રહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -8

0

“હેશટેગ લવ” ભાગ-૮

જે છોકરા માટે મારા મનમાં વિચારો જગ્યા હતાં એ છોકરો મને સિગ્નલ ઉપર આટલા દિવસમાં ક્યારેય ના દેખાયો. રોજ સાંજે હું એ જે સમયે ત્યાંથી પસાર થયો હતો એ સમયે આવીને ઊભી રહેતી. પણ મને રોજ રોજ નિરાશા જ મળતી ગઈ. છતાં એ ક્યાંક દેખાઈ જશે એ આશા સાથે હું રોજ હવે ત્યાં એની રાહ જોવા લાગતી. પણ પછી ક્યારેય એ ત્યાંથી પસાર થયો નહિ.

એક દિવસ હું કૉલેજથી હોસ્ટલમાં આવી ત્યારે હોસ્ટેલના કેમ્પસમાં એક સ્કૂટર પડ્યું હતું. કોઈ નવી વ્યક્તિ હોસ્ટેલમાં આવે તો સ્વભાવિક રીતે અમને નવાઈ થતી. હું અને મેઘના સ્કૂટર સામું અને સ્કૂટર લઈને આવેલી વ્યક્તિને આમતેમ શોધતાં અમારા રૂમ તરફ આગળ વધ્યા. શોભના અને સુસ્મિતા અમારા પહેલાં જ આવી જતાં. એ અમારા બંનેની જમવા માટે રાહ જોતાં. રૂમના દરવાજા પાસે જ સુસ્મિતા અને શોભના ઊભા હતાં. એ બંને કોઈ છોકરા વિશે વાતો કરી રહ્યાં હતાં. મેઘના એ પૂછ્યું કે “કોની વાત કરો છો ?” તો સુસ્મિતા એ જવાબ આપ્યો.

“નીચે સ્કૂટર લઈને જે છોકરો આવ્યો છે એની, કેટલો મસ્ત છે નહીં યાર ! કાશ, મારો બોયફ્રેન્ડ પણ આવો હોય” એટલું બોલીને સુસ્મિતા આળસ મરડવા લાગી. અને શોભના હસવા લાગી. મેઘનાએ ફરી સવાલ કર્યો.

“પણ કોણ છે એ ? હોસ્ટેલમાં તો છોકરાઓને આવવાની પરમિશન નથી, તો એ શું કામ આવ્યો ?”

“મેડમનું કમ્પ્યુટર બગડી ગયું છે, તો એ રીપેર કરવા માટે મેડમે એને બોલાવ્યો છે, ક્યારનો મેડમના કેબિનમાં છે.” છેલ્લા શબ્દો બોલતાં સુસ્મિતાનો નિરાશા ભર્યો સૂર વ્યક્ત થયો. અને આ જોઈને શોભના બોલી :

“તો એ મેડમના કેબિનમાં છે, તો તને શેની જલન અને ચિંતા થાય છે ? તું જઈને જોઈ આવ મેડમના કેબિનમાં તને એટલી ચિંતા થતી હોય તો !” મેઘના અને મને શોભનાની વાત સાંભળી હસવું આવવા લાગ્યું. શોભના પણ હસી.

” અરે ડિયર. મેડમ એનો રેપ તો નહીં કરી લેને એની ચિંતા થાય છે.” સુસ્મિતાનો જવાબ સાંભળી અમે વધુ જોરથી હસવા લાગ્યા.
મેઘના અને હું રૂમમાં ગયા. કોલેજબેગ રૂમમાં મૂકી પાછા ફર્યા, મેઘના કહેવા લાગી.

“સુસ્મિતા તને ભૂખ લાગી છે કે પછી એ છોકરાને જોઈને જ તારી ભૂખ મટી ગઈ ?”

સુસ્મિતા ફિલ્મી સ્ટાઈલમાં મેઘના તરફ ફરી એના ખભાને હાથથી દબાવી તેના ઉરોજને મેઘનાના શરીર સાથે અડકાળતાં કહેવા લાગી :

“ભૂખ મટી નથી ગઈ ડિયર, એને જોઈને ને તો હવે ભૂખ જાગી ગઈ ! આ બદનમાં !

મેઘના એ “ચાલ બસ હવે, નીચે તારા કાકા મેસમાં કોઈની રાહ નહિ જોવે, ચાલ હવે નીચે.”

અમે ચાર હસતાં હસતાં નીચે ઉતર્યા. મેસમાં ગયા અને જમવા લાગ્યા. મેસમાંથી કેમ્પસ ચોખ્ખું દેખાતું. હજુ એ છોકરો મેડમના કેબિનમાંથી પાછો નહોતો ફર્યો. જમવાનું પતાવી રૂમમાં ગયા. શોભના, સુસ્મિતા અને મેઘના જોબ ઉપર જવા માટે નીકળી ગયા.

હું બહાર ગેલેરીમાં જ ઊભી રહી. સુસ્મિતા જે છોકરાના આટલા બધા વખાણ કરતી હતી એ છોકરાને જોવાની મારી પણ ઈચ્છા થઈ. હું એને જોવા માટે ગેલેરીમાં જ ઊભી રહી. પંદર મિનિટ જેટલો સમય હું ગેલેરીમાં ઊભી હોઈશ. અને એ છોકરો બહાર નીકળ્યો. જેવો એ બાહર આવ્યો મારી નજર એને જ જોતી રહી ગઈ. એ એજ છોકરો હતો જેની રાહ હું છેલ્લા કેટલાય દિવસથી મંદિરથી હોસ્ટેલ તરફના રસ્તામાં આવતા સિગ્નલ ઉપર જોતી હતી. જેની સાથે હું બીચ ઉપર ટકરાઈ હતી અને એનો સ્પર્શ આજે પણ મારા તનબદનને હચમચાવી રહ્યો છે. એ છોકરો આજે મારી હોસ્ટેલના કેમ્પસમાં આવીને મારી આંખો સામે ઊભો છે, છતાં એને જોવા સિવાય હું કંઈજ નથી કરી શકતી. એને બોલાવી પણ નથી શકતી. એને હું યાદ હોઈશ કે નહીં એ પણ મને ખબર નથી. મને નીચે એની આંખો સામે દોડી જવાનું મન થયું. હું પાછી વળી પગથિયાં ઉતરતી જ હતી ત્યાં મને એ છોકરા પાછળ મેડમ પણ આવતા દેખાયા. હું સીડીઓની વચમાં જ આવીને ઊભી રહી ગઈ. મેડમના ચેહરા ઉપર એક હાસ્ય હતું. એ છોકરો પણ મેડમ સામે જોઇને હસી રહ્યો હતો. બન્ને કંઈક વાત કરી રહ્યાં હતાં.

થોડીવાર સુધી એમની વાતો ચાલી. મેડમની નજર મારી તરફ મંડાઈ. અને એમના ચહેરા ઉપરનું હાસ્ય અચાનક અદૃશ્ય થઈ ગયું. મારી સામે જોઈ કહેવા લાગ્યા. “એ લડકી, ક્યાં હુઆ ? કુછ કામ હે ક્યાં ?” મને પણ આ રીતે અચાનક મેડમે પૂછી લેતા શું જવાબ આપવો એ સમજાઈ રહ્યું નહોતું. પણ જવાબ આપવો જરૂરી હતો એટલે મેં અચકાતા સ્વરે કહ્યું :”મેમ, પાપા કો….. પાપા કો ફોન કરના થા.”
“ઠીક હૈ જાઓ.” મેડમે ટૂંકમાં ઉત્તર આપી જવા માટે જ કહ્યું.

હવે હું સીડીઓ પાસે ઊભી રહી શકું એમ નહોતું. હું સાથે પૈસા પણ લઈને નહોતી આવી. પણ મેડમ આગળ મેં ફોન કરવાનું બહાનું કાઢ્યું હતું એટલે મારે બહાર નીકળવું પડે એમ જ હતું. એ છોકરાની નજર પણ મારી તરફ જ મંડાયેલી હતી. મેં મારી નજરને નીચે ઝુકાવી લીધી. અને નીચી નજરે જ ગેટની બહાર નીકળી ગઈ. હોસ્ટેલથી થોડે આગળ જઈ હું ઊભી રહી. જ્યાંથી મને હોસ્ટેલમાં આવતું જતું કોઈ જોઈ ના શકે.

પાંચ મિનિટ જેટલો સમય વીત્યો હશે ત્યાં જ એ છોકરો સ્કૂટર લઈને એજ રસ્તા ઉપર આવતો દેખાયો. જેમ જેમ એ છોકરો નજીક આવતો હતો તેમ તેમ મારી ધડકન વધવા લાગી. હું રસ્તાથી અવળી ફરી અને ઊભી રહી ગઈ. પણ એ છોકરાએ હું જ્યાં ઊભી હતી ત્યાં જ સ્કૂટર લાવી ઊભું કર્યું અને કહેવા લાગ્યો :

“એક્સકયુઝમી !”

હું એ છોકરા તરફ ફરી અને એની આંખોમાં જોઈ કહ્યું : “જી”
“હમ પહેલે ભી કહી મિલે હૈ, મગર મુજે યાદ નહિ આ રહા ! મેને આપકો પહેલે ભી કહી દેખા હૈ !” એ છોકરો બોલતાં બોલતાં પોતાની આંગળી કપાળે રાખી વિચારવા લાગ્યો.

હું એને આટલા દિવસથી ભૂલી નથી શકી અને એને હું યાદ પણ નથી. પણ એના પ્રત્યે આકર્ષણ મને થયું હતું. એને નહીં. એને તો મારા વિશે વિચાર્યું પણ નહીં હોય, એજ મને ગમી ગયો હતો. અને એટલે જ આ સમયે હું એને જોવા માટે જ હોસ્ટેલની બહાર આવીને ઊભી છું. એ છોકરા એ ઘણીવાર સુધી વિચાર્યું પણ એને યાદ ના આવ્યું. અંતે મેં જ એને કહ્યું.

” હમ જૂહુ બીચ પર મિલેથે, મેં આપસે ટકરાઈથી, યાદ આયા ?”

“અરે હા, યાદ આ ગયા.” અજબની ખુશી સાથે એને પોતાના કપાળ તરફ રહેલી આંગળી મારા સામે લાવતાં કહ્યું.

” તો આપ ઈસ હોસ્ટેલમેં રહેતી હૈ ?”

એને મને સવાલ કર્યો અને મેં માત્ર “હા” માં જવાબ આપ્યો. એના બીજો પ્રશ્ન આવ્યો :

“આપ ગુજરાતી હો ?”

એના પ્રશ્નનો ઉત્તર પણ મેં પ્રશ્નથી જ આપ્યો.

“આપકો કૈસે પતા ?”

“હું પણ ગુજરાતી જ છું, અને આપણી ગુજરાતી ભાષાની લઢણથી માણસ ઓળખતાં મને આવડે છે. મારું નામ અજય શાસ્ત્રી છે. અમે મૂળ અમદાવાદના, પણ વર્ષોથી પપ્પા મુંબઈમાં આવીને વસી ગયા, એટલે મારો જન્મ પણ મુંબઈમાં જ થયો અને હું અહીંયા જ મોટો થયો.” એને ટૂંકમાં પોતાનો બાયોડેટા મારી સામે રજૂ કર્યો.

“તમે મુંબઈમાં જ જો જન્મ્યા હોય તો આટલી સરસ રીતે ગુજરાતી કઈ રીતે બોલી શકો છો ?” મારા મનમાં ઉઠેલો પ્રશ્ન મેં અજય સામે રજૂ કર્યો.

અજયે જવાબ આપ્યો : “ભલે અમે વર્ષોથી મુંબઈમાં રહીએ છીએ, પણ ગુજરાત અને ગુજરાતી ભાષાને સાવ છોડી નથી દીધી ! અમારા ઘરમાં આજે પણ ગુજરાતી જ બોલાય છે.”

“સરસ કહેવાય” મેં જવાબ આપ્યો.અજય મહારાષ્ટ્રમાં રહીને પણ એનો ગુજરાતી પ્રત્યેનો લગાવ જોઈ મને એના માટેનું માન થોડું વધી ગયું. હું કંઈ બોલ્યા વગર એમ જ ઊભી હતી અને એને મને પ્રશ્ન કર્યો.
“તમારા વિશે તો કઈ કહો ?”

“મારું નામ કાવ્યા દેસાઈ છે, હું મૂળ નડિયાદની છું, અહીંયા BSC કરવા માટે આવી છું.” મેં ટૂંકમાં જ મારો પરિચય આપ્યો.

“ચાલો સરસ, તમને મળી ને મઝા આવી. પારકા પ્રદેશમાં કોઈ પોતાનું મળી ગયું હોય એવો આનંદ થયો.” અજય મને મળ્યાની ખુશી શબ્દોમાં વ્યક્ત કરી રહ્યો હતો. પણ હું મારી ખુશી એની આગળ વ્યક્ત કરી શકું એમ નહોતી. મનોમન જ મેં કહી દીધું : “જ્યારથી તમે મારી સાથે ટકરાયા છો ત્યારથી હું તમારા વિશે જ વિચારી રહી છું, રોજ તમને જોવા એક સિગ્નલ પાસે ઊભી રહું છું. અને આજે તમે મારી સામે ઊભા છો એ ખુશી હું તમારી આગળ વ્યક્ત નથી કરી શકતી.” પણ આ બધું મેં અજયને ના જણાવ્યું. બસ “મને પણ સારું લાગ્યું” એટલો જ જવાબ આપ્યો. હોસ્ટેલ નજીકમાં જ હતી. હોસ્ટેલનું કોઈ જોઈ જશે એ ડર પણ મનમાં હતો. એટલે મેં હોસ્ટેલ પાછા જવા માટે અજયને કહ્યું. અજયે પણ પોતાને કામ છે એમ કહી ત્યાંથી રજા લીધી.

હોસ્ટેલ ઉપર આવી હું સીધી મારી રૂમમાં ચાલી ગઈ. રૂમને અંદરથી બંધ કરી દુપટ્ટાને બાજુ ઉપર ફેંકી ઝૂમવા લાગી. મારી ખુશીઓ એકાંતમાં વ્યક્ત કરવા લાગી. જેની એક ઝલક જોવા માટે કેટલાય દિવસથી તડપી રહી હતી એ વ્યક્તિ આજે મારી પાસે, સામે ચાલી ને આવી. એની સાથે વાત પણ થઈ. એનું નામ પણ મને જાણવા મળી ગયું. એ ખુશી મારા માટે અદભુત હતી. આજે હું ખૂબ જ ખુશ હતી. થોડીવાર બેડમાં તકીયાને છાતી આગળ દબાવી સુઈ રહી. આજના તાજા અનુભવને ડાયરીમાં ઉતારવા ફટાફટ ઊભી થઈ. કબાટમાંથી ડાયરી કાઢી અને લખવા લાગી. ઘણાં દિવસે આજે ઘણું બધું લખાયું. આમરી પાંચ મિનિટની મુલાકાતને મેં પાંચ પાના ભરી વ્યક્ત કરી.
અજય ફરી મને ક્યારે મળશે એ મને ખબર નહોતી. પણ આજના એના મળ્યાનો આનંદ જ કંઈક અલગ જ હતો. આ પહેલાના જીવનમાં મને કોઈ છોકરાએ આટલી આકર્ષિત કરી નહોતી. પણ અજયનો પહેલો સ્પર્શ જ મને આકર્ષી ગયો હતો. પ્રેમ વિશે વાંચવામાં ઘણું આવ્યું હતું. ફિલ્મોમાં પણ પ્રેમ વિશે જાણ્યું હતું. આજે આ પ્રેમની અનુભૂતિ હું જાતે જ કરી રહી હતી. અજય વિશે હજુ કઈ ખાસ જાણતી નહોતી, છતાં અજય મારો પહેલો પ્રેમ બની ગયો હતો. સુસ્મિતા બપોરે તેના વિશે જે કહી રહી હતી એ યાદ કરી મને સુસ્મિતા ઉપર જલન અને ગુસ્સો આવી રહ્યો હતો. અજય વિશે બીજું કોઈ વિચારે હવે એ પણ હું સહન કરી શકતી નહોતી. મનમાં પાગલ જેવા વિચારો આવવા લાગ્યા. એમ પણ થતું કે મેડમનું કમ્પ્યુટર રોજ બગડી જાય અને અજય એને રીપેર કરવા માટે રોજ અહીંયા આવે અને હું એને રોજ જોઈ શકું. પણ એ થવાનું નહોતું. અજય સાથેની બીજી મુલાકાત ક્યારે થશે એમ વિચારી મન થોડું વ્યાકુળ બનવા લાગ્યું.

(શું કાવ્યા અને અજય ફરી મળી શકશે ? કાવ્યા અજય સાથે થયેલી મુલાકાતને તેની રૂમમેટને જણાવશે ? કોણ છે અજય શાસ્ત્રી ? જાણવા માટે વાંચતા રહો “હેશટેગ લવ” ના હવે પછીના પ્રકરણો…)

લે. નીરવ પટેલ “શ્યામ”
Author: GujjuRocks Team – નીરવ પટેલ “શ્યામ”
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.