6 મહિનામાં જ આ શાકભાજી વેચનારાએ લોકોને આપી વર્ક ફોર્મ હોમની લાલચ, અને કમાઈ લીધા 21 કરોડ, આ રીતે પોલીસે કરી લીધી ધરપકડ, જુઓ
Gurugram Online Fraud : આજકાલ ઓનલાઇન છેતરપીંડીના મામલાઓ ઘણા બધા વધ્યા છે. જેમાં કેટલાય લોકો આવા સાયબર સ્કેમનો શિકાર પણ બન્યા છે અને પૈસાની લાલચમાં આવીને લોકો બીજાને છેતરતા જરા પણ અચકાતા નથી. ઘણા લોકો તમને લોભામણી જાહેરાત આપીને પોતાનો શિકાર બનાવતા હોય છે. પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે જેને સૌને હેરાન કરી દીધા. એક સામાન્ય શાકભાજી વેચવા વાળાએ સાયબર ફ્રોડ દ્વારા કરોડોની કમાણી કરી લીધી.
શાકભાજી વેચનારો સાયબર ફ્રોડ :
ગુરુગ્રામમાં શાકભાજી વિક્રેતા સાયબર ફ્રોડ કરનાર ઝડપાયો છે. તેની કહાણી જાણીને તમને પણ નવાઈ લાગશે કારણ કે તેણે માત્ર 6 મહિનામાં જ લોકો સાથે 21 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. પોલીસે 27 વર્ષીય રિષભ શર્મા નામના ગુનેગારને પકડી લીધો છે, જે દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામમાં શાકભાજી વેચવાનું કામ કરે છે, પરંતુ તે એટલો બદમાશ નીકળ્યો કે પોલીસ પણ દંગ રહી ગઈ. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ઋષભ શર્માએ વર્ક ફ્રોમ હોમ સ્કેમ દ્વારા 21 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે અને તેનું નેટવર્ક 10 રાજ્યોમાં ફેલાવ્યું છે.

શાકભાજી વિક્રેતાએ સાયબર છેતરપિંડી કેવી રીતે કરી?
તેની સામે છેતરપિંડીના 37 કેસ નોંધાયેલા છે અને તેણે પોતાની સાથે 855 લોકોને સંડોવ્યા હતા. આરોપ છે કે તેણે ફ્રોડ ઈન્ટરનેશનલ કાર્ટેલ માટે કામ કર્યું હતું અને ચીન, સિંગાપોર, હોંગકોંગથી હવાલા મારફતે ક્રિપ્ટો કરન્સીમાં નાણાંની લેવડદેવડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ આ કામ 6 મહિના પહેલા જ શરૂ કર્યું હતું અને થોડા જ સમયમાં કરોડપતિ બની ગયો હતો. તેણે પોતાની ગેંગ બનાવી હતી અને તેના દ્વારા તેણે છેતરપિંડીનું નેટવર્ક ફેલાવ્યું હતું.

છેતરપિંડીના 37 કેસમાં આરોપી :
ગુરુગ્રામ પોલીસના જણાવ્યા અનુસાર, કોરોના મહામારી દરમિયાન તેણે શાકભાજી વેચવાનો ધંધો બંધ કરી દીધો હતો અને સાયબર ફ્રોડના ધંધામાં આવી ગયો હતો. ગુરુગ્રામના સેક્ટર 9માં રહેતા આ આરોપી વિરુદ્ધ 37 કેસ નોંધાયેલા છે. તેનું નેટવર્ક 10 રાજ્યોમાં ફેલાયેલું છે. અહેવાલો અનુસાર, ઉત્તરાખંડ પોલીસે 28 ઓક્ટોબરે તેની ધરપકડ કરી હતી. આ ધરપકડ બેંક એકાઉન્ટને ટ્રેક કરીને કરવામાં આવી હતી જેમાં તેણે નાણાં ટ્રાન્સફર કરવા માટે તેના લક્ષ્યો આપ્યા હતા. આરોપીઓ વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા લોકોને ફસાવતા હતા અને તેમને છેતરીને તેમની પાસેથી પૈસા પડાવતા હતા.

કેવી રીતે ફસાવ્યા લોકોને :
પોલીસના જણાવ્યા અનુસાર, તેના એક મિત્રએ તેને લોકોના ફોન નંબરનો ડેટા બેઝ આપ્યો હતો, જેના દ્વારા તે રેન્ડમ કોલ કરીને લોકોને ફસાવતો હતો. તે લોકોને નોકરી, ઘરેથી કામ અને અન્ય વ્યવસાયની લાલચ આપતો હતો. તાજેતરમાં, તેણે દેહરાદૂનના એક વેપારી સાથે 20 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી, જે પછી પોલીસે તેને શોધી કાઢ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી.