ગુજરાત અને લખનઉની મેચ પહેલા ભાઈ હાર્દિક પંડ્યાએ કૃણાલ પંડ્યાને ગળે લગાવીને આપ્યું ચુંબન, સંઘર્ષ ભરેલી છે બંને ભાઈઓની કહાની

ગઈકાલે IPLમાં જબરદસ્ત મેચ જોવા મળી. ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે દિલ ધડક મેચ યોજાઈ, આ મેચ દર્શકો માટે એટલે પણ ખાસ હતી કે આ બંને ટીમો આઇપીએલમાં પહેલીવાર રમવા માટે ઉતરી છે, અને પહેલીવાર પંડ્યા બ્રધર્સ પણ અલગ અલગ ટીમમાંથી રમી રહ્યા છે.

ગુજરાત ટાઇટન્સના કપ્તાન હાર્દિક પંડ્યા અને તેના મોટાભાઈ કૃણાલ પંડ્યા અત્યાર સુધીની સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી સાથે રમતા હતા પરંતુ આ વર્ષે બંને ભાઈઓ અલગ થઇ ગયા છે. જ્યાં હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સની કમાન સંભાળી રહ્યા છે ત્યાં મોટાભાઈ કૃણાલ પંડ્યા લખનઉ જાયન્ટ્સમાં પોતાનું ઓલરાઉન્ડર પર્ફોમન્સ આપી રહ્યા છે.

ત્યારે ગઈકાલની મેચમાં આ બંને ભાઈઓ વચ્ચેની ટક્કર પણ જોવા મળી અને મોટાભાઈ કૃણાલ પંડ્યાએ બોલિંગમાં નાના ભાઈ હાર્દિક પંડ્યાનો શિકાર પણ કર્યો, પરંતુ હાર્દિક પંડ્યાની વિકેટ લીધા બાદ કૃણાલના ચહેરા ઉપર ખુશી જોવા મળી નહોતી, તેને સેલિબ્રેટ પણ કર્યું નહોતું. ત્યારે દર્શકોને પણ આ ઘટના ખુબ જ રોમાંચક લાગી હતી.

રોમાંચક મેચમાં ગુજરાતે લખનઉને 5 વિકેટે હરાવ્યું હતું. ઘણા યુવા ખેલાડીઓએ બંને ટીમો માટે શાનદાર પ્રદર્શન કર્યું. આ ઉપરાંત હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા પ્રથમ વખત એકબીજા સામે રમતા જોવા મળ્યા હતા. ચાહકોને બંને ટીમના કેપ્ટન કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાની મિત્રતા પણ પસંદ આવી હતી.

મેચ શરૂ થતા પહેલા પણ બંને ભાઈઓ વચ્ચે મેદાનમાં મસ્તી પણ થતી જોવા મળી હતી. IPLના ઈતિહાસમાં આ પહેલીવાર થયું જયારે હાર્દિક અને કૃણાલ પંડ્યા બે અલગ-અલગ ટીમનો ભાગ બન્યા છે. મેચ દરમિયાન કૃણાલ પંડ્યાને ભાઈ હાર્દિક પંડ્યા પ્રેમથી ગળે લગાડતો અને ચુંબન કરતો જોવા મળ્યો હતો. તો આ બંને ભાઈઓની સંઘર્ષ કહાની પણ ખુબ જ ભાવુક કરી દેનારી છે.

ગત દિવસોમાં યુટ્યુબ ચેનલ પર આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન હાર્દિક અને તેના ભાઈ કૃણાલે તેમના જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો જાહેર કર્યા હતા. હાર્દિકે પોતાની સાથે જોડાયેલી એવી વાતો પણ કહી જે ફેન્સ ભાગ્યે જ જાણે છે. બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ શો દરમિયાન હાર્દિકે કહ્યું હતું કે, ‘મને હજુ યાદ છે કે હું નાનો હતો ત્યારે ઢાબા પર જતો નહોતો. જાય તો પણ માને વળગી રહેતો. હું સાવ કાળો હતો અને ઢાબા પર નાના બાળકો પણ મારા જેવા જ દેખાય છે. સાચું કહું તો ઘણી વાર જ્યારે હું હાથ ધોવા જતો ત્યારે લોકો મને આ પ્લેટ લઈ લે, ઓર્ડર લઇ લે એમ કહેવા લાગતા.

હાર્દિકે વધુમાં કહ્યું કે, ‘આ જ કારણ હતું કે હું મારી માતાને છોડીને ન ગયો. નાનપણથી મેં ઘણું સહન કર્યું છે. આ વાત મેં ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં પણ ઘણી વખત શેર કરી છે.હાર્દિકની વાત સાંભળીને તેનો ભાઈ કૃણાલ મસ્તીભર્યા અંદાજમાં કહે છે, ‘જો ઢાબામાં પાંચ બાળકો હોય, જે કામ કરે છે, તેમનામાં પણ એક કેટેગરી હોય છે.  હેન્ડસમ, પછી ઓછા હેન્ડસમ… એમાં પણ હાર્દિક પાંચમા નંબરે આવતો હતો.

આ ઉપરાંત હાર્દિક પંડ્યાએ સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “એક સમયે મારી પાસે બેન્કમાં હજાર રૂપિયા પણ નહોતા. ત્યારે મુંબઈએ મને પસંદ કર્યો અને કારકિર્દીને યોગ્ય દિશા આપી દીધી. મુંબઈ સાથે જોડાયાના એક વર્ષે મારું આખું જીવન બદલી નાખ્યું હતું. હું અને કૃણાલ જ્યારે IPLમાં જોડાયા અને ચેમ્પિયન બન્યા ત્યારે સૌથી વધારે ખુશ મારાં માતા-પિતા થયાં હતાં. તેમણે જીવનના દરેક પાસામાં બંને ભાઈનો સારો ઉછેર કર્યો છે.”

Niraj Patel