ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં સુરતની એક યુવતિનો આપઘાતનો મામલો સામે આવ્યો છે જેમાં લગ્ન કરીને વિદેશ એટલે કે અમેરિકા ગયેલી દક્ષિણ ગુજરાતની એક યુવતીએ કથિત રીતે સાસરિયાના ત્રાસથી તંગ આવીને ભેદી સંજોગોમાં આપઘાત કરી લીધો હોવાની ધટના સામે આવી છે. સુરતના મહુવાના બોરિયા ગામની વિભૂતિ પટેલના લગ્ન સામાજિક રીત-રિવાજ અનુસાર પેન્સિલવેનિયાના સ્કારટનમાં રહેતા તેના જ સમાજના મિતેષ પટેલ સાથે બે વર્ષ પહેલા થયા હતા. જો કે, વિભૂતિને તાજેતરમાં વિઝા મળ્યા હતા અને તે બાદ તે હજુ ત્રણ મહિના પહેલા જ યુએસ ગઇ હતી.
હાલ તો વિભૂતિએ આ પગલુ કેમ ભર્યુ તેનું કારણ સ્પષ્ટ નથી થઈ શક્યું, પણ મૃતકના ભારતમાં રહેતા પરિજનોએ તેના સાસરિયા સામે કેટલાક ચોંકાવનારા આક્ષેપ કર્યા છે. વિભૂતિએ મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને તે ત્રણ વર્ષ લંડનમાં પણ રહી છે. 36 વર્ષિય વિભૂતિના પહેલા લગ્ન હતા, જ્યારે મિતેષ ડિવોર્સી હતો અને તેને પહેલા લગ્નથી એક બાળક પણ હતું. લગ્ન બાદ વિભૂતિ ઈન્ડિયામાં રહી ત્યારે તેણે પરિજનોને લગ્નજીવનમાં કોઈ પ્રોબ્લેમ હોવાનું જણાવ્યુ નહોતું.
જો કે, તેનાં અમેરિકા જતાં જ સ્થિતિ એકદમ બદલાઈ ગઈ અને વિભૂતિ તેમજ તેના પતિ અને સાસરિયા વચ્ચે ઘણા ઝઘડા થવા લાગ્યા. આ દરમિયાન વિભૂતિએ સમાધાનકારી વલણ અપનાવતા પોતાના લગ્નજીવનને સાચવી લેવાના પૂરા પ્રયાસ કર્યા પણ સ્થિતિ સુધરવાને બદલે દિવસેને દિવસે વધુ વણસતા વિભૂતિએ આવું પગલુ ભર્યુ હોવાના આક્ષેપ કરાયા છે. વિભૂતિના પરિજનોનો એવો પણ દાવો છે કે તેના સાસરિયા તેને યુએસમાં ખૂબ જ ત્રાસ આપતા અને તે અમેરિકા જવાની હતી ત્યારે તેના પતિએ ઈન્ડિયાથી તેને પોતાનો ફોન લઈને આવવાની પણ ના પાડી હતી.
એટલું જ નહીં, વિભૂતિ અમેરિકામાં હતી ત્યારે તેને ઈન્ડિયા ફોન કરવાની પરમિશન પણ નહોતી. આ ઉપરાંત પરિજનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે વિભૂતિનો પતિ દારૂ પીને તેની સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કરતો અને ઈન્ડિયામાં રહેતા તેના ફેમિલીવાળાને પણ નશાની હાલતમાં ફોન કરીને મન ફાવે તેમ બોલતો હતો. અમેરિકામાં વિભૂતિના સાસુ અને તેનો પતિ તેની સાથે મારઝૂડ પણ કરતા હોવાનું સામે આવ્યુ છે. હજુ બે મહિના પહેલા મિતેષે વિભૂતિના પરિવારને ફોન કરી જેમ તેમ બોલી વિભૂતિને ડિવોર્સ આપી ઈન્ડિયા પાછી મોકલી દેવા પણ કહ્યું હતું.
વિભૂતિ અને મિતેષ વચ્ચેના સંબંધ સતત વણસતા 9 ઓગસ્ટે સવારે મિતેષે ભારત ફોન કરીને વિભૂતિની માતા સાથે ખૂબ જ ખરાબ ભાષામાં વાત કરી અને એવું કહ્યુ કે હું તમારી છોકરીને ઈન્ડિયા પાછી મોકલી રહ્યો છું. તે દિવસે વિભૂતિએ પણ તેની માતા સાથે વાત કરી હતી. તેણે ભાઈને મુંબઈ એરપોર્ટ આવવા પણ જણાવી દીધું હતું. વિભૂતિ ફોન પર સતત રડી રહી હતી અને ડરેલી પણ લાગતી હતી, વિભૂતિ સહી-સલામત ભારત પરત આવે તેની ચિંતામાં પરિવાર અમેરિકામાં રહેતા સંબંધીઓ સાથે સતત સંપર્કમાં હતો.
જો કે, વિભૂતિ ભારત આવવા નીકળે એ પહેલા જ અમેરિકામાં તેણે 9 ઓગસ્ટે રાતે ભેદી સંજોગોમાં પોતાના મકાનના બેસમેન્ટમાં જીવન ટૂંકાવી લીધું. આ મામલે ચોંકાવનારી વાત એ સામે આવી છે કે વિભૂતિનું મોત થયું ત્યારે ઈન્ડિયામાં રહેતા તેના પરિવારને સસરાએ ફોન કરીને કહ્યું કે વિભૂતિએ આપઘાત કર્યો છે. જો કે, તેમણે વિભૂતિના ફોટોગ્રાફ્સ પણ ના મોકલ્યા અને ના આ મામલે બીજી કોઈ માહિતી આપી. દીકરીના આકસ્મિક મોતની ખબર મળતા પરિવારને શંકા-કુશંકા થઈ કારણ કે વિભૂતિએ અમેરિકામાં રહી પતિ અને સાસરિયાનો ત્રાસ સહન કરવા કરતાં ભારત પાછુ જતુ રહેવુ વધારે યોગ્ય માન્યું.
9 ઓગસ્ટે તેણે ભારત આવવાની તૈયારી પણ કરી લીધી હતી, જો કે એ પહેલા જ તેનું મોત થયું. વિભૂતિને હોસ્પિટલ લઈ જવાઈ ત્યારે તેના ખિસ્સામાંથી પાસપોર્ટ પણ નીકળ્યો હતો, એટલે કે તે પતિના ઘરેથી નીકળી જવાની તૈયારીમાં હતી, પણ જે સ્થિતિમાં તેનું મોત થયું તે અનેક સવાલો ઉભા કરી રહ્યુ છે. વિભૂતિના પરિવારનો એવો આક્ષેપ છે કે તેના અકાળે મોતમાં સાસરિયાઓની ભૂમિકા હોઈ શકે છે, આ કેસમાં અમેરિકાની પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરે તેવું પરિવાર ઈચ્છી રહ્યા છે. જો કે, વિભૂતિના મોત બાદ સાસરિયા એવી વાત કરી રહ્યા છે કે તે સાવકી દીકરીને સાચવવા તૈયાર નહોતી એટલે તેણે આ પગલું ભર્યું છે.
SOURCE: iamgujarat