ખબર

હેમંત ચૌહાણના ભજન ઉપર ઓક્સિજન માસ્ક સાથે જુમ્યા કોરોના સંક્રમિત બા, વીડિયો જોઈને તમને પણ ઝુમવાનું મન થઇ જશે

હાલ કોરોના મહામારીના કારણે હોસ્પિટલોની દશા ખુબ જ દયનિય બની રહી છે. હોસ્પિટલમાં આજે બેડ પણ મળતા નથી ના ઓક્સિજન મળી રહ્યું છે. તો દર્દીઓ પણ જીવન મરણ સામેનો જંગ લડી રહ્યા છે. આ મહામારીમાં ઘણા એવા વીડિયો પણ સામે આવે છે જે જોઈને ઘણો જ આનંદ પણ થાય છે.

આવો જ એક વીડિયો હાલમાં લોકપ્રિય ભજનિક હેમંત ચૌહાણ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેમાં તેમના ભજનના તાલે હોસ્પિટલની અંદર કોરોના સંક્રમિત એક બા ઓક્સિજન માસ્ક સાથે ઝૂમી રહ્યા છે. તેમની સાથે હોસ્પિટલનો સ્ટાફ પણ ઝૂમવા લાગ્યો છે.

હેમંત ચૌહાણે આ વીડિયોને સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેને ઘણા લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક મહિલા દર્દી “દર્શન દેજો રે બાપા” ગીત પર ઝૂમી રહ્યાં છે. મોં પર ઓક્સિજન માસ્ક લગાવેલું હોવા છતાં તેઓ આગવા અંદાજમાં બેડ પર ઝૂમી રહ્યાં છે. તેમની સાથે ડૉક્ટર અને સ્ટાફ પણ ઝૂમી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ડૉક્ટર મહિલા દર્દીનો જુસ્સો વધારી રહ્યા છે.

આ વીડિયો શેર કરવાની સાથે હેમંત ચૌહાણે સરસ મજાનું કેપશન પણ આપ્યું છે. તેમને લખ્યું છે કે, “લોકગીત એટલે લોકો દ્વારા સ્વીકારેલું અને આશીર્વાદ મળેલું ગીત. જેમ ડોક્ટરને તેની દવાથી સાજા થયેલા દર્દીને જોઈ ને આનંદ થાય એવો જ આનંદ મારા ગવાયેલા ગીત પર પીડા ભૂલેલા આ માડીને અને ઈશ્વર રૂપી મેડિકલ સ્ટાફને જોઈને થાય છે આપણે જલ્દીથી આ મહામારીમાંથી બહાર આવીએ એવી પ્રાર્થના”