અજબગજબ કૌશલ બારડ લેખકની કલમે

અદ્દલ તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવો, જેણે ખાધો છે એણે ફાકીને હાથ નથી લગાડ્યો!

લોકડાઉનનાં કારણે તમાકુ-માવાના વ્યસનીઓની હાલત કથળી ગઈ છે. જે લોકો દિવસમાં પચાસ-સો રૂપિયાની કાફી(માવા) મોંમાં પધરાવી જતા એ હાલ એકાદ-બે મહિનાથી માવા વિહોણા છે. ‘વાર્યા ન વળે ઈ હાર્યા વળે’ એ કહેવતની જેમ હવે છૂટકો જ નથી એટલે વ્યસન વગરના બેઠા છે. પાન-માવાનું વેંચાણ બંધ થતા હાલ તમાકુ-સોપારીમાં કાળાબજારી પણ અધધધ… હદે વધી છે. એકાદ કિલો સોપારી બારસો-પંદરસોના ભાવે વેંચાય છે!

આ બધાનો ઉપાય શું? ઉપાય એક જ છે – માવો જ ખાવાનું છોડી દો! અહીં કહેવું સહેલું છે પણ વ્યસનીઓ માટે છોડવું સહેલું નથી. માવો ખાતા દરેક માણસને ખબર છે જ કે, આની તમાકુમાં રહેલું નિકોટિન એક દિવસ એમની ટિકિટ કપાવી દેશે, જે મોંથી પહેલા સિંહની જેમ દહાડો નખાતી એ મોંમાં હવે રોટલાનો ટુકડો સરખી રીતે નથી જતો! પણ તોયે લોકો વ્યસન છોડતા નથી. પણ કંઈક એવું થાય કે, અદ્દલ માવા જેવો જ સ્વાદ આપતી કોઈ ચીજ મોંઢામાં રહે, પણ એ ચીજ માવા જેવી નુકસાનકારક નહી, ઉલ્ટાની શરીર માટે ફાયદાકારક હોય તો? આવું થાય તો માવાનું વ્યસન છૂટે કે નહી? જરૂર છૂટે! કેમ કે, લોકોને તો એવું લાગે કે અમે માવો જ ખાઈ રહ્યા છે!

આ અનોખા પ્રકારનો, પણ એકદમ માવા જેવો જ સ્વાદ આપતો, છતાં શરીર માટે જરાય નુકસાનકારક નહી એવો માવો એટલે હર્બલ માવો! અહીં ‘હર્બલ માવા’ વિશે બધી જ માહિતી મૂકી છે, જે તમે ઘરે પણ બનાવી શકશો.

કોણ બનાવે છે હર્બલ માવો?:
જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર આવેલ ગોકુલધામ-૨ નામની સોસાયટીના રહિશોએ એક નવતર પહેલ આદરી છે : હર્બલ માવા બનાવવાની! આ માવો બનાવનાર મુખ્ય કિમિયાગર તો કાંતિભાઈ જાંજરૂકિયા છે. ગુજ્જુરોક્સટીમમાંથી કૌશલ ભાઈ એ કાંતિભાઈ જાંજરૂકિયાનો સમ્પર્ક કર્યો, લોકડાઉનમાં પાનમસાલાની દુકાનોનાં શટર પડ્યા એ પછી અહીંના હર્બલ માવાનું ધોમ વેંચાણ થયું. આશ્વર્યની વાત તો એ છે, કે જેટલા લોકો એકવાર આ માવો ખાઈ ગયા એમાંથી ૯૦% લોકોએ પેલો નિકોટિનવાળો માવો ખાવાનું મૂકી દીધું! લોકોનું કહેવું છે, કે આ માવાનો સ્વાદ પણ તમાકુવાળા માવા જેવો જ છે, ફરક એટલો કે આમાં તમાકુ નથી!

કેવો હોય છે હર્બલ માવો?:
તમાકુયુક્ત માવા જેવો જ સ્વાદ આપતો હર્બલ માવામાં એકાદ ડઝન જેટલી વાનગીઓનું મિશ્રણ કરવામાં આવે છે. અને એ મિશ્રણથી મળતો સ્વાદ જીભને પણ પસંદ પડે છે. હર્બલ માવામાં કોરી સોપારી, શેકાયેલી વરિયાળી, લવિંગનો ઝીણો ભૂકો, અજમાનો પાવડર, કપૂર, જેઠીમધ, લિંડી પીપર, ઇજમેટનાં ફૂલ, પાનના ટૂકડા અને અમૃતબિંદુ વગેરેનો સમાવેશ થાય છે.

ભાવ શું છે?:
અત્યારે કાળાબજારીમાં માવાના ભાવ ૫૦ થી ૭૦ રૂપિયાની વચ્ચે પહોંચી ગયા છે એવું લોકો કહે છે. એની સરખામણીમાં હર્બલ માવો સસ્તો છે, એકદમ સસ્તો! એક હર્બલ માવો ૬ થી ૭ રૂપિયાની કિંમતમાં પડે છે. કાંતિભાઈ જણાવે છે, કે અમે વિચારીને જ કિંમતમાં ઘટાડો રાખ્યો છે, ક્વોલિટીમાં ફરક નથી. જો આ માવાનાં મિશ્રણનું પેકેટ લેવું હોય તો ૪૫૦ રૂપિયામાં મળે છે, જેમાંથી ૬૦-૭૦ જેટલા માવા ઘરે બનાવી શકો! જે જીવ લેવા બાવે છે એ નિકોટિનનો ભાવ આસમાને પહોંચ્યો છે ત્યારે એ લેવાનું પસંદ કરશો કે જે શરીરને ઉપયોગી છે એમાં ૬-૭ રૂપિયા બગાડવાનું પસંદ કરશો?

થૂંકવાની જરૂર પડતી નથી!:
હવે તો ગુજરાતનાં મહાનગરોમાં અને શહેરોમાં થૂંકવા પર કઠોર દંડ લેવાનું શરૂ થઈ ગયું છે. બાકી શહેરમાં જ્યાં પણ તપકીરીયા રંગની દિવાલો થઈ ગઈ છે એ કારનામા કાફીવાળાએ જ કર્યાં છે. માવો ખાઈને થૂંકવું અનિવાર્ય જ છે! જ્યારે હર્બલ માવાનું આ વળી એક જમા પાસું છે. આ માવો ખાઈને થૂંક ગળે ઉતારી જાઓ એ ઉલ્ટાનું ફાયદાકારક છે! અંદર ઔષધિઓ જ જશે, જેને શરીર પણ આવકારવા તૈયાર હોય છે.

કાંતિભાઈ જાંજરૂકિયા ઘણીવાર ગુજરાતનાં વિવિધ શહેરોમાં હર્બલ માવા ઉપર ડેમો પણ આપી ચૂક્યા છે. શરૂઆતમાં લોકો સારી વાતો તરફ જ શંકાની નજરે જૂએ છે, પણ હવે એ વાંધો નથી. હર્બલ માવાનું પહેલી વાર સેવન કરવા માંગતા લોકોને કાંતિભાઈ ફ્રીમાં માવો આપે છે. પરિણામ એ આવે છે, કે પેલી વ્યક્તિ તમાકુયુક્ત માવાને તિલાંજલી આપે છે અને આ ઔષધિયુક્ત માવાનું સેવન કરે છે!

કાંતિભાઈ જાંજરૂકિયાનાં જણાવ્યા પ્રમાણે, વ્યસન છોડવા માટેનો આ શ્રેષ્ઠ ઉપાય છે. એમનાં જણાવ્યા પ્રમાણે નેવું ટકા સ્વાદ તો અદ્દલ માવા જેવો જ આવવાનો છે. દસ ટકા તમારે થોડું મન સાથે સમાધાન પણ કરી લેવું જરૂરી છે, જો વ્યસન મૂકવું જ હોય તો! ઉલ્લેખનીય છે, કે આ માવામાં વપરાતી ઔષધિઓ ભેગી કરીને આ જ માવો તમે ઘરે પણ તૈયાર કરી શકો છો.

આર્ટિકલ સારો લાગ્યો હોય તો લીંક આપના મિત્રો સાથે પણ શેર કરજો. જે મિત્રોને માવાનું વ્યસન હોય તેમને તો એકવાર ખાસ શેર કરીને આ વંચાવજો, ધન્યવાદ!


Author: કૌશલ બારડ GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.