દાહોદનો પરિવાર જઇ રહ્યો હતો જોધપુર, કારની બ્રેક ફેઈલ થતા રાજસ્થાનમાં પાંચ લોકોના મોત
વહેલી સવારે રાજસ્થાનના સિરોહીમાંથી અકસ્માતની ઘટના સામે, ગુજરાતના દાહોદનો એક પરિવાર કાર લઇને વતન જઇ રહ્યો હતો ત્યારે કારની બ્રેક ફેઈલ થતા કાર ડિવાઇડર સાથે અથડાઇ અને તેના કારણે કારનું ટાયર ફાટી જતા કાર બેકાબૂ બની પલટી મારી ગઇ. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે એક મહિલા ઇજાગ્રસ્ત છે.

હાલ તો સ્થાનિક પોલીસ આ અંગે વધુ કાર્યવાહી કરી રહી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, દાહોદનો સેન સમુદાયનો પરિવાર પોતાના વતન રાજસ્થાનના ફલોદીના ખારા ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે કારની બ્રેક ફેઈલ થવાના કારણે કાર ડિવાઈડર સાથે અથડાતા ટાયર ફાટ્યું અને કાર કાબૂ બેકાબૂ બની ગઇ.

આ પછી કાર ડિવાઇડર કુદાવીને કાર રોડની બીજી બાજુના એક ખાડામાં પલટી મારી ગઈ. આ અકસ્માતને કારણે પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા જ્યારે એક મહિલા ઇજાગ્રસ્ત છે. ગાડીમાં બે મહિલાઓ, એક બાળક અને ત્રણ પુરૂષો સહિત 6 લોકો સામેલ હતા.
