આને કહેવાય કોન્ફિડન્સ, જીતનો છગ્ગો મારતા પહેલા હાર્દિક પંડ્યાએ કાર્તિકને કર્યો ઈશારો, વીડિયો વાયરલ થતા જ લોકોએ કહ્યું, “ભાઈ સંભાળી લેશે !”

ભારત અને પાકિસ્તાનની મેચનો રોમાંચ જ કંઈક ઓર હોય છે, જયારે ભારત પાકિસ્તાનની મેચ હોય ત્યારે લોકો ટીવીની સામેથી હટવાનું નામ નથી લેતા. રોડ રસ્તા ઉપર પણ જાણે કર્ફયુ લાગી ગયો હોય તેવો માહોલ સર્જાતો હોય છે. ત્યારે છેલ્લે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 308 દિવસ પહેલા રમાઇ હતી, અને ત્યારે ભારતની હાર થઇ હતી. આ હારનો બદલો લેવા માટે ભારતીય ટીમ રાહ જોઈ રહી હતી, ત્યારે ગઈકાલે એ દિવસ આવી ગયો અને ભારતે પાકિસ્તાનને હારનો સ્વાદ ચખાડ્યો. આ જીતનો હીરો હાર્દિક પંડ્યા રહ્યો.

6 મહિના પહેલા સુધી હાર્દિક પંડ્યાની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હોવાનું માનવામાં આવતું હતું. સતત ઈજાથી પીડાતો હાર્દિક બોલિંગ કરવામાં અસમર્થ હતો. મુંબઈ ઈન્ડિયન્સ જેને તે શોધનાર કહેવાય છે તેણે આઈપીએલની હરાજી પહેલા તેને જાળવી રાખ્યો ન હતો. આ બધા પછી હાર્દિકે IPL 2022માં ગુજરાત ટાઇટન્સના કપ્તાન તરીકે પુનરાગમન કર્યું. બોલ અને બેટથી ટીમને ચેમ્પિયન બનાવી અને ત્યારથી તેણે પાછું વળીને જોયું નથી. તેનામાં જબરદસ્ત આત્મવિશ્વાસ છે. આ એશિયા કપ પાકિસ્તાન સામેની મેચમાં પણ જોવા મળ્યું હતું.

ભારતીય ટીમને અંતિમ 4 બોલમાં જીતવા માટે 6 રનની જરૂર હતી. હાર્દિકે આગળનો બોલ કવર તરફ રમ્યો પણ તે સીધો ફિલ્ડરના હાથમાં ગયો. હવે 3 બોલમાં 6 રનની જરૂર હતી. દરેક વ્યક્તિ દબાણ અનુભવી રહ્યો હતો. નોન-સ્ટ્રાઈકર છેડે ઉભેલા દિનેશ કાર્તિકે પંડ્યાને કંઈક કહ્યું. આ પછી પંડ્યાનો ઈશારો તેનો આત્મવિશ્વાસ દર્શાવે છે. જાણે એ ઈશારાથી કહી રહ્યો હોય કે ચિંતા ના કર, હું છું ને !”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

બીજા જ બોલ પર હાર્દિક પંડ્યાએ લોંગ ઓન પર સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. આ પહેલા 19મી ઓવરમાં હાર્દિકે હરિસ રઉફ સામે ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે 17 બોલમાં 33 રન બનાવ્યા હતા. તેની આ ઇનિંગમાં 4 ફોર અને 1 સિક્સ સામેલ હતી. ત્યારે હવે હાર્દિકની બેટિંગની ઠેર ઠેર પ્રસંશા થઇ રહી છે. સિક્સ મારતા પહેલાનો તેનો આત્મવિશ્વાસ દર્શાવતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

હાર્દિક પંડ્યાની જીતની સિક્સર સાથે દિનેશ કાર્તિક તેની સામે ઝૂકી ગયો. રવિન્દ્ર જાડેજાના આઉટ થયા બાદ છેલ્લી ઓવરમાં દિનેશ કાર્તિક બેટિંગ કરવા આવ્યો હતો. તેણે એક રન બનાવ્યો. ટીમ મેનેજમેન્ટે યુવા વિકેટકીપર રિષભ પંતને બહાર રાખીને પ્લેઈંગ ઈલેવનમાં કાર્તિકનો સમાવેશ કર્યો હતો.

Niraj Patel