અમદાવાદમાં હવામાનમાં પલટો આવ્યો છે, ભરશિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના ઘણા ભાગોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે અને આ સાથે ચાર જિલ્લામાં કરા સાથે વરસાદ પણ ખાબકી શકે તેવી શક્યતા વ્યક્ત કરાઇ છે. આજે એટલે કે શુક્રવારની બપોરની આગાહીની વાત કરીએ તો ચાર વાગ્યા સુધી 10 જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભરશિયાળે અષાઢના એંધાણ હવામાન વિભાગે વ્યક્ત કર્યાં છે.
ગત રાત્રે 26 ડિસેમ્બર 2024થી રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ નોંધાયો. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યા જ્યારે અંબાજી, નડિયાદ, અરવલ્લી સહિતના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો. હવામાન વિભાગે આજે એટલે કે 27 તારીખે અને આવતીકાલે એટલે કે 28 ડિસેમ્બરે ગાજવીજ સાથે કમોસમી વરસાદના રાઉન્ડની આગાહી કરાઇ હતી. આજે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે બરફના કરા વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી હતી.
આ ઉપરાંત વીજળીના ચમકારાનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું. હવામાન વિભાગે સવારે 10 વાગ્યે આગાહી કરી હતી કે આગામી ત્રણ કલાક એટલે કે બપોરના એક વાગ્યા સુધીમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સાથે જ જે વિસ્તારમાં વરસાદની સંભવાના છે ત્યાં વાદળોની ગર્જના પણ અનુભવાશે અને મધ્યમ ગતિએ પવન પણ ફૂંકાવવાની સંભાવના છે. સાબરકાંઠામાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. જ્યારે ખેડબ્રહ્માના દામવાસમાં તો બરફનાં કરાં પડ્યાં હતાં.
હાલમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર એક ઇન્ડ્યુસ સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને આ ઉપરાંત પાકિસ્તાનથી લઈને પૂર્વ મધ્ય અરબ સાગર સુધી એક ટ્રફ પણ સર્જાયું છે. એટલે ગુજરાતમાં આગામી 24 કલાક તાપમાનમાં વધારા સાથે વરસાદની સંભાવના છે. જો કે આવતીકાલથી ક્રમશઃ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો થશે એટલે કે ફરી એક વખત ઠંડીનું જોર વધશે.