ગાંધીનગર LCBમાં ફરજ બજાવી રહેલા યુવા પોલીસકર્મીનું અકાળે થયું અવસાન, પોલીસ બેડામાં વ્યાપ્યો શોકનો માહોલ

છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવાના ઘણા મામલાઓ સામે આવ્યા છે, આવા હુમલામાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને નાની ઉંમરમાં જ હૃદય રોગનો હુમલો એક ચિંતાનું કારણ પણ બન્યો છે, ત્યારે હાલ પણ એક એવી દુઃખદ ખબર સામે આવી રહી છે. ગાંધીનગરમાં એલસીબીમાં ફરજ બજાવી રહેલા એક યુવા પોલીસકર્મીનું હૃદયરોગના હુમલાના કારણે નિધન થતા જ પોલીસ બેડામાં પણ શોકનો માહોલ વ્યાપી ગયો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં વર્ષ 2019થી ફરજમાં લાગેલા અને નોંધપાત્ર કામગીરી કરી રહેલા હેડ કોન્સ્ટેબલ લતીફખાન મહેમૂદખાન પઠાણનું આજે સવારે જ હાર્ટ એટેક આવતા અકાળે જ નિધન થયું છે. લતીફખાન બાતમી દારોનું મોટું નેટવર્ક પણ ધરાવતા હતા. તેઓ પોતાની પાછળ પત્ની કરિશ્માબેન અને એક 11 વર્ષના દીકરા વસીમ અને 7 વર્ષના દીકરા આતીફને નોધારો છોડી ગયા છે.

લતીફખાન કલોલના પાનસર ગુલમહોર સોસાયટીમાં રહેતા હતા. તેઓ વર્ષ 2009માં પોલીસ ખાતામાં જોડ્યા હતા. સ્વભાવે પણ તેઓ એકદમ શાંત સ્વભાવના હતા. સાથે જ ઘણી ગુનાહિત પ્રવૃત્તિઓ ઉકેલવામાં પણ તેમનું ખુબ જ સારું યોગદાન રહ્યું છે. કલાલોથી લઈને સમગ્ર જિલ્લામાં ચાલતી દેશી વિદેશી દારૂની પ્રવૃત્તિ પર પણ લતીફ ખાનની બાતમીના આધારે રેડ કરીને પોલીસે ગુનેગારોને ઝડપી પાડ્યા હતા.

વર્ષ 2019માં લતીફ ખાન ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં હેડ કોન્સ્ટેબલ તરીકે જોડાયા. ગત રોજ સવારે 11 વાગ્યાના અરસામાં તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જેના બાદ તેમને તાત્કાલિક સારવાર માટે પણ લઇ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારને તેની જાણ થતા જ દુઃખોનું આભ તૂટી પડ્યું હતું સાથે જ પોલીસ બેડામાં પણ શોક પ્રસરાઈ ગયો હતો.

Niraj Patel