ગુજરાતીઓ વરસાદમાં પલાળવા તૈયાર થઇ જાવ! વાતાવરણમાં આવશે પલટો, અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે, જ્યારે મોટાભાગના વિસ્તારોમાં માત્ર છૂટાછવાયા વરસાદી ઝાપટાં નોંધાઈ રહ્યા છે. ભાદરવાના તડકાને કારણે તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે. જોકે, ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે તેમ છતાં, પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સપ્ટેમ્બરના અંતમાં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે હાલ ગુજરાતમાં ભાદરવાનો તડકો પડી રહ્યો છે. પરંતુ આગામી દિવસોમાં ફરી એક વખત વાતાવરણીય સિસ્ટમ સક્રિય થશે, જે વરસાદી માહોલ સર્જશે. તેમણે સમજાવ્યું કે દક્ષિણ ચીનમાં બનતા વાવાઝોડાના અવશેષો બંગાળના ઉપસાગરમાં પહોંચતા એક નવી સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમ ઓરિસ્સા અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાંથી પસાર થઈને ગુજરાત તરફ આગળ વધશે. સાથે જ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, જેના પરિણામે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે અને વરસાદી માહોલ સર્જાશે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 22 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. ત્યારબાદ, 25 સપ્ટેમ્બરથી હવામાનમાં નોંધપાત્ર ફેરફાર આવશે અને 27થી 30 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાત, વડોદરા, આણંદ, ખેડા અને અમદાવાદ સહિત પંચમહાલના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતના સંદર્ભમાં, અંબાલાલ પટેલે જણાવ્યું કે સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 2થી 4 ઇંચ સુધીનો વરસાد પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે નર્મદા નદીની જળસપાટીમાં વધારો થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં 8થી 10 ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અંતમાં, હવામાન નિષ્ણાતે ઉમેર્યું કે દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવા વરસાદી ઝાપટાંની શક્યતા છે. રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ અને હવામાં ભેજનું પ્રમાણ વધારે રહેશે. તેમણે ચેતવણી આપી કે સતત ભેજવાળા વાતાવરણથી પાકોમાં રોગ આવવાની શક્યતા રહે છે.

kalpesh