ફેનિલને ફાંસીની સજા મળેલી છે, એવામાં અપીલ કરતા ગુજરાત હાઇકોર્ટે લગાવી મોટી ફટકાર, જાણો

સુરતના સૌથી ચકચારી અને ગુજરાતમાં પણ ટોક ઓફ ધ ટાઉન બનેલા ગ્રીષ્મા હત્યાકાંડ કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને સુરત સેશન્સ કોર્ટ દ્વારા દોષિત જાહેર કરી ફાંસીની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ સજા સામે ગુજરાત હાઇકોર્ટમાં આરોપી ફેનિલ તરફથી ક્રિમીનલ અપીલ દાખલ કરવામાં આવી હતી.

જો કે, હાઇકોર્ટે આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ હતુ કે, તમારી પહેલા સજા પામેલા દોષિતો 10-12 વર્ષથી જેલમાં છે અને તેઓની સજા સામેની અપીલ પહેલાથી જ પેન્ડીંગ છે ત્યારે તમારી અપીલ સાંભળવામાં પ્રાથમિકતા આપી શકાય નહી. ગુજરાત હાઇકોર્ટમાં ફેનિલે સુરત સેશન્સ કોર્ટના હુકમની સામે કરેલી અપીલને હાઈકોર્ટે એડમિટ કરી છે.

આ કેસની સુનાવણી હવે આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. આરોપીના વકીલએ એવી રજૂઆત કરી હતી કે સુરત સેશન્સ કોર્ટનો ફેનિલને ફાંસી આપવાનો હુકમ રદ કરવામાં આવે કારણ કે તે ભૂલ ભરેલો છે અને ફેનીલને આ કેસમાં નિર્દોષ છોડવામાં આવે. ત્યારે આ રજૂઆત સાંભળ્યા બાદ હાઇકોર્ટ અરજદારના વકીલે ટકોર કરી કે, તમારા પહેલાના ઘણા કેસોમાં સજા પામેલા 10-12 વર્ષથી જેલમાં છે અને તેઓની અપીલ પેન્ડિંગ છે અને તમારી અરજીને વહેલા સાંભળી પ્રાથમિકતા ન અપાય.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરીયાની ફેનિલ ગોયાણીએ સરાજાહેરમાં ગળુ કાપી હત્યા કરી નાખી હતી. આ કેસની ન્યાયી કાર્યવાહી સુરતના મુખ્ય ન્યાયાધીશ વીમલ કે વ્યાસ સાહેબના કોર્ટમાં પૂર્ણ થઈ હતી.આ કેસનું ડે ટુ ડે ટ્રાયલ ચાલી રહ્યુ હતુ અને ફેનિલને કોર્ટે દોષિત જાહેર કરી તેને ફાંસીની સજા સંભળાવી હતી. આ કેસમાં 100 જેટલા જ સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી હતી. ફેનિલ ફેબ્રુઆરી વર્ષ 2022થી જેલમાં છે. ફેનિલ ઘણા સમયથી ગ્રીષ્માનો પીછો કરી રહ્યો હતો અને તેને હેરાન પણ કરી રહ્યો હતો.

ગ્રીષ્માના પરિવાર દ્વારા તેને ઠપકો પણ આપવામં આવ્યો હતો, ત્યારે યુવકે ગ્રીષ્માના ઘરે જઈને હંગામો મચાવ્યો હતો અને યુવતીના મોટાપપ્પા તેમજ ભાઇ પર ચપ્પુથી હુમલો પણ કર્યો હતો. ત્યારે ગ્રીષ્મા વચ્ચે આવતા ફેનિલે જરા પણ ડર વગર તેના ગળા પર ચપ્પાથી વાર કરી તેની હત્યા કરી દીધી. આ દરમિયાનનો વીડિયો પણ ત્યાં હાજર લોકોએ તેમના મોબાઇલમાં કેદ કર્યો હતો. જે સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો હતો.

Shah Jina