હવામાન વિભાગની નવી આગાહી: ગુજરાતમાં અહીંયા મેઘરાજા બોલાવશે ધડબડાટી
હાલ તો ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો છે. 231 તાલુકામાં તો મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે. સૌથી વધુ વરસાદ થરાદમાં 6 ઈંચ અને લાખણીમાં 4 ઈંચ વરસ્યો છે. ત્યારે આજ રોજ જામનગર, રાજકોટ, મોરબી, કચ્છ,વલસાડ, દ્વારકા, સુરત, ભરૂચ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી તેમજ સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વલસાડ, કચ્છ, અને પાટણ તેમજ બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ રાજકોટ, દ્વારકા, પોરબંદર, આણંદમાં યલો એલર્ટ અને નવસારી, તાપી અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત એવી પણ શક્યતા છે કે આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. જણાવી દઇએ કે, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદ ખાબક્યો છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ રહેશે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 66 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં વરસાદી મહેર જામી છે અને તેને કારણે ઘણી જગ્યાએ કુદરતી સૌંદર્ય પણ ખિલી ઊઠ્યું છે. જેને જોવા માટે પર્યટકો પણ ઉમટી રહ્યા છે. ચોમાસામાં ખાસ કરીને ધોધ પર્યટકો માટે આકર્ષક સાબિત થઈ રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો પરિવાર અને મિત્રો સાથે ધોધનો નજારો નિહાળવા માટે જઇ રહ્યા છે.
બીજી બાજુ વરસાદની વાત કરીએ તો, વડોદરા, બોડેલી, વિજયનગર, દાંતીવાડા, મહેસાણામાં 2.5 ઈંચ, પાલનપુરમાં 3 ઇંચ, વડગામ અને સુઈ ગામમાં 3.5 ઈંચ,ફતેપુરા, હારીજમાં 2.5 ઈંચ, મહેમદાવાદમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. મહિસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે લોકોમાં ખુશી જોવા મળી રહી છે.