...
   

ગુજરાતના ભરૂચમાં બારેય મેઘ ખાંગા ! આભ ફાટ્યા જેવા દ્રશ્યો- 12 ઇંચ વરસાદથી વાલિયા આખુ પાણી-પાણી

રાજ્યમાં એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થવાને કારણે અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગતરોજથી ચાલુ રહેલા ભારે વરસાદને પગલે આજે પણ મેઘરાજાની જમાવટ યથાવત છે. ગઈકાલે ડાંગ, તાપી, ભરૂચ, સુરત સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ભરૂચના વાલિયામાં તો આભ ફાટ્યું હતું. 14 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબકતા અનેક ઘરોમાં પાણી ભરાયાં હતાં. વાલિયાનું ડહેલી ગામ ભારે વરસાદમાં જળમગ્ન થયું છે.

ભરૂચમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી છે ત્યારે ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી પાણી થઇ ગયુ છે અને બે કલાકમાં જ પાંચ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. આજે સવારે બે કલાકમાં જ 125 તાલુકામાં વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં આજે સવારે પણ તોફાની વરસાદ જોવા મળ્યો. સુરતના માંગરોળ, ઉમરપાડામાં 2થી અઢી ઈંચ જ્યારે નવસારીમાં ભરૂચના વાલિયામાં 11.88 ઇંચ વરસાદથી સર્વત્ર પાણી જ પાણી છે. આખેઆખું ડહેલી ગામ પાણીમાં ગરકાવ થઇ ગયું છે.

મુખ્ય બજાર અને લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. અમદાવાદમાં પણ સતત વરસાદી માહોલ યથાવત છે. મોડી રાતથી વરસી રહેલા વરસાદે હાલ તો વિરામ લીધો છે પણ સવારે 6 વાગ્યે પૂર્ણ થતા 24 કલાક દરમ્યાન શહેરમાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ નોંધાયો. સૌથી વધુ નરોડામાં 8 ઇંચ જ્યારે ઓઢવ 4.5 ઇંચ અને નિકોલમાં 4 ઇંચ વરસાદ વરસ્યો. વાસણા બેરેજના 7 ગેટ ખોલી 11000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ગાંધીનગરમાં પણ મોડી રાતથી વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. દહેગામમાં સૌથી વધુ 4 ઈંચ તો માણસા-કલોલમાં 3 ઈંચ વરસાદ નોંધાયો. ગાંધીનગર શહેરમાં 2 ઈંચ વરસાદ પડ્યો. ગાંધીનગરમાં બે ઇંચ જેટલો વરસાદ પડતા અંડરપાસમાં પાણી ભરાયા હતા. ગત રાત્રે સુરતમાં પણ ભારે વરસાદ પડ્યો જેને કારણે નદી નાળાઓ છલકાયા.

Shah Jina