ભૂલથી પણ વિચારતા નહિ કે વરસાદ જતો રહ્યો છે! જાણો અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીની નવી આગાહી

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો. પરંતુ ત્યારબાદ પાકિસ્તાનમાં સર્જાયેલું વાવાઝોડું ગુજરાત તરફ ન આવતા, ત્રીજા અને ચોથા સપ્તાહમાં વરસાદની ગેરહાજરી જોવા મળી છે. વર્તમાનમાં, 10 સપ્ટેમ્બરથી તાપમાનમાં વધારો નોંધાયો છે. વિવિધ વિસ્તારોમાં 30 ડિગ્રીથી વધીને 32થી 35 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું છે.

પવનની ગતિમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. બંગાળની ખાડીમાં સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં એક સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થાય તેવી શક્યતા છે. 24 સપ્ટેમ્બરની આસપાસ રાજ્યમાં વરસાદનો નવો તબક્કો શરૂ થશે. આશરે 4થી 5 દિવસ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 4 દિવસ દરમિયાન ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કચ્છમાં આવનારા 7 દિવસમાં શુષ્ક વાતાવરણ રહેશે. ગુજરાત પ્રદેશમાં અત્યાર સુધી 1107 મિમી વરસાદ નોંધાયો છે. 1 જૂનથી અત્યાર સુધી રાજ્યમાં સામાન્ય કરતાં 27% વધુ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 73% વધુ વરસાદ નોંધાયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને આવતીકાલે હળવો વરસાદ થઈ શકે છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 34 ડિગ્રી રહેવાની સંભાવના છે.

પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. ગ્રહોના જળદાયક નક્ષત્ર નાડીના યોગને ધ્યાનમાં રાખતાં, 19થી 22 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદી ઝાપટાંમાં વધારો થઈ શકે છે. 26 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી ઝાપટાં ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. 16 સપ્ટેમ્બરે સર્જાયેલી સિસ્ટમ 18 સપ્ટેમ્બર આસપાસ ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ વધશે.

ચોમાસાની વિદાય અંગે અંબાલાલે જણાવ્યું કે, 17 સપ્ટેમ્બર આસપાસ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લેશે. આના કારણે પશ્ચિમી પવનોનું જોર વધતાં પૂર્વના પવનોને પાછળ ધકેલશે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું વિદાય લેશે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી હસ્ત નક્ષત્રમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની શક્યતા છે. આ સમયે પૂર્વનો પવન ફૂંકાશે. 10થી 13 ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા છે.

kalpesh