કેનેડામાં થયા કલોલના પટેલ પરિવારના અગ્નિ સંસ્કાર, તસવીરો જોઇ તમે પણ થઇ જશો ભાવુક

થોડા સમય પહેલા જ કલોલમાંથી એક પટેલ પરિવારની ઘટના સામે આવી હતી. કલોલના એક ગામનો પરિવાર અમેરિકા જવા માટે નીકળ્યો હતો, પરંતુ તેમનું સપનું કેનેડા-યુએસ બોર્ડર ઉપર જ રોળાઈ ગયું હતું. હાડ થીજવતી માઇનસ 35 ડિગ્રી ઠંડીમાં થીજી જવાના કારણે પરિવારના ચારેય સભ્યોના મોત નિપજ્યા હતા. રીપોર્ટ અનુસાર પટેલ પરિવારે કેનેડાથી અમેરિકા બોર્ડરમાં પ્રવેશ કર્યા પછી સ્થાનિક એજન્ટને રૂપિયા 1 કરોડ 65 લાખ ચૂકવવાનું નક્કી કર્યું હતું. પરિવારને તેમના અમેરિકા પહોંચવાનો ફોન આવે એના પહેલા જ તેમના મોતના સમાચાર મળ્યા.

ગાંધીનગરના કલોલ ખાતે નવા ડિંગુચા ગામનાં મૂળ વતની 35 વર્ષીય જગદીશભાઈ બળદેવભાઈ પટેલ, તેમના પત્ની વૈશાલીબેન, પુત્રી વિહંગા અને પુત્ર ધાર્મિક અમેરિકા જવા માટે રવાના થયા હતા. ત્યારે કેનેડા-યુએસ બોર્ડર ઉપર હાડ થીજવતી ઠંડીના કારણે મોત નિપજ્યા હતા. ત્યારે જગદીશ પટેલના પિતરાઇ જે બાલ યુએસના ઇલિનોયમાં રહે છે તે દીલિપ પટેલે ઓનલાઇન ફંડરેઝર શરૂ કર્યુ હતુ, તેમાં 510 દાતાઓની મદદથી રવિવાર સાંજ સુધીમાં 67000 યુએસ ડોલર એટલે કે 50.3 લાખ રૂપિયા એકત્ર થયા હતા.

ઉલ્લેખનીય છે કે, 70 હજાર યુ એસ ડોલર એટલે કે રૂપિયા 52.5 લાખ રૂપિયા એકત્રિત કરવાનું તેમનું લક્ષ્ય હતુ, પરંતુ હાલ સુધીમાં 81224 યુએસ ડોલર એકઠા થઇ ચૂક્યા છે. ભંડોળ એકત્ર થયા બાદ ચારેયના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. પટેલ પરિવારના ચારેય સભ્યોના કેનેડામાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ત્યાં ગુજરાતી ભાઇઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ દ્રશ્ય જોઇને તેમની પણ આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. ગુજરાતી સમાજ દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં ઘણી મહેનત કરવામાં આવી હતી.

કેનેડામાં જે ગુજરાતી ભાઇઓ રહે છે તેઓ આગળ આવ્યા હતા અને તેમણે પહેલા પ્રાર્થના સભાનું આયોજન કર્યુ હતુ અને તે બાદ અંતિમ સંસ્કાર માટે ફાળો એકઠો કર્યો હતો અને તે બાદ સન્માનપૂર્વક ચારેયના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Shah Jina