‘બહાર નીકળતા જ આતંકીઓ શૂટ કરી દે છે’, ઈઝરાયલમાં ફસાયેલી ગુજરાતી મહિલાએ વર્ણવી ત્યાં સ્થિતિ
ઇઝરાયલ-હમાસ યુદ્ધને લઈ દિવસેને દિવસે પરિસ્થિતિ વધારે વણસી રહી છે, ત્યારે હાલમાં જ ઇઝરાયેલમાં સ્થાયી ગુજરાતી મહિલાનો એક વીડિયો સામે આવ્યો છે, જે હચમચાવી દે એવો છે. પેલેસ્ટાઈનના ઉગ્રવાદી સંગઠન હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. 7 ઓક્ટોબરના રોજ સવારે હમાસે ઇઝરાયેલ તરફ લગભગ 5,000 રોકેટ છોડ્યા અને આ પછી ઈઝરાયલે હમાસ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી.
ત્યારે ઈઝરાયલમાં સ્થાયી થયેલ એક ગુજરાતી મહિલાએ ત્યાંની સ્થિતિ વર્ણવી છે. રાજકોટના સોનલબેન ગેડિયાએ જણાવ્યું કે હાલમાં બધા નાગરિકો સુરક્ષિત છે. ગાઝા તરફથી વિસ્ફોટના અવાજ આવે છે. ત્રાસવાદી સંગઠન રોડ ઉપર કોઈપણ દેશના નાગરિક પર હુમલો કરે છે. વધુમાં તેમણે કહ્યુ કે- બાટીયમ સિટીમાં રાત્રે ધમાકા થયા પરંતુ અત્યારે શાંતિ છે. મિસાઈલ પણ છોડવામાં આવી રહી છે અને મુખ્ય માર્ગ તેમજ મુખ્ય બજાર જવા ઇઝરાયલ સરકારે મનાઈ કરી છે.
સોનલબેને આગળ જણાવ્યુ કે- ઈઝરાયલમાં હમાસના આતંકવાદીઓએ દરિંદગીની હદ વટાવી દીધી છે. તેઓ સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યા છે અને લોકોને ખુલ્લેઆમ ગોળી મારી રહ્યાં છે. આ ઉપરાંત વિવિધ બિલ્ડિંગો પર હુમલાઓ પણ કરી રહ્યાં છે. શનિવારના રોજ વહેલી સવારે હમાસ દ્વારા ઈઝરાયલ પર લગભગ 30 મિનિટ સુધી બોમ્બ મારો ચલાવાયો હતો.
ઈઝરાયલમાં ફસાયેલી રાજકોટની મહિલાએ યુદ્ધ વચ્ચે ત્યાંની પરિસ્થિતિનો વીડિયો બનાવી લોકોને શું અપીલ કરી?#IsraelPalestineWar #GazaUnderAttack #GujaratiNews pic.twitter.com/fHNpROlfYS
— Gujarat Tak (@GujaratTak) October 9, 2023