એ પણ દાવો કર્યો કે જેગુઆર બાબતે કે પછી ધંધાકીય ક્ષેત્રે તેમણે પ્રજ્ઞેશ પટેલ સાથે કોઈ નાણાકીય વ્યવહાર નથી કર્યો. CBIના દરોડા પડ્યાં એ સમયની વાત કરતા હિમાંશુ વરિયા જણાવે છે કે મારો ધંધો પડી ભાંગ્યો ત્યારે પ્રજ્ઞેશ પટેલ પાસે મેં મદદ માગી નહોતી પણ મને જરૂર પડી હોય ત્યારે તેમણે તેમના મિત્ર પાસેથી મને રકમ અપાવી હતી.
જો કે, તે રકમ હિમાંશુ સમયસર ચૂકવી પણ દેતો. હિમાંશુ વરિયાએ કહ્યુ કે જેગુઆર લેવા બાબતે પ્રજ્ઞેશ પટેલે કોઈ આર્થિક સહયોગ નથી કર્યો અને તેમણે આ કાર વેચી પણ નથી. પ્રજ્ઞેશ પટેલને કાર આપી એટલે તેમના પુત્રિ ક્રિશે કહ્યું કે હવે હું આ કાર નહીં લઉં. તમે એમને જ આપી દેજો. આગળ તેમણે એવું કહ્યુ કે હું અને પ્રજ્ઞેશ પટેલ તો મિત્ર છીએ પણ મારો દીકરો અને પ્રજ્ઞેશ પટેલનો દીકરો મિત્ર નથી. મારો ક્રિશ તો વિદેશમાં ભણતો હતો અને તે એક વર્ષ પહેલાં જ લંડનથી પાછો આવ્યો છે. પાછા આવ્યા બાદથી તે મારા બિઝનેસને સેટ કરવામાં લાગી ગયો છે.