લેખકની કલમે

આજની દરેક માતા વાંચે આ અબળા મટી સબળા બનનાર નારીની વાત …દીકરા પર આંધળો વિશ્વાસ મૂકી ચાલનાર પિતાને મળ્યું લાખોનું દેવું, વાંચો એક પિતાનો કલ્પાંત .

શ્યામા

આજે અમારી ઓફિસમાં જોરદાર ચર્ચાઓ થઈ રહી હતી. ભારત સરકારે તો વર્ષો જૂનો રેકોર્ડ બ્રેક કર્યો ને શું કમાલ કરી છે. જે રીતે થોડા વર્ષોમાં એજ્યુકેશન આગળ આવ્યું છે. તેટલું પહેલાં ક્યારેય નથી આવ્યું. અત્યારે સરકારી સ્કૂલો પણ પ્રાઈવેટ સ્કૂલો જેવી બની ગઈ છે. આ બધી સરકારી યોજનાઓ પણ જોરદાર છે. જ્યાં જુઓ ત્યાં વિકાસ…..વિકાસ ને વિકાસ જ દેખાય છે.

“જો આવી જ રીતે ટેક્નોલોજીનો ઉપયોગ કરી શિક્ષણ આપવામાં આવશે તો એક દિવસ દેશ જરૂર આગળ આવશે. અબ્દુલ કલામ સરનું દેશ માટે જોયેલ સ્વપ્ન જરૂર પૂરું થશે. ટેકનોલોજીમાં એક દિવસ આપણો દેશ જાપાન કરતાં પણ આગળ આવશે….વગેરે વગેરે વગેરે જેવી ઘણી બધી વાતોના ગપાટાં મારી ચાની ચૂસકી લગાવી બધા પોતપોતાના કામે વળગી પડ્યા.”

કામ કરતા પંચાત ઘણી ! આમાં દેશ ક્યાથી આગળ આવે. જેટલી રસપ્રદ રીતે વાતો કરતાં હતાં. તેટલી લગનથી જો કામમાં ધ્યાન આપે તો એક દિવસ દેશ તો ઠીક પણ એમનું ઘર જરૂર આગલ આવે ! , શ્યામાએ એની મમ્મીને ઓફિસની વાત કરતાં કહ્યું..

મા , આ બધા મારી પણ વાતો કરે છે..મને કાલે જ સ્વાતિ કહેતી હતી.

“ખેર, છોડ શ્યામા આ બધું તો ચાલ્યાં કરશે… તું તારું કામ મન લગાવી કર બેટા….” ,ઓફિસનાં વિચારો પડતાં મૂકી આરામ કર ! શ્યામાની માએ કોફી આપતા શ્યામાને સમજાવી.

શ્યામા સંસ્કારી પરિવારમાંથી આવે છે. શ્યામાના વિચારો ખૂબ ઉચ્ચ ને આદર્શ છે. શ્યામા પાંત્રીસ વર્ષે પણ લગ્ન કરવાની ના જ પાડે છે.

આ સમાજ શ્યામાને શાંતિથી જીવવા નથી દેતો ! એ કોને કોને સમજાવે નહી લગ્ન કરવા પાછળનું કારણ !!

કારણ બીજાનું હોય તો લોકોને કહી શક્ત, પણ પોતાનાં જ અંગત કારણભૂત હોય તો કોને કોને કહેવું ?

પથારીમાં આડા પડ્યા પડ્યા સૂવાનો ઘણો પ્રયત્ન શ્યામાએ કર્યો. પડખાં ફેરવ્યા આમ તેમ…પણ, નિંદર આજે શ્યામાથી સો ગાવ દૂર ભાગતી હતી. નીંદર તો ન આવી પણ, શ્યામાને એનો ભૂતકાળ આવી ગળે લગાવી ગયો.

શ્યામા જ્યારે સમજણી થઈ ત્યારથી તેને બધું જ યાદ છે. શ્યામા રામગઢ ગામે પાંચ વર્ષની હતી ત્યારે રહેતી. તેના પિતા કર્મકાંડ કરતાં ને માતા ઘરકામ. માતાપિતા બંને વધારે ભણેલાં નહી એટ્લે કર્મકાંડનો પૂર્વજોનો વ્યવસાય અપનાવી. ગામ અને આ સમાજ પર નિર્ભર રહેતાં હતા.

શ્યામાને એનાથી એક વર્ષ નાનો ભાઈ રાધે. બંને ભાઈ બહેન એકસાથે મોટા થવા લાગ્યા. પણ આ શું ? અમારો ઉછેર અલગ રીતે થવાં લાગ્યો. ઉછેરમાં ભેદભાવ. શ્યામા દીકરી છે. એને સ્કૂલ નથી જવાનું. રાધે દીકરો છે. તો એના માટે અભ્યાસની બધી જ વ્યવસ્થા કરવામાં આવી.

મારે ઊઠીને માને ઘરકામમાં મદદ કરવાની. ને રાધેને ઊઠીને વાંચવાનું, લખવાનું નવી નવી ચિત્ર દોરેલી બુકમાંથી. રોજ મારા પપ્પા ભાઈ માટે નવી નવી બુક , નવી નવી પેન ને નીતનવી ડિઝાઇનની બેગ, નાસ્તાનો ડબ્બો, સૂઝ ને સરસ કપડાં લાવી આપતાં. ને મારા માટે ?? કશું જ નહી !

“હું માંગ કરું તો મને બાપુજી કહેતાં, “ તું દીકરી છો. તારે અને ભણવાને વળી શું ? તારે પારકા ઘરે જવાનું છે. તારે ત્યાં નોકરી નહી ઘરકામ કરવાનું છે. તો વસ્તુઓ માંગવા કરતાં ને ભણવા કરતાં કામ શીખો !! નહિતર બચકાં પાછા આવશે પાછા “

આટલું બોલી બાપુજી મોટેથી બૂમ પાડતાં, “એ શ્યામાની મા …..આ તારી દીકરીને સમજાવ ….ભણ્યે કોનું સારું થયું છે એ….!!”

પછી મા આવીને મને લઈ જતી. હું ખૂબ રડતી…હું એક જ શબ્દ બોલતી એ હજી મને યાદ છે…”મારે ભણવું છે. હું ઘરનું કામ પણ કરીશ મને ભણવા દો !”

પણ કોણ સાંભળે આ ઘરમાં એ બૂમો પાડતી દીકરીનું ?? એ ઘરમાં દીકરીઓનું કોઈ અસ્તીત્વ જ ન હતું .

આખરે હું હારી, થાકી ને હું ઘરનું કામ શીખવા લાગી. સાત વર્ષની ઉમરની એ શ્યામા રસોઈથી માંડીને ઘરનું બધું જ કામ શીખી ચૂકી હતી.

એ રોજ રાત્રે મંદિરમાં ચાલુ અખંડ જ્યોતના પ્રકાશમાં ભણવાનું શીખવા લાગી. દિવસે કામ ને રાત્રે અભ્યાસ. પણ ઘરમાં કોઈને આ વાતનો ખ્યાલ ન આવવાં દીધો. એક દિવસ રાધે કોઈ ગણીતનાં દાખલા ગણી રહ્યો હતો. ઘણી મહેનત કરી પણ એને ફાવ્યો જ નહી. આ બધું શ્યામા જોઈ રહી હતી. એનાથી રહેવાયું નહી ને એણે એક જ મિનિટમાં એ ગણીતનો અઘરો દાખલો સરળતાથી રાધેને સમજાવી દીધો.

રાધેએ ધ્યાનથી જોયું તો આ દાખલો એનાં ટીચરે પણ એણે આવી સરળ રીતે શીખવ્યો ન હતો.

“બેન, તું તો ભણવા પણ નથી જતી. તો પણ તને ગણીત કેમ આવડે છે ?”, રાધે એ આશ્ચર્યભાવ દર્શાવતાં પૂછી જ લીધું.
“તું રોજ એક ક્લાક જ ભણવા બેસે છે. હું રોજના પાંચ કલાક અભ્યાસ કરું છું. એ પણ રાત્રે જાગીને છાની છાની. જો માને અને બાપુજીને ખબર પડે તો મને ભણવા પણ ન દેને ? બાપુજી સૂઈ જાય એટ્લે હું તારા દફ્તરમાથી રોજ એક ચોપડી લઈ લવ…રાત્રે વાંચું, સમજુ ને ન ફાવે એ શીખવા મથતી રહું. ને સવારે બા બાપુજી ઊઠે એ પહેલાં જ તારી બુક હું જેવી રીતે અને જ્યાથી લીધી હોય ત્યાં જ મૂકી દેવાની..”, શ્યામાએ એનાં અભ્યાસનું સરસ વર્ણન રાધે ને કર્યું.

“અરે વાહ, તું ખરેખર હોંશિયાર છે…બેન તું ચિંતા ન કર.. હું તને ભણવામાં બધી મદદ કરીશ.

મને રાધે એ જ્યારે કહ્યું કેઇ હું તારી સાથે છું. તને મદદ કરીશ ! ત્યારે મારી જિંદગીમાં ખુશી કેવી રીતે મળે છે ને ખુશી કેવી હોય એનો મને પહેલીવાર અહેસાસ થયો.

હવે રાત્રે ભણવામાં હું એકલી ન હતી. રાધે પણ મારી સાથે રોજ જાગતો ને અમે બંને ભાઈ બહેન એક સરખો જ અભ્યાસ કરવા લાગ્યાં. દિવસે ને દિવસે રાધે ભણવામાં હોંશિયાર થવાં લાગ્યો.

એક દિવસ એનાં શિક્ષકે એનાં અભ્યાસમાં આટલું આગળ આવવાનું કારણ પૂછ્યું, તો રાધે બધું સાચું બોલી ગયો…
એ શિક્ષકે મારા બાપીજીને મળવા બોલાવ્યાં. ને મારા અભ્યાસની વાત કરી.

“હવે જમાનો બદલાઈ ગયો છે. દીકરી દીકરો એક સમાન તમે તમારી દીકરીને ભણાવો…એ ખૂબ જ હોંશિયાર છે. એક દિવસ એ તમારું નામ જરૂર આગળ લાવશે, તમારો દીકરો ભણવામાં જેટલો હોંશિયાર છે એમાં મોટો ફાળો તમારી દીકરીનો છે. વિશ્વાસ ન આવે તો પૂછો તમારા દીકરાને ..”

જ્યારે મારા અભ્યાસની વાત બાપુજીએ એ શિક્ષક પાસેથી જાણીને ઘરે આવ્યાં ત્યારે, બાપુજીનું રોદ્ર સ્વરૂપ જોવા જેવુ હતું. ઘરે આવીને બાપુજીએ તો તાંડવ શરૂ કર્યું.

“ક્યાં મરી ગઈ શ્યામાની મા ..”

બાપુજીનો મોટેથી અને ગુસ્સાભર્યો અવાજ સાંભળી…મા ડેલામાં હતા ત્યાથી સાતે કામ પડતાં મૂકી બાપુજી પાસે ધ્રૂજતા ધ્રૂજતા જાય છે…

માને આવતાં જોઈને બાપુજીએ એમનું ભાષણ શરૂ કર્યું.

“તું શું ધ્યાન રાખે છે..તારી દીકરીનું…..એ રાત્રે પણ ભણવા બેસે છે…કામ કાજ શીખવ એને તો એનાં લબાચા પાછા નહી આવે, તને તો તારીમાએ કશું શિખવાડ્યું નથી. તું એનામાં તો સંસ્કાર નાખ થોડાં…વાણી, વ્યવહાર ને વર્તન કેવું કરાય એ શિખવાડ નમાલી …”

કોઈપણ સ્ત્રી હોય તે પોતાનું અપમાન સહન કરી શકે પણ વાતે વાતે પોતાનાં મા બાપનું નહી…

આ બધું હું જોઈ રહી હતી..ત્યારે પહેલીવાર મે મારી માનું પણ રુદ્ર સ્વરૂપ જોયું..
“બસ, હવે હદ થઈ તમારી…શ્યામા મારી દીકરી છે. એ હવે ઘરનું કોઈ કામ નહી કરે ! એ ભણશે , ભણશે અને ભણશે જ …..એને મારી જેવી નર્કવાળી જિંદગી હું નહી આપું…હું એની મા છું. સમજ્યા ..”

આ સમયે બાપુજીએ મને જોઈ…એટ્લે બાપુજી મને મારવાં આવ્યાં બોલતાં બોલતાં….આ બધુ તારા જ પાપે થયું છે..હવે તને જ જીવવા નથી દેવી…જન્મી ત્યારે દૂધ પીતી કરવાની જરૂર હતી….ને દબાવ્યું મારૂ ગળું..”

માએ જોરથી બાપુજીને ધક્કો માર્યો ને મને લઈને મૂંગામોઢે ઘરમાંથી નીકળી ગયા…
એ પછી મારો ભાઈ અમારાથી છૂટી ગ્યો. હવે હું ને મા બે જ રહ્યા.

માએ મને ખૂબ ભણાવી. પોતે મહેનત કરીને. મામા પણ સારા એટ્લે અમે મામાના ઘરે જ રહેતાં. પણ મારી મા ખૂબ સ્વાભિમાની. મામાની ક્યારેય મદદ નહી લેતા.

મારી મા રોજ મને એક જ શબ્દ કહેતી, જિંદગી કોઈના દબાવામાં ન નીકળે બેટા ..!

માના શબ્દો અને માની વાતો  મને યાદ આવી કે તરત જ મને નિંદરે વ્હાલી કરી હું શાંતિથી સૂઈ ગઈ.

લેખિકા: સ્વેતા પટેલ GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.