આખું ગુજરાત હાલ ઠંડુગાર બની ગયું છે, રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદ અને વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. સમગ્ર રાજ્યમાં ઠંડીએ પણ માજા મૂકી છે, ત્યારે હજુ પણ માવઠાની અસર આવનારા દિવસોમાં પણ જોવા મળશે તેવી આગાહી હવામાન વિદ અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.
રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવતીકાલ સુધી વાતાવરણમાં પલટો રહી શકે છે. આવતીકાલ સુધી કમોસમી વરસાદનું વાતાવરણ રહેશે. 2 દિવસ બાદ લઘુત્તમ તાપમાન ઘટશે. 3 ડિસેમ્બર બાદ ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે. ત્યાં આગામી 48 કલાક કલાકમાં પ્રેશરનાં કારણે 3 ડિસેમ્બરે “જવાદ” વાવાઝોડાના રૂપમાં ત્રાટકી શકે છે. આ તોફાન ચોથી ડિસેમ્બરે ઓડિશાના તટ પર ત્રાટકી શકે છે ત્યારે તમામ જિલ્લાઓમાં અલર્ટ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, “રાજ્યમાં હજુ કમોસમી વરસાદ ગયો નથી. ડિસેમ્બરના અંત સુધી કમોસમી વરસાદનું સંકટ રહેશે. શિયાળા વચ્ચે ચોમાસાનો માહોલ યથાવત રહેશે. 19થી 21 ડિસેમ્બર દરમિયાન વરસાદ પડી શકે છે. 28થી 30 ડિસેમ્બર દરમિયાન વરસાદ પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. 4 ડિસેમ્બરથી રાજ્યમાં કાતિલ ઠંડીનો અહેસાસ થશે. ઓડિશા, મહારાષ્ટ્રમાં ચક્રવાતનો ખતરો છે.
ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં 24 કલાકમાં 130 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. તો ગઇકાલે રાત્રે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, દીવ, જાફરાબાદ અને ઉના સહિતના દરિયાકાંઠા પર ભારે પવન ફૂંકાયો હતો. આસપાસના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
સુરત, ભરૂચ અને ખેડા જિલ્લામાં પણ માવઠું પડ્યું છે. અરવલ્લી, સાબરકાંઠાના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ક્યાંક ધીમીધારે, તો ક્યાંક પવન સાથે વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. IMDનાં હાલના અનુમાન અનુસાર ચોથી ડિસેમ્બરે 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે અને 12 કલાક સુધી વાવાઝોડાની અસર રહી શકે છે. 13 જિલ્લાના કલેક્ટરોને દિવસ રાત વાવાઝોડાના કામમાં લગાવવામાં આવ્યા છે.