IPL 2022: રન આઉટ થવા પર ડેવિડ મિલર પર અકળાયો કેપ્ટન હાર્દિક પંડ્યા, વીડિયો થયો વાયરલ

હાલ તો IPLનો માહોલ ચાલી રહ્યો છે, આ વખતે બે નવી ટીમનો ઉમેરો થયો છે.આ ટીમમાં ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપરજાયન્ટ્સનો સમાવેશ થાય છે. ગુજરાત ટાઇટન્સ IPL 2022માં સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખે છે. શુક્રવારે એટલે કે 8 એપ્રિલના રોજ રમાયેલી 16મી મેચમાં ગુજરાતે પંજાબ કિંગ્સને છ વિકેટે હરાવ્યું હતું.આ રોમાંચક મેચમાં રાહુલ તેવટિયાએ છેલ્લી ઓવરમાં સતત બે છગ્ગા ફટકારીને ગુજરાતની ટીમને વિજય અપાવ્યો હતો. જ્યારે હાર્દિક પંડ્યા મેચમાં રનઆઉટ થયો ત્યારે તેણે પોતાનો ગુસ્સો એક ખેલાડી પર ઠાલવ્યો હતો.

ડેવિડ મિલર અને કેપ્ટન હાર્દિક પંડ્યા ક્રિઝ પર હાજર હતા. પંજાબ તરફથી ઓડિયન સ્મિથ બોલિંગ કરી રહ્યો હતો. ઓવરના પહેલા બોલ પર ડેવિડ મિલર સંપૂર્ણ રીતે પીટાઈ ગયો હતો, પરંતુ તે પછી પણ બંને બેટ્સમેન રન લેવા માટે દોડ્યા હતા. હાર્દિક પંડ્યા વિકેટકીપર જોની બેરસ્ટોના થ્રો પર રનઆઉટ થયો હતો. આઉટ થયા બાદ હાર્દિક પંડ્યા પણ સાથી ડેવિડ મિલરથી નારાજ દેખાયો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.હાર્દિક પંડ્યાની આ પ્રતિક્રિયાથી ડેવિડ મિલર પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

મેચની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સને છેલ્લા બે બોલમાં 12 રનની જરૂર હતી. ત્યારે રાહુલ તેવટિયાએ ઓડિયન સ્મિથના બોલ પર સતત બે સિક્સર ફટકારીને ટીમને યાદગાર જીત અપાવી હતી. ગુજરાત તરફથી ઓપનર બેટ્સમેન શુભમન ગિલે સૌથી વધુ 96 રનની ઇનિંગ રમી હતી. બીજી તરફ સાઈ સુદર્શને 35 અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ 27 રનનું યોગદાન આપ્યું હતું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે નવ વિકેટે 189 રન બનાવ્યા હતા.

IPLમાં ગુજરાત ટાઈટન્સની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમે તેની ત્રણેય મેચ જીતી છે. ટીમ પાસે શુભમન ગિલ અને મેથ્યુ વેડ જેવા શાનદાર ઓપનર છે. તે જ સમયે, તેની પાસે મિડલ ઓર્ડરમાં હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર અને રાહુલ તેવટિયા છે. આવી સ્થિતિમાં આ ટીમ આ વખતે ટાઈટલ માટે પ્રબળ દાવેદાર તરીકે જોવામાં આવી રહી છે.

Shah Jina