ગુજરાતી સિનેમાનો પણ એક મોટો ચાહકવર્ગ છે, એ ભલે પછી અર્બન ફિલ્મો હોય કે રૂરલ ફિલ્મો. ઘણી એવી ગુજરાતી ફિલ્મો આવી છે જે દર્શકોની વાહવાહી લૂંટી ગઈ છે, ગુજરાતી ફિલ્મોના ઘણા એવા કલાકારો છે, જેમને દર્શકોના દિલમાં એક આગવી જગ્યા બનાવી લીધી છે. પરંતુ ઘણા એવા કલાકારો છે જે પડદાં ઉપર આજે જોવા નથી મળતા છતાં ચાહકોના દિલમાં રાજ કરે છે.
આજે તમને એક એવી જ અભિનેત્રી વિશે જણાવીશું જેમને એક સમયે ગુજરાતી ફિલ્મોમાં રાજ કર્યું હતું અને અચાનક તે ગુજરાતી ફિલ્મોથી દૂર ચાલ્યા ગયા. “મૈયરમાં મનડું નથી લાગતું” જેવી સુપરહિટ ફિલ્મ આપીને આનંદી ત્રિપાઠીએ ગુજરાતના દરેક ઘરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી.
વર્ષો બાદ આનંદી ત્રિપાઠી ગુજરાતી સિનેમાના પડદા ઉપર પાછી એન્ટ્રી કરી રહ્યા છે. આનંદી ત્રિપાઠી આવનારી ફિલ્મ “હલકી ફૂલકીમાં” નજર આવવાના છે, આ ફિલ્મને લઈને પણ તેમના ચાહકોમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજ્જુરોક્સની ટીમ દ્વારા આનંદી ત્રિપાઠી સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. ગુજ્જુરોક્સ ટીમની ખાસ વાતચીતમાં અમે આનંદી ત્રિપાઠીને સવાલ પૂછ્યો હતો કે “આટલા વર્ષોથી ગુજરાતી સિનેમાથી દૂર થઈને આપને કેવું લાગ્યું ?” ત્યારે તેમને જવાબ આપ્યો હતો કે “હું ફિલ્મી દુનિયાથી દૂર ગઈ જ નથી, હું હિન્દી ટીવી સિરિયલોમાં વ્યસ્ત હતી.”
તમને જણાવી દઈએ કે આનંદી ત્રિપાઠીએ ગુજરાતી સિનેમા બાદ પોતાનું બીજું કદમ હિન્દી ધારાવાહિકોમાં મૂક્યું. તેમને ઝી ટેલીવિઝન પર આવતી સિરિયલ ‘વો આપના સા’ અને લાઈફ ઓકે પર આવતી સિરિયલ ‘નાગાર્જુન એક યોદ્ધા’માં કામ કર્યું. આમ આનંદી ત્રિપાઠીએ ગુજરાતી ફિલ્મો સિવાય હિન્દી સિરિયલમાં પણ કામ કરી તેના અભિનયની અદાથી દર્શકોને મોહિત કર્યા છે.
“હલકી ફુલકી” ફિલ્મમાં આનંદી ત્રિપાઠીને આવવા ઉપર શું અનુભવ થયો ? આ સવાલ વિશે જણાવતા તેમને કહ્યું હતું કે, “હું ઘણા સમયથી સારી વાર્તાઓની શોધમાં હતી, ઘણી ફિલ્મોની ઓફર આવતી, પરંતુ વાર્તા અને સેટઅપ ના ગમતા હું ના પાડતી હતી. પરંતુ જ્યારે “હલકી ફુલકી” ફિલ્મની ઓફર આવી ત્યારે મેં વાર્તા સાંભળી અને ફિલ્મ માટે હા પાડી. અને આજે મને એ વાતની ખુશી છે કે મારી પસંદગી સાચી હતી.”
આનંદી ત્રિપાઠી એક લાંબા સમય બાદ અર્બન સિનેમામાં પરત ફરી રહ્યા છે, ત્યારે તેમને રૂરલ ગુજરાતી સિનેમા અને અર્બન ગુજરાતી સિનેમા વચ્ચે તેમને કેવો અનુભવ રહ્યો એ વિશેનો પણ સવાલ કરવામાં આવ્યો હતો અને તેમને આ તફાવત અને તેમના અનુભવનું ખુબ જ સરસ વર્ણન કર્યું હતું.
આનંદી ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, “મારી શરૂઆતની ફિલ્મોનું બેકગ્રાઉન્ડ રૂરલ જરૂર રહ્યું, પરંતુ હું ફિલ્મને અર્બન કે રૂરલ કેટેગરીમાં નથી માનતી. ફિલ્મો.. ફિલ્મો જ હોય છે. એક અદાકારા તરીકે મને ગામડાની છોકરી બનવાનો કે શહેરની બનવામાં હું ફિટ છું. હા ટેકનીકમાં ચોક્કસ પરિવર્તન આવ્યું છે પરંતુ તે સારા માટે છે.”
જયારે આનંદી ત્રિપાઠીને પૂછવામાં આવ્યું કે, “આટલા અનુભવમાં તમારી સૌથી યાદગાર ફિલ્મ કઈ રહી ?” ત્યારે તેમને પોતાના જવાબમાં ગુજરાતીઓની મનગમતી ફિલ્મ “મૈયરમાં મનડું નથી લાગતું” ફિલ્મનું નામ જણાવ્યું હતું. આનંદી ત્રિપાઠીએ પોતાના અભિનયકાળમાં ઘણા બધા ખ્યાતનામ કલાકારો સાથે કામ કર્યું છે, ત્યારે અમે તેમને પૂછ્યું કે, “ક્યાં અભિનેતા સાથે કામ કરવાનું તમે વધુ પસંદ કરો છો ?” ત્યારે જવાબમાં તેમને જણાવ્યું કે, “હું દરેક કલાકાર સાથે કામ કરવાનું પસંદ કરું છું.”
જે ફિલ્મ દ્વારા આનંદી ત્રિપાઠી અર્બન ગુજરાતી સિનેમામાં કમબેક કરી રહ્યા છે, તે ફિલ્મ “હલકી ફુલકી” ફિલ્મના શૂટિંગ દરમિયાનનો અનુભવ કેવો રહ્યો ?, આ સવાલના જવાબમાં તેમને જણાવ્યું, “ફિલ્મના નામ પ્રમાણે ‘હલકી ફુલકી’ ખરેખર ખુબ જ મજા આવી. સાચું કહુ તો પહેલા લોકડાઉન પછીના ઘણા બધા રિસ્ટ્રિક્શનમાં પણ ઘણી બધી મજા આવી. એમ સમજો કે ફિલ્મની દસ દસ છોકરીઓ પીકનીક ઉપર આવી હોય તેમ આનંદ ઉલ્લાસમાં કોઈપણ જાતના દબાવ વિના શૂટિંગ કર્યું, યાદગાર અનુભવ.” હલકી ફુલકી” ફિલ્મ વિશે તમારા શબ્દોમાં શું કહેશો ? અને શા કારણે દર્શકોએ “હલકી ફુલકી” જોવી જોઈએ ? આ સવાલના જવાબમાં તેમને કહ્યું, “આ ફિલ્મ મારી, તમારી, આપણા સૌની એક જ વાત છે.”
“હલકી ફુલકી” ફિલ્મના ડાયરેક્ટર જયંત ગિલાટર વિશે તમે શું કહેશો ? તમારી એમની સાથે મુલાકાત કેવી રીતે થઇ ?” આ સવાલનો જવાબ આપતા આનંદી ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, “જયંતજી અને મારા કોમન ફ્રેન્ડ દિગ્દર્શક જીતેન પુરોહિતે અમારી મુલાકાત કરાવી. ત્યારે જયંતજી “નટસમ્રાટ” કરવાની તૈયારીમાં હતા. પરંતુ એ કદાચ મારા લાયક હોય ના હોવાથી આ ફિલ્મ અમે ના કરી શક્યા. પરંતુ જયારે જયંતજી “હલકી ફુલકી”ની શરૂઆત કરતા હતા ત્યારે તેમને મને બોલાવી અને આ ફિલ્મ શેર કરી. મને વાર્તા, રોલ, સેટઅપ બધું જ ગમી ગયું. અને આ ફિલ્મ સાઈન કરી.”
જયંત ગિલાટરના વ્યક્તિત્વ વિશે વાત કરતા આનંદી ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, “જયંતજી વિશે શું કહું ? તે જેટલા સારા ડાયરેક્ટર છે એટલા જ સારા વ્યક્તિ. એમની સાથે કામ કરવાથી ઘણું બધું શીખવા મળ્યું.” ગુજરાતી ફિલ્મો અને હિન્દી ધારાવાહિકો ઉપરાંત આનંદી ત્રિપાઠી હિન્દી ફિલ્મમાં પણ જોવા મળવાના છે. તેમને પુછવામાં આવ્યું કે “તમે જીતેન પુરોહિત સાથે એક હિન્દી ફિલ્મ કરી રહ્યા હતા તેનું શું થયું ?”
આ સવાલનો જવાબ આપતા આનંદી ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, “અનફોર્ચ્યુનેટલી ગયા વર્ષે એ ફિલ્મ ફ્લોર ઉપર જવા સમયે જ લોકડાઉન આવી જવાના કારણે તે ફિલ્મ અટકી ગઈ. પરંતુ ઉપરવાળાના આશીર્વાદથી આશા છે કે જીતેન પુરોહિત સાથે મારી હિન્દી ફિલ્મ 2022માં ફ્લોર ઉપર જશે.
આનંદી ત્રિપાઠી સાથેની આ વાતચીત બાદ તેમને છેલ્લે પૂછવામાં આવ્યું કે, “છેલ્લે તમે કઈ કહેવા માંગશો ?” ત્યારે તેમને જણાવ્યું કે, “જેમાં મારી પહેલી ફિલ્મ પછી મને જે પ્રેમ, દુલાર, આશીર્વાદ મને મળ્યા હતા એજ રીતે “હલકી ફુલકી”ની સાથે મને ખુબ જ પ્રેમ, દુલાર, આશીર્વાદ મળે. !!”