કેનેડામાં રસ્તો ક્રોસ કરતા ટ્રકની અડફેટે ગુજરાતી વિદ્યાર્થીનું મોત, 9 મહિના પહેલા અભ્યાસ માટે ગયો હતો – જુઓ તસવીરો
છેલ્લા ઘણા સમયથી વિદેશમાંથી ગુજરાતીઓ અને ભારતીયોના મોતના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં વધુ એક મામલો કેનેડામાંથી સામે આવ્યો છે. કેનેડામાં અભ્યાસ કરવા ગયેલા દહેગામના વિદ્યાર્થીને રસ્તો ક્રોસ કરતા સમયે એક ટ્રકે ટક્કર મારી અને આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીનું મોત થયું. ત્યારે ઘટનાને લઈને ગુજરાતમાં રહેતા મૃતકના પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગરના દહેગામના શિયાવાડા ગામનો મિત પટેલ 9 મહિના પહેલા જ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો.
કેનેડિયન મીડિયાના રિપોર્ટ અનુસાર 11 એપ્રિલ સવારે સાત વાગ્યા આસપાસની આ ઘટના છે, જેમાં એક પિક-અપ ટ્રકે મિત પટેલને અડફેટે લેતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો અને ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પણ ગણતરીના સમયમાં જ તેનું મોત થયું. આ અકસ્માત બ્રેમ્પ્ટનના વિલિયમ્સ પાર્ક વેમાં આવેલા મિસિસાગા રોડ પર થયો હતો.
અકસ્માત બાદ પિક-અપ ટ્રકના ડ્રાઈવરે પોલીસને પોતાના ડેશકેમના ફુટેજ આપ્યા હતા. હાલ તો આ તપાસ પીલ રિજનલ પોલીસનું મેજર કોલિશન બ્યૂરો કરી રહ્યું છે. એવી માહિતી સામે આવી છે કે મિત તેના માતા-પિતાનો એકનો એક દીકરો હતો અને 8-9 મહિના પહેલા જ તે ગ્રેજ્યુએશન કરવા કેનેડા ગયો હતો.
જો કે મિતના મોત બાદ તેના મૃતદેહને ઈન્ડિયા મોકલવા અને પરિવારજનોને મદદ કરવા કેનેડામાં રહેતા ગુજરાતીઓએ ક્રાઉડ ફન્ડિંગ શરૂ કર્યું છે. 75 હજાર કેનેડિયન ડોલર એકત્ર કરવાના ગોલ સાથે ગોફંડમી પર ક્રાઉડ ફન્ડિંગ કરવામાં આવી રહ્યું છે, અને અત્યાર સુધી લગભગ 50 હજાર ડોલર જેટલી રકમ એકત્ર થઈ ચૂકી છે. કેનેડા સ્થિત ગુજરાતીઓનો ટાર્ગેટ એક લાખ ડોલર ભેગા કરવાનો છે અને મિતના પરિવારને મદદ કરવાનો છે.