કચ્છી માડુ દેશ-વિદેશમાં વ્યાપાર માટે ક્યારેય પગ વાળીને નથી બેસતો, એ ઉક્તિને ઉજાગર કરતા એક વ્યક્તિ એટલે હેમંતભાઇ એમ. શાહ. કે જેમનો જન્મ તો ભારતમાં થયો હતો પણ કેનેડામાં ખૂબ જ મોટું નામ કમાયું છે. હેમંત શાહ એક એવું વ્યક્તિત્વ છે કે જેમના હાથે ઘણા લોકોના ઉજ્જવળ ભવિષ્ય લખાયું છે. છેલ્લા અડતાલીસ વર્ષોથી કેનેડા-ઇન્ડિયા ટ્રેડ વેપાર કરતા-કરતા તેમને ટ્રેડિંગને નવા પરિમાણો આપ્યા છે. તેમનું જીવન તમને-અમને અને આપણા સૌને એક પ્રેરણા પુરી પાડે છે.

મૂળ અબડાસા તાલુકાના વરાડિયા ગામના હેમંત શાહ કેનેડાના મોનીટોબા રાજ્યની વિન્નીપેગ એવીએશન કંપનીના મધ્ય-પૂર્વ અને પશ્ચિમ એશિયાના મેનેજિંગ ડાયરેક્ટર છે. મૂળ કચ્છના અબડાસા પંથકના વરાડિયા ગામના વાતની પણ મુંબઇ વ્યાપાર માટે સ્થળાંતરિત થયેલા માણેકજી નરશી ગુંદરવાળાના ત્રીજા દીકરા એટલે હેમંતભાઈ. તેમના પિતા નરસી મૂળજી અનેડ કંપનીના મલિક હતા અને બાબુ શેઠ ગુંદરવાળાના નામે જાણીતા હતા.

એમ તો હેમંતભાઈને પહેલાથી રંગભૂમિમાં વધુ રસ હતો અને તેમને કોલેજના સમયમાં અને એ પછી પણ તેમને નાટકોના દિગ્ગજ ગણાય એવા કલાકારો સાથે કામ કર્યું. તેમના પિતાજીનો આગ્રહ હતો કે તેમનો દીકરો વેપાર ફેલાવવામાં મદદ કરે એટલે તેમને રંગભૂમિ છોડી દીધી. પણ સાથે જ તેમના પિતાજીના વિચાર થોડા જુદા હતા એટલે તેમને ઉભી કરેલી કંપની સીધી જ હેમંતભાઈના હાથમાં આપવા માંગતા નહોતા. તેમને હેમંતભાઈને કોલેજના સમયથી કહી દીધું હતું કે આ સમય છે પોતાની માટે રસ્તો બનાવવાનો, એટલે અભ્યાસની સાથે જ નોકરી પણ શોધો અને ત્યારે હેમંતભાઈ 1200 રૂપિયાના પગારવાળી એક નોકરીમાં જોડાયા હતા.

પિતાના આગ્રહને વશ થઈ તેઓ પોતાના ભાઈઓ પાસે જે પહેલેથી જ કેનેડામાં સ્થાયી થઇ ચુક્યા હતા, તેમની પાસે ગયા. 1972માં 3-4 મહિના માટે કેનેડા ગયા પણ ત્યાંનું જીવન પસંદ ન આવતા પાછા આવી ગયા હતા. પણ બિઝનેસ કર્યા વિના છૂટકો ન હતો એટલે તેઓ પોતાના દમ પર જ કશું કરી બતાવવા માટે 1974માં ફરી કેનેડા ગયા. તેમને વિન્નીપેગમાં કાર પાર્કિંગ લોટ અટેન્ડેન્ટ તરીકે કામ કર્યું અને સાથે જ એક ઇન્ડિયન હોટલમાં વેઈટર તરીકે પણ કામ કર્યું.

તેમનું નસીબ ખૂબ જ સારું હશે કે જ્યાં તેઓ પાર્કિંગ લોટ અટેન્ડેન્ટ તરીકે કામ કરતા હતા, ત્યાં મોટાભાગે કોર્પોરેટ અને સરકારી અધિકારીઓ જ આવતા એટલે તેમની સાથે વાતચીત થવા લાગી, એક દિવસ તેઓએ હેમંતભાઈનું નામ એગ્રિકલચર ઇકવીપમેન્ટ કંપની કિપકૈલી કંપનીમાં રેકમેન્ડ કર્યું અને આ રીતે કેનેડિયન સરકાર દ્વારા હેમંત ભાઈનું નામ એ કંપની સુધી પહોંચ્યું. વર્ષ 1980માં જયારે આ કંપનીનું ટેન્ડર લઈને તેઓ ભારત આવ્યા અને તેમાં તેઓ જીત્યા એ પછી તેમને ક્યારેય પાછું વળીને નથી જોયું. આ સફળતા સાથે જ તેમને વિન્નીપેગની સરકારના દિલમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. આ પછી એવો સિલસિલો શરુ થયો કે આજ સુધી જયારે પણ કેનેડાની સરકારે ભારત સાથે વેપાર વ્યવહાર કરવો હોય તો હેમંતભાઈને યાદ કરે છે.

આ પછી 1985માં તેઓ ક્યૂબેકસ કંપનીના સલાહકાર બન્યા અને પછી ભારતમાં પ્રોજેકટ માટે પાર્ટનર બન્યા. પાંત્રીસ વર્ષ સુધી એમને ક્યૂબેકસ કંપની સાથે કામ કર્યું. એક ઇન્ટરવ્યૂમાં તેમને જણાવ્યું કે તેમને કચ્છી હોવા પર ગર્વ છે. જયારે 1990માં તેમને કોર્પોરેટ જેટ મુંબઈ અને પુણેના ઈન્ડસ્ટ્રીયાલીસ્ટને વેચ્યા હતા ત્યારે લોકોએ એવું કહીને તેમના વખાણ કર્યા હતા કે એક કચ્છી છોકરો પ્લેન પણ વેચી શકે છે. આ વિશે તેઓ જણાવે છે કે ‘ક્યારેય કચ્છી સમાજના છોકરાએ એરક્રાફ્ટ નથી વેચ્યું, મેં એ પણ વેચ્યું, એની સાર-સંભાળનો ખર્ચ પણ આપ્યો. ધીરે-ધીરે અ રસ્તાઓ ખુલતા ગયા અને મનમાં વિચાર આવ્યો કે કોમર્શિયલ પાયલોટ બનાવું તો કેમ.’

‘એ પછી જયારે હું વિન્નીપેગ એવિએશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બન્યો ત્યારે મેં ભારતમાં રોડ શો કર્યો અને એમાંથી પહેલા 10 ગુજરાતી વિદ્યાર્થીઓ મળ્યા. આવા મને 180 વિદ્યાર્થીઓ મળ્યા કે જેમને ભારતથી લઇ ગયા અને તેમને તાલીમ આપીને કોમર્શિયલ પાયલોટ બનાવ્યા. આ વિદ્યાર્થીઓ હાલમાં ભારતમાં, યુરોપમાં, અને ઘણી મટી એરલાઇન્સ કંપનીઓમાં પાયલોટ તરીકે ફરજ બજાવે છે.’ એક અનુભવ શેર કરતા તેમને જણાવ્યું હતું કે ‘હું એક ખુશી વ્યક્ત નથી કરી શકતો કે જયારે ગયા વર્ષે હું અને મારી પત્ની કેનેડાથી ભારત આવી રહયા હતા એ સમયે વિમાન ઉડવાની તૈયારીમાં જ હતું અને એક પાયલોટ આવ્યો અને મારા અને મારી પત્નીના પગે લાગીને કહ્યું – સર હું કેપ્ટન કલ્પેશ પરમાર, તમારો સ્ટુડન્ટ. એ ક્ષણ આજે પણ આંખોમાં વસી ગઈ છે, જેને અમને ગર્વિત કરીને આમારી આંખો ભીની કરી દીધી હતી.’

આજની તારીખે તેઓ વિન્નીપેગ એવીએશન કંપનીના ડિરેક્ટર તો છે જ ઉપરાંત રાણા કેર ગ્રુપ નામની હેલ્થ કેર કંપની અને હીર ઇન્ટરનેશનલ નામની કંપની પણ ચલાવે છે. તેઓ કર્મભૂમિ અને માતૃભૂમિને જોડાવાના સતત પ્રયાસોમાં રહે છે અને એટલે જ તેઓ વાઈબ્રન્ટ ગુજરાત હોય કે પ્રવાસી ભારતીય દિવસ, આવી ઇવેન્ટમાં હાજરી આપવાનું ચુકતા નથી. કેનેડાના વિકાસનો લાભ ગુજરાતીઓએ મળે એ માટે સ્થપાયેલી ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત સંસ્થા પણ તેમની જ પ્રેરણા હતી.

હેમંતભાઈએ એકવાર જણાવ્યું હતું કે જે દેશમાં જાઓ ત્યાંની સંસ્કૃતિ અને ત્યાંના વિચારોની કદર કરો. ક્રોસ ક્લચર કોમ્યુનિકેશથી જ આગળ વધી શકાય છે. આપણે જ્યા રહેતા હોઈએ ત્યાંની લાઇફસ્ટાઇલ અપનાવી લેવી જોઈએ. માતૃભૂમિ આપણને જીવન આપે છે તો કર્મભૂમિ આપણને તક આપે છે એટલે એ માટે આપણું યોગદાન પણ જરૂરી છે. હેમંતભાઈને કેનેડાના મિસ્ટર ઇન્ડિયા કહેવામાં આવે છે, કારણ કે જેટલો પ્રેમ તેમને પોતાની માતૃભૂમિને કર્યો છે એટલો જ પ્રેમ તેમને પોતાની કર્મભૂમિને કર્યો છે. તેમને જયારે કેનેડિયન ગુડ્સ એક્સપોર્ટ કર્યા તો કેનેડામાં પણ જોબના અવસર ખુલ્યા અને ત્યાંના લોકોને પણ રોજગારી મળી.

હેમંતભાઈ ચુસ્ત શાકાહારી છે અને ઘરમાં દેરાસર છે. તેમના બંને દીકરાઓ હિરેન અને હિતેનની પત્નીઓ પણ કેનેડિયન છે પણ તેમનામાં હેમંતભાઈના ભારતીય સંસ્કાર છે. હેમંતભાઈના પત્ની હીનાબેન હજુ પણ સેવા માટે હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરે છે. કામકરતા-કરતા તેમને 38 દેશો ફર્યા છે. ઘણું બધું શીખ્યા છે. તેમની આ સફળતાની સફરમાં તેમના પત્ની હિનાબહેને પણ તેમને ખૂબ જ સાથ આપ્યો છે. પત્ની વિશે હેમંતભાઈ જણાવે છે કે ‘હું અલગ-અલગ દેશોમાં કામ અર્થે ફરતો રહ્યો પણ પત્નીએ કેનેડામાં રહીને ઘર અને બાળકોને સાચવ્યા. મારા જીવનની સફળતા એની જ દેણ છે.’ હવે હેમંતભાઈ પોતાના પૌત્ર-પૌત્રી સાથે આનંદપૂર્ણ સમય વિતાવવાની ઈચ્છા રાખે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.