રંગીલું રાજકોટ પાણીમાં ગરકાવ ! ભારે વરસાદમાં રસ્તા બન્યા સ્વિમિંગ પુલ, એક રાતમાં 9 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ

રાજકોટમાં એક રાતમાં 9 ઇંચ વરસાદ ખાબકતાં પ્રજાની હાલત કફોડી થઇ ગઈ, ઘરમાં ઘૂસ્યા પાણી, હાલ થયા બેહાલ- જુઓ તસવીરો

હાલ મેઘરાજા ગુજરાતમાં અનરાધાર વરસી રહ્યા છે. રવિવારના રોજ અમદાવાદનો વારો લીધા બાદ હવે મેઘરાજાની રાજકોટમાં ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. મંગળવાર સવારે રાજકોટની પણ અમદાવાદ જેવી જળબંબાકાર સ્થિતિ જોવા મળી રહી છે. સવારે 2 કલાકમાં જ 2 ઇંચથી વધુ વરસાદ ખાબકતા શહેર આખુ પાણી-પાણી થઈ ગયું હતું. ત્યાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, રાજકોટમાં મંગળવારે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન ચાર ઇંચ વરસાદ ખાબકી ગયો હતો.સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ ચારેકોર જોવા મળી રહ્યો છે,

ત્યારે રાજકોટમાં ગત રાતથી ભારે વરસાદને કારણે પોપટપરામાં ઘરમાં પાણી ઘૂસી ગયા હતાં અને લોકો પહેલા માળે જવા મજબૂર બન્યા હતા. ભારે વરસાદને પરિણામે વાહનો પણ ડૂબી જવા જેવી સ્થિતિ સર્જાઇ હતી. હાલ તો ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યોજાનારી આજની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરી છે. રંગીલા રાજકોટ પર મેઘમહેરને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે.આ સાથે ભારે વરસાદને કારણે લાલપરી તળાવ ઓવરફ્લો થયું હતો.

રાજકોટમાં આજે સવાર સુધીમાં 6.5 ઈંચ વરસાદ પડયો હોવાનું સામે આવ્યું છે.ભારે વરસાદને પગલે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા અને તે બાદ નજીકના ગામોને એલર્ટ પણ કરાયા હતા. આ ઉપરાંત લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા માટે પણ સૂચના અપાઇ હતી. રાજકોટમાં ભારે વરસાદને કારણે અનેક મુશ્કેલીઓ સર્જાઇ છે. તો વળી સામે ન્યારી ડેમમાં નવા પાણીની આવક થતાં ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, આજી નદીમાંથી એક મૃતદેહ તરતો મળી આવ્યો હતો.

જે બાદ રાજકોટ ફાયર બ્રિગેડના જવાનોએ પુરુષની લાશને પાણીના ધસમસતા પ્રવાહમાંથી બહાર કાઢી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે જરૂરી વિધિ શરૂ કરી છે. પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી છે.ન્યારી-2 ડેમના 4 દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા બાદ ડેમના નિંચાણવાળા વિસ્તારોને અલર્ટ કરાયા હતા. જણાવી દઇએ કે, કેટલાક અંડરબ્રિજને બંધ કરવામાં આવ્યાછે અને મહત્તમ કેપેસિટીથી પમ્પિંગ કરી પાણી ઉલેચવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

જો કે, હજુ પણ 6-7 કલાક રેલનગર અન્ડરબ્રિજ પરથી વાહનોની અવરજવર થઈ શકશે નહિ. ડેમના દરવાજા ખોલ્યા બાદ ગોવિંદપુર, ખામટા, રામપર સહિત વણપરી, તરધડીને અલર્ટ કરાયા છે. આ ઉપરાંત આજના દિવસની પરીક્ષાની નવી તારીખો બાદમાં જાહેર કરવામાં આવશે તેવું પણ જણાવ્યુ હતુ. વરસાદને કારણે રામનાથ મહાદેવ મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા હતા. જે બાદ ઘણી મુશ્કેલી સર્જાઇ હતી. રાજકોટમાં સતત વરસાદ વરસવાને કારણે સોસાયટીઓમાં પાણી ભરાયા હતા.

રાજકોટમાં પણ ભારે વરસાદને પગલે તારાજી સર્જાઇ હતી. 135 વર્ષ જૂના મકાનની છત રામનાથપરા વિસ્તારમાં ધરાશાયી થઈ હતી.હાલ રાજકોટ મનપાની ફાયર શાખા દ્વારા બચાવની કામગીરી હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે, ઉપરવાસમાં વરસાદના પગલે આજી નદી બે કાંઠે વહેવા લાગી હતી અને આ વર્ષે પહેલીવાર આજીએ રામનાથ મહાદેવને જલાઅભિષેક કર્યા હતા.

જણાવી દઇએ કે, મેઘરાજાએ હાલમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને તેને કારણે અનેક ગામ સંપર્કવિહોણાં પણ થયાં છે. નદી-નાળાં પણ છલકાઈ ઉઠ્યા છે. રોડ રસ્તા પર પણ સ્વિમિંગ પુલ જેવી હાલત સર્જાઇ છે. ડેમ પણ ભયજનક સપાટી પર પહોંચ્યા છે. ત્યારે આ વચ્ચે આગામી બે દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Shah Jina