દિલધડક સ્ટોરી નારી વિશે નીરવ પટેલ પ્રસિદ્ધ લવ-સ્ટોરી લેખકની કલમે

રહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની “હેશટેગ લવ” – ભાગ -7

હેશટેગ લવ -૭

એ લોકો મારી સામે જોઈ હસી રહ્યાં હતાં. પણ મેં કોઈ પ્રતિક્રિયા ના આપી. શોભના અને સુસ્મિતાએ દાંતથી બોટલ ખોલી. અને પીવા લાગ્યા. શોભનાએ બે ઘૂંટ મારી અને બોટલ મેઘનાના હાથમાં આપી. અને સુસ્મિતાએ મારી સામે બોટલ લાંબી કરી. મેં ના પાડી. અને એ ત્રણ પાછા હસવા લાગ્યા. સુસ્મિતાએ કહ્યું :

“શું થયું ડિયર ? પી લે. મઝા આવશે.”

“ના, હું ડ્રિન્ક નથી કરતી. તમે પી લો.”
મેં જવાબ આપ્યો. પણ એ લોકો હવે વધુ આજીજી કરવા લાગ્યા. શોભના અને મેઘના પણ મને કહેવા લાગ્યા. મેઘનાએ કહ્યું :

“અરે ગાંડી, આ દારૂ નથી. આ બિયર છે. અને એ પીવી શરીર માટે સારી છે.”

“દારૂ અને બિયર બધું સરખું જ કહેવાય. મારે નથી પીવી.”

મેં જવાબ આપ્યો અને હું ત્યાંથી ઊભી થઈ ગઈ. એ ત્રણ હવે વધુ જોરથી હસવા લાગ્યા. શોભનાએ કહ્યું : “અરે કાવ્યા, બેસ તો ખરી. ઓકે અમે તને ફોર્સ નહિ કરીએ બસ. પણ સાંભળ આ દારૂ નથી, આમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્કોહોલ આવે છે.”

“ગમેતેમ એમાં આલ્કોહોલ આવે છે તો ખરો જ ને. તમે લોકો પી લો. હું આવું થોડો આંટો મારીને.” જવાબ આપી હું દરિયાની નજીક ચાલવા લાગી.એ લોકો એમની પાર્ટી ચાલુ જ રાખી.
દરિયાની સામે જ થોડીવાર હું ઊભી રહી. મોજા દ્વારા આવતું પાણી મારા પગને સ્પર્શી રહ્યું હતું. ઝીણી ઝીણી રેતી મારા પગની આંગળીઓમાં ફસાઈ રહી હતી. એ પાણીના સ્પર્શવું, રેતીનું પગ ઉપર ઠલવાવવું મને ગમી રહ્યું હતું. થોડા પાછળ આવી મેં રેતીમાં મારું નામ ઘૂંટવાનું શરૂ કર્યું. નામ ઘૂંટયું અને મોજું આવી વહાવી એ નામને ભૂંસીને ચાલ્યું ગયું. હું ઊભી થઈ અને એ નામ જોતા જોતા પાછું વળીને ચાલવા જતી હતી ત્યાં જ એક છોકરા સાથે ટકરાઈ. હું પડવા જ જતી હતી પણ એને મને પકડી લીધી. અને એ છોકરો કહેવા લાગ્યો :

“સોરી, આર યુ ઓકે ?”
વાંક મારો જ હતો હું જોયા વગર જ પાછી વળી હતી. મારુ ધ્યાન રેતીમાં લખાઈને ભૂંસાયેલા મારા નામ તરફ હતું. પણ એ છોકરાએ મને સોરી કહ્યું તો મને પણ નવાઈ લાગી. બ્લેક કલરના ચશ્મા, વ્હાઈટ બોડી ફિટ ટી શર્ટ અને બ્લુ જીન્સમાં એ છોકરો ખૂબ જ આકર્ષક લાગી રહ્યો હતો. આ પહેલા આ પ્રકારે કોઈ છોકરા નો સ્પર્શ મેં અનુભવ્યો નહોતો. કોણ જાણે કેમ મને એનો સ્પર્શ અચાનક ગમી ગયો હતો. પણ મેં “આઈ એમ ઓકે” કહી નજર ફેરવી લીધી. એ પણ એના રસ્તે પાછું વળીને જોયા વગર જ ચાલવા લાગ્યો. પણ હું ચાલતાં જતાં એ છોકરા સામે જ જોવા લાગી. મને એ ગમવા લાગ્યો હતો. પણ આમ અચાનક કોઈનું ગમી જવું પણ થોડું આશ્ચર્ય પમાડે એવું હતું. માત્ર એના સ્પર્શથી, એના દેખાવથી કે એના માફી મંગવાના અંદાઝથી હું આકર્ષાઈ એ સમજી નહોતી શકતી. પણ મને એ ગમ્યો હતો.
હું જ્યાં બેઠા હતાં ત્યાં આવી. શોભના અને બીજા લોકોએ બોટલ ખાલી કરી અને બાજુ ઉપર મૂકી હતી. મને એમ હતું કે એ લોકોએ નશો કર્યો છે તો કંઈક લવારી કરતાં હશે. પણ એવું કંઈ ના થયું. પહેલાંની જેમ જ એ લોકો એકદમ નોર્મલ જ હતાં. નોર્મલ રીતે જ મારી સાથે વાતો કરી. થોડીવાર અમે ત્યાં હેઠા. બપોર થવા આવી. અને અમે હોસ્ટેલ તરફ જવા પાછા વળ્યા.
ફરી ને થાક્યા હોવાના કારણે થોડીવાર બધા બેડમાં આડા પડ્યા. મેં પણ સુવાનો પ્રયત્ન કર્યો પણ મારી સાથે ટકરાયેલા એ છોકરાનો સ્પર્શ જાણે મારા તન બદનને હચમચાવી રહ્યો હતો. કોણ હતો એ? શું નામ હતું એનું ? આ બધા પ્રશ્નો મારા મનમાં ઉઠી રહ્યાં હતાં. પણ જવાબ ના હું જાણતી હતી ના બીજું કોઈ. મારે માત્ર એને એક સપનાની માફક ભૂલી જવાનું હતું. હું તો એને યાદ પણ નહીં હોઉં. પણ એ મારા વિચારોમાંથી જવાનું નામ જ નહોતો લેતો. શોભના, સુસ્મિતા અને મેઘના સુઈ ગયા હતાં. એટલે મેં ડાયરી કાઢી મારા વિચારોને કલમ દ્વારા પાના ઉપર ઉતર્યા. મનમાં થોડી શાંતિ વળી.
સાંજે થોડીવાર બધા એ સાથે મસ્તી ભરી વાતો કરી. જમી અને સુઈ ગયા. સવારે રોજની જેમ હું અને મેઘના સાથે કૉલેજ જવા માટે નીકળ્યા. સુજાતા રોજ મારા પહેલાં આવી જતી. આજે એના ચહેરા ઉપર મને ઉદાસી દેખાઈ રહી હતી. મને એકવાર તો મન થયું કે એને પૂછી લઉં. પણ હું જાણતી હતી કે એ મને સાચું શું છે એ નહિ જણાવે. એટલે મેં કઈ પૂછ્યા વિના જ કલાસમાં ધ્યાન પરોવ્યું. કૉલેજ છૂટી હોસ્ટેલ પહોંચી. રોજની જેમ જ ડાયરી લખવી, થોડો આરામ કરવો, અને ક્યારેક હવે બહાર પણ નીકળવા લાગી. હોસ્ટેલની આજુબાજુના વિસ્તારથી હવે પરિચિત થવા લાગી હતી. મુંબઈમાં હું ભળવા લાગી હતી. હોસ્ટેલની આસપાસ કોઈ સારી જગ્યા તો નહોતી કે જ્યાં શાંતિથી બેસી શકાય. પણ મને હોસ્ટેલની પાછળ આવેલા સાંઈબાબા મંદિરમાં જવાનું ગમવા લાગ્યું હતું.
સાંજે છ વાગ્યાથી એક કલાક હવે હું ત્યાં જ પસાર કરવા લાગી. એ મંદિર રસ્તાની બાજુમાં હોવાના કારણે જોઈએ એટલી શાંતિ તો નહોતી. પણ એટલો કોલાહલ પણ નહોતો. માટે એ સ્થળ ઉપર બેસી રહેવાનું મન થાય એમ હતું. એકદિવસ હું મંદિરની બહાર નીકળી હોસ્ટેલ તરફ આવી રહી હતી ત્યારે એક સિગ્નલ ઉપર મારી નજર જુહુ બીચ ઉપર મારી સાથે ટકરાયેલા એ છોકરા ઉપર પડી. એને મને જોઈ નહોતી પણ મારી નજર એના ઉપર અટકી ગઈ. હું એને જ જોવા લાગી. એ સ્કૂટર ઉપર હતો. આજે એ ફોર્મલ ડ્રેસમાં હતો. સ્કાય બ્લુ રંગનો શર્ટ અને બ્લેક પેન્ટ. ખભા ઉપર એને બેગ પણ લટકાવેલી હતી. સાંજનો સમય હતો એટલે એ ઓફિસથી નીકળી ઘર તરફ જઈ રહ્યો હશે એમ મને લાગ્યું. સિગ્નલ ખુલતાં એ એના રસ્તા ઉપર સડસડાટ નીકળી ગયો. પણ મારા મનમાં એની યાદો પણ એના સ્કુટરની સ્પીડની જેમ પાછી આવી ચઢી. એના વિશે જાણવાની ઈચ્છા મનમાં સળવળી ઉઠી. મને એ ગમવા લાગ્યો હતો. પણ અવડા મોટા મુંબઈ શહેરમાં એક વ્યક્તિને કેમ કરી શોધવો ? મને એની તરફ આકર્ષણ હતું કે એ મારો પહેલો એક તરફી પ્રેમ હતો મને સમજાઈ રહ્યું નહોતું. પણ મને એના વિશે એ સમયે જાણવાની તાલાવેલી જરૂર જન્મેલી.
જના દિવસે જયારે હું એ સમયને યાદ કરું છું ત્યારે મારા જીવનમાં તકલીફો સિવાય બીજું કંઈ જ નથી દેખાતું. અત્યારે મને એમ થાય છે કે એ સમયે એ છોકરા સાથે હું ના ટકરાઈ હોત, એના વિશે મને આકર્ષણ ના જન્મ્યું હોત તો કેવું સારું હતું. મારા જીવનને અંધારા તરફ લઈ જવા પાછળ એ દિવસ બહુ મોટો ફાળો આપી જાય છે. આકર્ષણને પ્રેમમાં પરિણમતા વાર નથી લાગતી, પણ એના માટે મુલાકાતોનું સાતત્ય પણ જરૂરી છે અને એ અમારી વચ્ચે ધીમે ધીમે વધતું ગયું. એ છોકરા વિશે જાણવાની ઈચ્છા મને હવે રોજેરોજ થવા લાગી. જે સિગ્નલ ઉપર મેં એને જોયો હતો ત્યાં હવે એને જોવા માટે રોજ હું ઊભી રહેવા લાગી. એ ત્યાંથી ના પસાર થાય તો પણ હવે હું રોજ એ સિગ્નલ પાસે એજ સમયે ઊભી રહીને એની રાહ જોવા લાગતી.
રવિવારે અમે મરીન ડ્રાઈવ જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. હોસ્ટેલથી સવારે વહેલા નીકળી અમે ગેટ વેય ઓફ ઇન્ડિયા પહોંચ્યા. શોભનાએ મરીન ડ્રાઈવમાં સાંજે મઝા આવે એમ જણાવ્યું હતું. એટલે પહેલા ગેટ વેય ઓફ ઈન્ડિયા જોવા માટે ગયા. આ વખતે રિક્ષાને બદલે સીટીબસમાં જવાનું હતું. નવ વાગે અમે ગેટ વેય ઓફ ઇન્ડિયા પહોંચી ગયા. સવારથી જ એ સ્થળ ઉપર પર્યટકો ઉમટ્યા હતાં. ત્યાં અમે બોટમાં બેઠા. પાસે જ રહેલી તાજ હોટેલની ભવ્યતાને દૂરથી નિહાળી. બપોર સુધીનો સમય ત્યાં જ પસાર કર્યો. હોસ્ટેલનું જમવાનું જમી અને કંટાળેલા અમે આજે હોટેલમાં જમ્યા. ત્યાંથી નરીમન પોઇન્ટ અને સાંજના ચાર વાગ્યા સુધીમાં મરીન ડ્રાઈવ પહોંચી ગયા.

મરીન ડ્રાઈવનો નજારો જોતાં જ ગમી જાય એવો હતો. સામે અફાટ દરિયો વહી રહ્યો હતો અને એના કિનારે જ માનવ મહેરામણ જામેલું હતું. પણ અહીંયા બેઠેલા લોકો માન મર્યાદા અને સંસ્કારોને ગીરવે મુકેલા હોય એમ લાગવા લાગ્યું. ત્યાં સજોડે આવેલા યુવક યુવતીઓ કોઈની પરવા કર્યા વગર હાથમાં હાથ પરોવી તો કેટલાક હોઠમાં હોઠ પરોવી બેઠેલા જોવા મળ્યા. પથ્થરોની ઓથમાં બેઠેલા યુગલોને અલગ કરવાનું પાપ અહીંની પોલીસ પણ આદરી શકે એમ નહોતી. મને એ જગ્યા એટલી પસંદ ના આવી. પણ મુંબઈવાસીઓ માટે એ જગ્યા આકર્ષણનું કેન્દ્ર બની હતી. સાંજ થતાં ત્યાં મેળા જેવું વાતાવરણ જામતું. યુવાન યુવક યુવતીઓ ત્યાં પોતાનો પ્રેમલાપ કરવા માટે આવતા. તો યુવાની વટાવી ચૂકેલા વ્યક્તિઓ ચાલવા માટે. કેટલાક પ્રવાસીઓ પણ એ સ્થળને જોવા માટે આવતા. આસપાસના કેટલાક પરિવારના લોકો ચટ્ટાઈ લઈને ત્યાં કિનારે બેસવા માટે પણ આવતા. ઢળતાં સૂરજને જોવાનો લ્હાવો પણ ત્યાં લૂંટવાની મઝા હતી.
આ ભીડભાડ ભરેલા વિસ્તારમાં પણ હું પેલા છોકરાનો ચહેરો શોધી રહી હતી. ખબર હતી કે એ અહીંયા નહિ મળે છતાં હું એને શોધી રહી હતી. મારા મનમાં સતત થયા કરતું કે એ ક્યાંક દેખાઈ જાય પણ એ દૂર દૂર સુધી ક્યાંય કોઈ ચહેરામાં નજર ના આવ્યો. સુસ્મિતાએ મને આમ બધે જોતાં પકડી લીધી અને પૂછી પણ લીધું ;
“કોને શોધે છે ડિયર ?”

“કોઈને નહિ, બસ એમ જ” કહી મેં વાતને મેં પુરી કરી.

આજે તો અંધારું થતા સુધી અમે ફર્યા. ખૂબ જ મઝા કરી. ગયા રવિવારની જેમ આ રવિવારે પણ શોભના, સુસ્મિતા અને મેઘનાએ બિયર પીધી. રાત્રે જમી અને બધા સુઈ ગયા. બીજા દિવસે રાબેતા મુજબ જ કૉલેજ, હોસ્ટેલ, સાંઈબાબા મંદિર અને એ સિગ્નલ ઉપર રાહ જોવાનું શરૂ થઈ ગયું.

(શું એ છોકરા ને કાવ્યા મળી શકશે ?સુજાતાની ઉદાસીનું કારણ શું હતું ? જાણવા માટે વાંચતા રહો “હેશટેગ લવ” ના હવે પછીના પ્રકરણો આવતા મંગળવાર રાત્રે ૯:૩૦ કલાકે ફક્ત ગુજ્જુરોક્સ પર)

લેખક : નીરવ પટેલ “શ્યામ” (GujjuRocks Team)
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.