કોરોના મહામારીએ તો ઘણા ઘર ઉજાળી નાખ્યા છે, ઘણા લોકોની આર્થિક સ્થિતિ ખરાબ થઇ રહી છે અને ઘણા લોકો આર્થિક સંકળામણના કારણે સારી સારવાર પણ નથી કરાવી શકતા. પરંતુ આ દરમિયાન સુરતમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમારી આંખોમાંથી પણ આંસુઓ વહેવા લાગશે.

થોડા સમય પહેલા ધૈર્યરાજ નામના એક બાળક માટે સોશિયલ મીડિયામાં મદદ માટે ગુહાર લગાવવામાં આવી હતી. અને તેની સારવાર માટે 16 કરોડ રૂપિયા માત્ર થોડા સમયમાં જ ભેગા થઇ ગયા અને તેની સારવાર પણ શરૂ થઇ ગઈ ત્યારે હાલ એવા જ એક જરૂરિયાતમંદ દર્દી માટે સોશિયલ મીડિયામાં મદદ માટેની લહેર ઉઠી રહી છે.

સુરતમાં રહેતા ભરતભાઈ જે દરજીકામ કરીને પોતાનું ગુજરાન ચાલવતા હતા અને અચાનક તેમની બંને કીડનીઓ ફેઈલ થઇ જવાના કારણે તેમને સારવાર માટે સુરતની કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં સવા મહિનાથી પણ વધારે સારવાર ચાલી હોવા છતાં પણ તેમની તબિયતમાં કોઈ સુધાર ના આવતા તેમની હવે ઘરે જ સારવાર ચાલી રહી છે.

ભરતભાઇની સારવાર કરવા માટે તેમના ભાઈએ પોતાની દુકાન, સીવણના બધા જ મશીનો પણ વેચી દીધા છે. પોતે ભાડાના ઘરમાં રહે છે. ઘરની અંદરથી પણ ટીવીથી લઈને બધો જ સામાન પણ વેચી દેવો પડ્યો છે, તે છતાં પણ તેમની સારવાર માટેના પૂરતા પૈસા તે ભેગા નથી કરી શક્યા.

ભરતભાઈની બંને કીડનીઓ ફેલ છે અને હવે તે ટ્રાન્સપ્લાન્ટ દ્વારા ફરીથી સાજા થઇ શકે તેમ છે. આ માટે તેમને કિડનીનું દાન પણ તેમના બહેન દ્વારા જ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. બહેનના રિપોર્ટ પણ કરવામાં આવ્યા છે અને તે પણ મેચ થઇ રહ્યા છે. પરંતુ હવે ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેનો ખર્ચ તેમની પાસે નથી.

ભરતભાઇની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેનો ખર્ચ 10 થી 12 લાખ રૂપિયા જેટલો છે, જે તેમના મોટાભાઈ હિંમતભાઇ જણાવી રહ્યા છે. હિંમતભાઇ અને તેમના બહેન રડી રડી અને પોતાની પરિસ્થિતિ વિશે જણાવી રહ્યા છે. પોતાના 33 વર્ષની ઉંમરના ભાઈને હોસ્પિટલમાં સારવાર માટેનો ખર્ચ ના ઉઠાવી શકવાના કારણે તેમની ઘરે જ સારવાર કરી રહ્યા છે. તેમના પરિવાર માથે આટલું દુઃખ ઓછું હતું ત્યાં તેમના પિતાને પણ હાર્ટ એટેક આવી ગયો છે અને દીકરાની તબિયત ખરાબ હોવાનું જોતા તે પણ આઘાતમાં છે અને પથારીવશ છે.

લાઈફ હેલ્પકેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરતભાઇની હાલની પરિસ્થિતિ તેમના ઘરે જઈને વીડિયો બનાવીને તેમની મદદ કરવા માટે હાકલ કરી હતી જે આપે તસવીરોમાં જોયું. ખાસ વાત એ છે કે પોતાની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવા છતાં પણ ભાઈ અને બહેન એક સાથે આ તકલીફનો સામનો કરવા માટે સાથે ઉભા છે. હાલ ભરતભાઇની મદદ માટે કેટલા પૈસા એકત્ર થયા છે તે અંગેની અમારી પાસે કોઈ માહિતી નથી. પરંતુ આપણે સોશિયલ મીડિયા દ્વારા સૌ મિત્રો ભરતભાઈ જલ્દી સ્વસ્થ થઇ જાય તે માટે પ્રાર્થના જરૂર કરીએ. ઘણા લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે.