બંગાળમાં ગુજરાતી શાહ દંપતીની દર્દનાક હત્યા, કારણ જાણીને હચમચી ઉઠશો

કોલકાતામાં અત્યંત સુરક્ષિત ગણાતા ભવાનીપુર વિસ્તારમાં એક ગુજરાતી દંપતીની હત્યા હાલમાં જ કરવામાં આવી હતી, જેમાં તાબડતોડ તપાસ હાથ ધર્યા બાદ ગુરુવારે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ ઘટનાનો કથિત સૂત્રધાર હજુ ફરાર છે. કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલ અનુસાર, હત્યા પરિવારના સભ્યો વચ્ચેના નાણાકીય વિવાદનું પરિણામ છે. બિઝનેસમેન અશોક શાહ અને તેમની પત્ની રશ્મિતા અહીંના હરીશ મુખર્જી રોડ પરના તેમના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.

આ વિસ્તાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવાસસ્થાનની નજીક હોવાને કારણે ખૂબ જ ઉચ્ચ સુરક્ષા ઝોન માનવામાં આવે છે. ગોયલે વધુમાં જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા ત્રણમાંથી એક વ્યક્તિએ કબૂલ્યું હતું કે તેણે પ્રથમ અશોક શાહને છરો માર્યો હતો. શહેર પોલીસ કમિશનરે કહ્યું કે અમે ત્રણ લોકોની ધરપકડ કરી છે. શાહને પ્રથમ છરો મારનાર હુમલાખોર તેમાંથી એક હતો. તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. આ કેસનો માસ્ટર માઈન્ડ શાહ પરિવારનો નજીકનો સંબંધી છે અને તેની ધરપકડ કરવાની બાકી છે. તે ફરાર છે.

તેમણે એમ પણ કહ્યું કે ધરપકડ કરાયેલા ત્રણ લોકો મુખ્ય આરોપીના મિત્રો અને પાડોશીઓ છે અને તે બધા હાવડા જિલ્લાના લીલુઆના રહેવાસી છે.આરોપીઓને બુધવારે રાત્રે શહેરના ઉપનગરોમાં અજ્ઞાત સ્થળેથી ઝડપી લેવામાં આવ્યા હતા અને રાતભરની પૂછપરછ બાદ ગુરુવારે સવારે ધરપકડ કરવામાં આવી હતી.તપાસમાં જાણવા મળ્યું છે કે હત્યાનું આયોજન છેલ્લા 7-10 દિવસમાં કરવામાં આવ્યું હતું. હત્યા માટે કોન્ટ્રાક્ટ કિલરને પણ રાખવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો કે સોમવારે બપોરે 3 વાગ્યાની વચ્ચે બંનેની હત્યા કરવામાં આવી હતી.

દંપતીના ઘરમાંથી હજારો રૂપિયાની રોકડ અને સોનાના દાગીના પણ ગાયબ હતા. ઉત્તર બંગાળની બે દિવસની મુલાકાતથી પરત ફર્યા બાદ મમતા બેનર્જી બુધવારે બપોરે ફ્લેટની મુલાકાત લીધી હતી. તેમણે મૃતકના પરિવારના અન્ય સભ્યો સાથે વાત કરી અને તેમને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, વર્ષ 2019માં અશોક શાહે કેટલાક મહિનાઓ પહેલા તેના જમાઈના સંબંધીને એક લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. ત્યારથી તે વ્યક્તિએ પૈસા પરત કર્યા નથી. આ દરમિયાન દેવાદારનું મોત થયું હતું. ત્યારબાદ અશોક શાહે પરિવારના સભ્યો પર પૈસા પરત કરવા દબાણ કર્યું હતું.

તે સમયે મૃતકના સંબંધીએ એટલે કે મૃતકના ભાઈએ પૈસા પરત કરવાની ખાતરી આપી હતી. કોલકાતાના પોલીસ કમિશનર વિનીત ગોયલે જણાવ્યું હતું કે હત્યા પૂર્વ આયોજિત હતી. તે ઘણા સમયથી આનું પ્લાનિંગ કરી રહ્યો હતો અને કેટલાક પૈસા મેળવવા માંગતો હતો જેથી તે લોન ચૂકવી શકે. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ સુબોધ સિંહ, જતીન મહેતા અને રત્નાકર નાથ છે.ઉલ્લેખનીય છે કે, ઘરની અંદર લોનના ઝઘડા બાદ આરોપી સુબોધસિંહે મૃતક અશોક શાહ પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હતા અને તેમની હત્યા કરી હતી, જેની કબૂલાત પણ તેણે કરી છે. સુબોધનો જૂનો ગુનાહિત રેકોર્ડ પણ મળી આવ્યો છે.

પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મુખ્ય આરોપીને રશ્મિતાએ ઘરની અંદર પાણી આપ્યું હતું અને તેમ છતાં પણ હત્યારાઓને આ કપલ પર દયા ન આવી તેમની નિર્દયતાથી હત્યા કરવામાં આવી. આ ઘટનામાં સંડોવાયેલા બીજા લોકોની શોધખોળ ચાલી રહી છે અને ટૂંક જ સમયમાં તેમની ધરપકડ પણ કરવામાં આવશે. હાલ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી છે. આરોપી અન્ય રાજ્યમાં છુપાયો હોવાની શંકા છે. તેના મોબાઇલને ટ્રેસ કરાઈ રહ્યો છે. આ બાબત કમિશનરે જણાવી હતી.

Shah Jina