રાજ્યમાં આગામી 5 દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બે કેન્દ્રશાસિત પ્રદેશ સહિત 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જ્યારે 17 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાત પર એકસાથે ચાર-ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબકી રહ્યો છે. બંગાળની ખાડીથી આગળ વધેલ ડિપ્રેશનની અસરથી 9 સપ્ટેમ્બર સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.
હવામાનની આગાહી અનુસાર, ડિપ્રેશનને કારણે ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે તાપમાનમાં પણ બેથી ચાર ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થવાથી અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને તેને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. રાજસ્થાનના જેસલમેર અને ઉદયપુર પરથી એક મોન્સૂન ટ્રફ બંગાળની ખાડી સુધી લંબાયો છે તેની અસરને કારણે પણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.
ત્યારે બનાસકાંઠા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જ્યારે કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ડાંગમાં યલો અલર્ટ…5 સપ્ટેમ્બરની વાત કરીએ તો, કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ…
6 સપ્ટેમ્બરે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ અને 7 સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ…આ ઉપરાંત 8 સપ્ટેમ્બરે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અને 9 સપ્ટેમ્બરે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.