30 લાખનું TV, 50 વિદેશી ડોગ, થાર સમેત 10 લગ્ઝરી કાર…30 હજાર રૂપિયા મહિને કમાતી એન્જીનિયરના ઠાઠ માઠ તો જુઓ

Lokayukta Raid in Bhopal: મધ્યપ્રદેશમાં ગુરુવારે લોકાયુક્ત પોલીસના દરોડાથી બધા ચોંકી ગયા. આ કાર્યવાહીમાં બિલખીરિયા સ્થિત મધ્ય પ્રદેશ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર ઈન્ચાર્જ (કોન્ટ્રાક્ટ) હેમા મીણાના ઘરેથી કરોડોની સંપત્તિ મળી આવી. 30 હજાર રૂપિયા મહિને પગાર મેળવનારી હેમાની સંપત્તિનો અંદાજ માત્ર એક વાત પરથી લગાવી શકાય છે કે તેના ઘરમાં જે ટીવી મળ્યુ તેની કિંમત 30 લાખ રૂપિયા હતી.

1 કરોડનો તો માત્ર બંગલો 

લોકાયુક્ત પોલીસના જણાવ્યા અનુસાર, કોન્ટ્રાક્ટ પર કામ કરતી આસિસ્ટન્ટ એન્જિનિયર હેમા મીણાનો માસિક પગાર 30,000 રૂપિયા છે. પરંતુ તેણે 13 વર્ષની સેવામાં તેની આવક કરતાં 232% વધુ સંપત્તિ મેળવી. પગારના હિસાબે હેમાની સંપત્તિ વધુમાં વધુ 18 લાખ રૂપિયા હોવી જોઈએ. આસિસ્ટન્ટ એન્જિનિયર હેમાના પિતાના નામે બનેલા 20,000 ચોરસ ફૂટ જમીનમાં બનેલા 40 રૂમના બંગલામાં રહે છે. તેની કિંમત 1 કરોડથી વધુ હોવાનો અંદાજ છે.

30 લાખનું તો ખાલી TV

આ સિવાય તેના ફાર્મ હાઉસમાંથી 50થી વધુ વિદેશી જાતિના શ્વાન મળી આવ્યા છે, જેની કિંમત લાખોમાં છે. વિવિધ જાતિની 60-70 જેટલી ગાયો પણ મળી આવી હતી. ખાસ વાત એ છે કે હેમા મીણા 20 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલા પરિસરમાં હાજર ડઝનેક કર્મચારીઓ સાથે વાત કરવા માટે વોકી-ટોકીનો ઉપયોગ કરતી. એટલું જ નહીં લોકાયુક્ત પોલીસના દરોડામાં કોન્ટ્રાક્ટ એન્જિનિયરના બંગલામાંથી રોટલી બનાવવાનું મશીન પણ મળી આવ્યું છે.

મહિન્દ્રા થાર સહિત 10 મોંઘા વાહનો 

2.50 લાખની કિંમતના આ મશીનનો ઉપયોગ કૂતરાઓ માટે રોટલી બનાવવા માટે થાય છે. હેમા મીણાનો બંગલો લક્ઝરી વસ્તુઓથી ભરેલો હતો. 30,000 રૂપિયાનો માસિક પગાર મેળવતી કોન્ટ્રાક્ટ એન્જિનિયરના રૂમમાંથી 30 લાખની કિંમતનો ટીવી સેટ મળી આવ્યો. જો કે, હાલમાં તેનો ઉપયોગ શરૂ થયો ન હતો અને તે બોક્સમાં પેક હતુ. આ સાથે એન્જિનિયરના બંગલામાંથી 2 ટ્રક, 1 ટેન્કર અને મહિન્દ્રા થાર સહિત 10 મોંઘા વાહનો પણ મળી આવ્યા.

2011થી લઇને અત્યાર સુધી આવકની થઇ રહી છે તપાસ

જ્યારે લોકાયુક્ત પોલીસની 50 લોકોની ટીમ હેમા મીના વિરુદ્ધ કાર્યવાહી કરવા પહોંચી ત્યારે બંગલામાં તૈનાત ગાર્ડે તેમને રોક્યા. ત્યારબાદ સિવિલ ડ્રેસમાં પહોંચેલ ટીમના સભ્યોએ પોતાને પશુપાલન વિભાગના અધિકારી ગણાવ્યા અને આ સાથે બંગલામાં લગાવેલી સોલાર પેનલ ચેક કરવાના બહાને તેઓ અંદર ઘુસ્યા હતા. આ પછી અંદર હાજર હેમા મીણાને રૂમમાં બેસાડીને તેનો મોબાઈલ ફોન જપ્ત કરીને કાર્યવાહી શરૂ કરી.

13 વર્ષ પહેલા લાગી હતી નોકરી 

પતિથી છૂટાછેડા લીધેલ હેમા રાયસેન જિલ્લાના ચપના ગામની રહેવાસી છે. વર્ષ 2011માં તેને કોન્ટ્રાક્ટ પર નોકરી મળી હતી. હાલમાં તે મધ્યપ્રદેશ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં મદદનીશ ઈજનેર ઈન્ચાર્જ તરીકે તૈનાત છે. લોકાયુક્ત ડીએસપી સંજય શુક્લાના જણાવ્યા અનુસાર, વર્ષ 2020માં પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ઈન્ચાર્જ મદદનીશ ઈજનેર (કોન્ટ્રાક્ટ) વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિ કમાવવાની ફરિયાદ થઈ હતી. આ કેસમાં સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ ભોપાલ ડિવિઝન (લોકાયુક્ત)એ તપાસ શરૂ કરી હતી.

Shah Jina