જાણવા જેવું ધાર્મિક-દુનિયા

કદી હાઇ-વે પરથી ભગુડાના રસ્તે ચાલીને ગયા છો? આ 5 અદ્ભુત કુદરતી ફોટો જોઈને મજબૂર થઈ જશો!

‘હસતા રહો, તમે આઈ મોગલનાં સાનિધ્યમાં છો!’

ઉપરનું દિલોદિમાગ પર છવાઈ જતું વાક્ય ક્યાંય વાંચ્યાનું યાદ છે? જવાબ ‘હા’માં જ હોવો જોઈએ: મોગલધામ ભગુડાને દરવાજે! માત્ર ચારણ કે આહીર નહી, ગુજરાતના અઢારે વરણની કુળદેવી એટલે આઈ મોગલ. ગુજરાતમાં ઓખાધર, કબરાઉ અને ભીમરાણા જેવાં મોગલ માતાનાં ઘણા જાણીતા સ્થાનકો આવેલાં છે, પણ આ બધામાં સૌથી વધારે પ્રસિધ્ધી ધરાવતું સ્થાનક તો ભગુડા જ છે.સૌરાષ્ટ્ર-કાઠિયાવાડના તો લગભગ કોઈ શ્રધ્ધાળુ એવા નહી હોય જેણે ભગુડાની મુલાકાત ન લીધી હોય. અહીંના મોગલ માતાના મંદિરના દરવાજે લખેલ વાક્ય ‘ભગુડા ગામ એ જ માંગલધામ’ તો ચિરકાલી બની ગયું છે. લગભગ લોકો આ વાક્ય સાથેનો ફોટો યાદગીરી રૂપે પડાવવાનું ભૂલતા નથી.મુખ્યત્વે કામડીયા શાખાના આહીરોની વસ્તી ધરાવતું ભગુડા ગામ કુદરતની પરમકૃપા પ્રાપ્ત કરીને જ અવતર્યું હોય એવું લાગે છે. વેરાવળ-ભાવનગરના NH-51 નેશનલ હાઇવે પરથી ત્રણેક કિલોમીટર અંદર ભગુડા આવેલું છે. મુખ્ય હાઇ-વે પરથી એક રોડનો ફાંટો પડે છે. આંબલીના ઝાડ નીચે એક નાનકડી દુકાન આવેલી છે અને ત્યાંથી જ ગામનો રોડ પસાર થાય છે.
આ ત્રણ કિલોમીટરની સફર તો જેણે માણી હશે એણે જ જાણી હશે! આઈ મોગલના દરબારમાં જતા પહેલાનો એનો રસ્તો કેવો હરિયાળો અને મનોહર છે એ તો સ્વાનુભવે જ વર્ણવી શકાય!
ચારે તરફ ખેતરોની લીલોતરી વ્યાપેલી છે. વધારે પડતી સીમમાં હરિયાળો લહેરાતો કપાસ જ નજરે પડે છે. ક્યાંક બાજરા વાઢ માથે આવ્યા છે તો ક્યાંક વળી નાનકડી જુવાર મન મોહી લે છે. અમુક ખેતરોમાં તલની ઓઘીઓ પણ જોવા મળે છે. ભગુડાની મોટા ભાગની વસ્તીનો વસવાટ સીમમાં છે. પસાર થતા નાનકડા ડામર રોડની એકદમ સામસામે છવાયેલી લીલોતરી આ ત્રણ કિલોમીટરનો પ્રવાસ ચાલીને જ કરવાને ઉત્તેજના આપે છે. અને પગે ચાલીને કુદરતની આ અદ્ભુત લીલાના દર્શન કરવાનો આનંદ પણ અનોખો છે. થાક નામ માત્રનો પણ લાગવાનો સંભવ નથી!
હાલ સારો વરસાદ થયો છે એટલે તો કુદરતે જાણે ભગુડાની આ સીમને લીલો નાઘેર જ બનાવી દીધો છે. માલઢોર ચરી રહ્યાં છે. રોડની અડોઅડ બળદગાડાં પડ્યાં છે અને ખેડૂતો ખેતરોમાં કામ કરે છે. આ કુદરતના ‘બુસ્ટર ડોઝ’નો આનંદ લઈને પછી માના દર્શન થાય ત્યારે અહોભૂતિનો અનુભવ થયા વગર રહેતો નથી.
અહીં જે કેટલાક ફોટો આપ્યા છે એ ભગુડાના મનોહર રસ્તાના છે. આ નજારો જોવો હોય તો હાલનો સમય સૌથી શ્રેષ્ઠ છે. ભગવાનની કૃપાથી મેઘો ખુબ વરસ્યો છે એટલે માતાજીનો આ પદયાત્રા પથ ખીલી ઉઠ્યો છે. ભાઈ મોસમ આવી મહેનતની!
Author: કૌશલ બારડ – GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.