દિલધડક સ્ટોરી નીરવ પટેલ લેખકની કલમે

“હેશટેગ લવ” ભાગ-૧૬ – રહસ્ય અને રોમાંચથી ભરપૂર, પ્રેમ, પીડા, વાસના, દર્દને શબ્દોમાં દર્શાવતી કહાની

જુના ભાગ વાંચવા માટે અહીં ક્લિક કરો >>  All Parts

સુસ્મિતા સાથે રોજ વાતો કરી એના વિશે જાણવાની મારી ઈચ્છા વધતી ગઈ. ધીમે ધીમે એ પણ એની વાતો મને જણાવવા લાગી. એ જે છોકરાને પ્રેમ કરતી હતી તેનું નામ વિવેક હતું. વિવેક તેના ક્લાસમાં જ હતો. પણ કલાસ કરતાં કૉલેજના મેદાનમાં જ બેસવું તેને વધુ ગમતું. સિગરેટ અને શરાબનો શોખીન. સિસ્મિતાએ ઘણીવાર એને સિગરેટ અને શરાબથી દૂર રહેવા માટે કહ્યું. શરૂઆતમાં તો સુસ્મિતાની વાત તે માની લેતો અને એ હોય ત્યાં સુધી સિગરેટ ના પીવે. પણ હવે તો સુસ્મિતાની હાજરીમાં પણ એ સિગરેટ ફૂંકતો. મેં સુસ્મિતાને કહ્યું કે “જો આમ હોય તો તું શું કામ એની સાથે સંબંધ રાખે છે ?”

ત્યારે તેને જવાબ આપતાં કહ્યું : “મેં એને મારું બધું જ સોંપી દીધું છે. એકવાર તો મેં એબોર્શન પણ કરાવ્યું છે. ઘણીવાર મેં એને છોડી દેવાનું વિચાર્યું, પણ હું નથી કરી શકતી. એ મારા ઉપર ગુસ્સો પણ ઘણીવાર કરે છે. અને ક્યારેક પ્રેમથી સમજાવી પણ દે છે.” સુસ્મિતાની એબોર્શનની વાત સાંભળી મારા હોશ ઉડી ગયા. હું પણ અજય સાથે હવે બધા જ સંબંધ રાખવા લાગી હતી. સુસ્મિતાની વાતોમાં મને મારું ભવિષ્ય દેખાવવા લાગ્યું. પણ મને અજય ઉપર વિશ્વાસ હતો. એની સાથે તો મારે લગ્ન કરવા હતાં. મેં સુસ્મિતાને પણ પૂછ્યું કે તે વિવેકને લગ્ન માટે ના પૂછ્યું !!!

ત્યારે સુસ્મિતાએ જવાબ આપ્યો : “જ્યારે અમારો પહેલી વાર સંબંધ બંધાયો ત્યારે જ મેં એને પૂછ્યું હતું. લગ્ન માટે ત્યારે તો એને હા કહ્યું. પણ જ્યારે હું વિવેકથી ગર્ભવતી થઈ ત્યારે મેં એને લગ્ન કરી લેવા કહ્યું અને ત્યારે એને તરત ના કહી, એબોર્શન કરાવવા માટે કહ્યું. એને કહ્યું કે “હજુ આપણી ઉંમર લગ્ન કરવાની નથી, મારે લાઈફમાં સેટ થવું છે.” મને ત્યારે એબોર્શન કરાવવાની ઈચ્છા નહોતી. હું આ બાળકને જન્મ આપવા માંગતી હતી પણ બીજો કોઈ રસ્તો ના મળતા મારે એબોર્શન તરફ જવું પડ્યું.”

“આમ થયા પછી પણ તું હજુ એની સાથે સંબંધ કેમ રાખે છે ? એ તારો ખાલી ઉપયોગ કરે છે. બીજું કંઈ નથી.” મેં સુસ્મિતા તરફ થોડા ગુસ્સા સાથે પૂછી લીધું. “હું પણ એ ઘટના બાદ એની સાથે સંબંધ રાખવા નહોતી માંગતી, પણ કોણ જાણે કેમ મને એની આદત પડી ગઈ હતી. મને ખબર હતી કે એ મારો ફક્ત ઉપયોગ કરી રહ્યો છે છતાં પણ હું એને મળતી રહી અને સંબંધ બાંધતી રહી. જે પણ કઈ થતું હતું એમાં વાંક મારો પણ એટલો જ હતો. ”

આટલું બોલતા સુસ્મિતાની આંખો આંસુઓથી છલકાઈ ગઈ. મેં પણ પછી એને વધુ કઈ પૂછી દુઃખી કરવાનું ના વિચાર્યું. પણ એ દિવસથી મને સુસ્મિતાની ચિંતા વધવા લાગી. સુસ્મિતાની સાથે સાથે મને મારી પણ ચિંતા થવા લાગી. મેં પણ અજયને આડકતરી રીતે પૂછ્યું પણ એને મને વિશ્વાસ અપાવ્યો કે એ આવું નહિ થવા દે. મને અજય ઉપર વિશ્વાસ હતો. અને એજ વિશ્વાસ મને મારી ચિંતાથી દૂર રાખી રહ્યો હતો.

સુસ્મિતા સાથે વાતને થોડા દિવસ વીત્યા હશે ત્યાં એને મને બીજા દિવસે બપોરે એની સાથે હોસ્પિટલ જવા માટે કહ્યું. કૉલેજથી આવી એ જોબ પર નહોતી જવાની. શોભના અને મેઘનાને પોતાની તબિયત નથી સારી એમ જણાવી દીધું. મારા આવ્યા બાદ જમીને શોભના અને મેઘનાના નીકળ્યા બાદ હું અને સુસ્મિતા હોસ્પિટલ જવા માટે નીકળ્યા. હોસ્પિટલ જવાનું કારણ હું અને સુસ્મિતા બન્ને જાણતાં હતા. સુસ્મિતા બીજી વખત પ્રેગ્નેટ હતી. પહેલીવારના અનુભવ બાદ સુસ્મિતાને લાગતું જ હતું કે હું ફરીવાર પ્રેગ્નેટ થઈ છું. આજે હોસ્પિટલ જઈ અને જો તેની ધારણ સાચી હોય તો એબોર્શન જ કરાવવાનું હતું.

ડૉકટરે સુસ્મિતાને ચેક કરી તે ગર્ભવતી છે એ જાહેર કર્યું. સુસ્મિતાએ એબોર્શન કરવા માટે ડૉકટરને કહ્યું. પણ ડૉક્ટરે કહ્યું : “તમારો કેસ હવે કોમ્પ્લિકેટેડ છે, જો તમે એબોર્શન કરાવશો તો જીવનમાં ફરી ક્યારેય તમે મા નહીં બની શકો. પહેલાં બરાબર વિચારી લો શું કરવું છે પછી જ નક્કી કરો.”

Image Source Google

ડૉક્ટરના કહ્યા બાદ હું અને સુસ્મિતા બહાર આવ્યા. સુસ્મિતાની આંખોમાં આંસુ હતાં, સાથે મૂંઝવણ પણ. હું પણ આ સમયમાં કોઈ યોગ્ય સલાહ આપી શકું તેમ નહોતી. મેં એને કહ્યું કે તું વિવેકને જ વાત કર. ત્યારે એને કહ્યું : “મેં વિવેકને ગઈકાલે જ કહ્યું હતું કે હું બીજી વખત પ્રેગ્નેટ થઈ છું. પણ એને પહેલી વખતની જેમ જ આ વખતે જવાબ આપ્યા, ઉલ્ટાનો એ મારી ઉપર જ ગુસ્સે થયો અને કહ્યું કે ” તું ધ્યાન ના રાખી શકે ?” હું એની આગળ ઘણું રડી પણ એને કોઈ ફરક ના પડ્યો. અને છેલ્લે એને મને હવે ફરી ક્યારેય ના મળવાનું જણાવી દીધું.”

સુસ્મિતા મારી સામે જોર જોરથી રડી રહી હતી. હું એને સાંત્વના સિવાય કંઈ આપી શકવાની નહોતી. વિવેક માટે મારા હૃદયમાં ગુસ્સો ઉભરાઈ આવ્યો હતો. જો હું એને જાણતી હોત તો અત્યારે જ એની સાથે જઈને ઝગડો કરતી પણ મને એના નામ સિવાય બીજી કોઈ ખબર નહોતી.

એબોર્શન કરવું કે નહીં એ મોટો પ્રશ્ન અમારી સામે હતો. હું પણ આ માટે કઈ કહી શકું એટલી સક્ષમ નહોતી. સુસ્મિતા પણ બસ રડી જ રહી હતી. અડધો કલાક સુધી અમે બંને વેઇટિંગ એરિયામાં બેસી રહ્યાં. એક નર્સ અમારી પાસે આવીને કહેવા લાગી : “તમે શું નક્કી કર્યું ? જો એબોર્શન કરવાનું હોય તો અંદર આવી જાવ. નહિ તો જણાવી દો. ડૉક્ટર સાહેબને પછી કામથી બહાર જવાનું છે.”

સિસ્મિતાએ પોતાનું આંસુ લૂછયા.. નર્સને “બસ પાંચ મિનિટ” એમ કહી વોશરૂમ તરફ ગઈ. હું ત્યાં જ બેન્ચ ઉપર બેસી રહી. થોડી જ વારમાં એ પોતાના દુપટ્ટાથી મોઢું લૂછતાં મારી પાસે આવી ને કહ્યું : “ચાલ, મેં નક્કી કરી લીધું છે કે હવે એબોર્શન જ કરાવી લઈશ.” મને ડોકટરના શબ્દો યાદ આવ્યાં કે “સુસ્મિતા ફરી મા નહીં બની શકે.” એના ભવિષ્યની મને ચિંતા થવા લાગી અને મેં પૂછ્યું : “પણ ડૉક્ટરે તો કહ્યું હતું કે…”

મને વચ્ચે જ રોકતાં સુસ્મિતા બોલી : “ભવિષ્યમાં જે થશે એ હું સહન કરી લઈશ. પણ કુંવારી મા બની મારા માતા પિતા પાસે હું કેવી રીતે જઈ શકીશ ? એમને હું શું મોઢું બતાવીશ ? સમાજમાં મારા પપ્પાની શું ઈજ્જત રહેશે ? એના કરતાં એબોર્શન કરાવવું જ બરાબર છે.”

સુસ્મિતાના નિર્ણય સામે હું કઈ બોલી ના શકી. એની સાથે જ હું ડૉકટરની રૂમમાં ગઈ. ડૉકટરે પણ તેને બે વખત પૂછ્યું તેના નિર્ણય માટે. પણ સુસ્મિતા પોતાના નિર્ણય માટે અડગ હતી. મને બહાર બેસાડી સુસ્મિતાને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી.

વેઇટિંગ એરિયામાં હું એકલી જ બેઠી હતી. સુસ્મિતાના વિચારો કરતાં મારી આંખોમાં પાણી હતું. વિવેક માટે ગુસ્સો પણ. વિવેક સાથે અજયની તુલના કરવા લાગી. અજયને કોઈ વ્યસન નહોતું એ તો મને ખબર હતી. પણ અજય આવું ક્યારેય નહીં કરે એ પણ મને વિશ્વાસ હતો. હું વિચારોમાં ખોવાયેલી હતી ત્યાં જ એક નર્સ મારી પાસે આવી અને કહ્યું : “તમારી ફ્રેન્ડને વૉર્ડમાં શિફ્ટ કરી છે. બે કલાક પછી તમે એને ઘરે લઈ જઈ શકો છો.”

હું ત્યાંથી ઊભી થઈ અને વૉર્ડ તરફ ચાલવા લાગી. સુસ્મિતા હજુ પુરા ભાનમાં નહોતી આવી. હું એની પાસે બેઠી. એના માથે હાથ ફેરવવા લાગી. તેની બંધ આંખો રડવાના કારણે થોડી સુજેલી દેખાઈ રહી હતી. થોડીવારમાં જ એ ભાનમાં આવી. ધીમે ધીમે પોતાની આંખો ઊંચી કરી. મેં એને પૂછ્યું : “તું બરાબર તો છે ને ?” જવાબમાં તેને પોતાની ડોક હલાવી હા કહ્યું. આંખો ખુલતાં તેની આંખોના આંસુ પણ ખુલી ને વહેવા લાગ્યા.

બે કલાક પછી હું એને લઈ હોસ્ટેલ પહોંચી. સાંજના છ વાગવા આવ્યા હતાં. રૂમમાં અમે બંને એકલા જ હતાં.મેં તેને આરામ કરવા કહ્યું. પણ એને કહ્યું “આપણે અગાશી પર જઈને બેસીએ.” શોભના અને મેઘનાને આવવાની હજુ ઘણીવાર હતી. અમે બંને અગાશી પર જઈને બેઠા. સુસ્મિતાની આંખોમાં આ સમયે આંસુઓ નહોતાં. તે થોડી મક્કમ બની ચુકી હતી. મારો હાથ પકડી એ મને કહેવા લાગી.

“કાવ્યા, આપણી ભૂલ આપણને જ તકલીફ આપે છે. હું મુંબઈ આવી ત્યારે મેં નહોતું વિચાર્યું કે મારા જીવનમાં કોઈ આવશે. હું તો અહીંયા માત્ર ભણવા માટે જ આવી હતી. પણ વિવેક મળી ગયો અને મારું આખું જીવન બદલાઈ ગયું. આજે દુઃખ મને એબોર્શન કરાવ્યાનુ નથી, પણ આજે દુઃખ મને વિવેકે આ સમયમાં પણ મારો સાથ ના આપ્યો એનું છે. જો એ આ સમયે .મારી સાથે ઊભો હોત તો આજે પણ મારા દિલમાં એના માટે ખૂબ જ પ્રેમ હોતો. ભલે એને મારી સાથે લગ્નના કર્યા હોત. હું એમ જ આખું જીવન પસાર કરી શકતી. મા બનવું દરેક સ્ત્રીને ગમતું હોય છે. પણ આજે એ સૌભાગ્ય પણ હું ગુમાવી બેઠી. એમાં હું વિવવકની ભૂલ નથી માનતી. ભૂલ મારી જ છે કે મેં તેના ઉપર આટલો વિશ્વાસ કરી બધું જ તેને સોંપી દીધું. પહેલી વખત જ્યારે એબોર્શન કરાવ્યું ત્યારે જ કદાચ હું વિવેકથી દૂર થઈ ગઈ હોત તો આજે પરિસ્થિતિ સાવ જુદી હોતી. એ સમયે તકલીફ જરૂર પડતી. થોડા દિવસ રડવાનું થતું. એની યાદ આવતી પણ આજે જે થયું એ તો ના જ થતું.”

હું મૌન બનીને સુસ્મિતાને બોલતાં સાંભળી રહી હતી. સુસ્મિતાના જીવનની ઘણી વાતો જાણે મારા જીવન સાથે જોડાયેલી હોય એમ લાગવા લાગ્યું. હું પણ મુંબઈમાં ભણવા માટે જ આવી હતી પણ અજય મને મળી ગયો. સુસ્મિતાએ જેમ પોતાનું સર્વસ્વ વિવેકને સોંપ્યું તેમ મેં પણ અજયને મારું સર્વસ્વ સોંપી દીધું હતું. ફર્ક માત્ર વિશ્વાસનો હતો. આજે સુસ્મિતાને વિવેક ઉપર વિશ્વાસ નહોતો અને મને આજે પણ અજય ઉપર પૂરો વિશ્વાસ છે. મારો હાથ થોડો વધુ દબાવતા સિસ્મિતાએ કહ્યું :

Image Source Google

“કાવ્યા. તું જેને પ્રેમ કરું છું તેના ઉપર તને ભલે ગમે તેટલો વિશ્વાસ હોય. પણ ક્યારેય આંધળી ના બનતી. જો કોઈ દિવસ મારા જેવું કંઈ બને તો તરત જ એ વ્યક્તિથી દૂર થઈ જજે. ભૂલ એક જ વખત કરાય. વારે વારે કરીએ એને પછી મૂર્ખામી કહેવાય. જે ભૂલ મેં કરી છે એ હું નથી ઇચ્છતી કે બીજું કોઈ પણ કરે. આ મુંબઈ છે. માયા નગરી. અહીંના લોકો આપણા ગુજરાત જેવા માયાળુ નહિ પણ માયા કરી છેતરી જનારા છે.”

સુસ્મિતાની વાતો તેના જીવનના અનુભવો ઉપરથી આવી રહી હતી. અને તે સાચું જ કહી રહી હતી. એને જે વિવેકને બીજો ચાન્સ આપી અને ભૂલ કરી છે તેના કારણે જ તે આજીવન મા નહીં બની શકવાની સજા ભોગવવાની છે. તે મારા કરતાં પણ પહેલાથી મુંબઈમાં રહી છે. મારા કરતાં તે વધુ અનુભવી પણ છે. મેં પણ તેની એક વાતની ગાંઠ બાંધી. અજય પર મને ભલે પૂરો વિશ્વાસ રહ્યો પણ જો એ કોઈ દિવસ મને છેતરતો હોય કે મારો ફાયદો ઉઠાવતો હોય એમ લાગશે ત્યારે હું એનો સાથ છોડી દઈશ.

મોડા સુધી અમે અગાશી પર જ બેસી રહ્યા. રાત્રે મેઘના અને શોભના આવ્યા પછી સાથે જ જમવા ગયા. શોભના અને મેઘનાને સુસ્મિતા વિશે ખબર પડવા દેવાની નહોતી. સુસ્મિતાએ એ લોકોને ના કહેવા માટે મને કસમ આપી બાંધી દીધી હતી. કારણ કે એ શોભનાનો ગુસ્સો જાણતી હતી. જો એને ખબર પડે તો એ વિવેકને કૉલેજની વચ્ચે લાફો મારી દે એમાંની હતી. આજે સુસ્મિતાએ કહ્યું કે આપણે ટીવી જોવા નથી જવું. રૂમમાં જ બેસીને વાતો કરીએ. અને બધાએ તૈયારી પણ બતાવી. એમ પણ ટીવી આવ્યા બાદ ખાસ ક્યારેય અમે ચાર એક સાથે બેઠા જ નહોતા. હોસ્ટેલની બધી છોકરીઓ નીચે ટીવી જોઈ રહી હતી ત્યારે અમે રૂમમાં બેસીને ગપ્પા મારવા લાગ્યા. સુસ્મિતા પણ હસી રહી હતી એ જોઈને મને આનંદ થયો. મિત્રોની સાથે બેસીને દુઃખ જાણે પળવારમાં ગાયબ થઈ જતું હોય એ આજે હું જોઈ શકતી હતી. થોડીવાર પહેલા રડતી એ સુસ્મિતા ખડખડાટ હસી રહી હતી.

ઘણાં બધાં દિવસે રાત્રે મોડા સુધી અમે ગપ્પા મારતાં રહ્યા અને ખડખડાટ હસતાં રહ્યાં. બીજા દિવસે રવિવાર હતો એટલે કૉલેજ જવાની કે વહેલું ઉઠવાની ચિંતા નહોતી. રાત્રે બે વાગે ના ઈચ્છા હોવા છતાં સુવા માટે ગયા. મેં સુસ્મિતા તરફ જોઈ ઝીણું હાસ્ય આપ્યું. જવાબમાં તેને પણ મને હાસ્ય સાથે આંખો નમાવી આભાર કહ્યો.

(સુસ્મિતા હવે પછી શું કરશે ? શું સુસ્મિતા વિવેકને હજુ એક ચાન્સ આપશે ? સુસ્મિતા અને વિવેકના સંબંધથી કાવ્યાના સંબંધ ઉપર કેવી અસર પડશે? જાણવા માટે વાંચતા રહો “હેશટેગ લવ” ના હવે પછીના રોમાંચક પ્રકરણો.)

Author: નીરવ પટેલ “શ્યામ” – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks