ખબર

ત્રિશુળિયા ઘાટ નજીક અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરીવાર માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, આપશે આટલું ફંડ

સોમવારે અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસે લક્ઝરી બસનો થયેલો ગોઝારા અકસ્માતથી ચારેતરફ ગ્લાનિ વ્યાપી ગઈ છે. અંબાજી દર્શન કરીને પરત ફરતી લક્ઝરી બસમાં ૭૬ જેટલા મુસાફરો સવાર હતા. ત્રિશુલિયા ઘાટ પાસે આવેલ હનુમાન મંદિર નજીકનો ભયનજક વળાંક બસની અંદર રહેલા યાત્રાળુઓ માટે મોતની ચીઠ્ઠી લખાવીને આવ્યો હોય એમ આ સ્થળે બસ પલટી મારી જતા ૨૧ યાત્રાળુઓનાં મોત થયાં છે.

આ ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે. લોકો મૃતકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. ઘટનાની ભયંકરતા એ હદની હતી કે જોનારને તમ્મર ચડી જાય! ઝરમર વરસતા વરસાદના પાણીથી તો ઠીક, લોહીથી પણ અકસ્માત સ્થળનો રોડ ભીનો થયો હતો અને ઠેર-ઠેર લાશો વેરાયેલી પડી હતી.

ઘટનાને લઈને નરેન્દ્ર મોદીએ વ્યથીત ભાવથી ટ્વીટ કરીને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ગુજરાત સરકારે પણ આ પળે મૃતકોના પરિવારની સાથે ઊભા રહેવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે એવો ભાવ વ્યક્ત કર્યો હતો.

એ સાથે ગુજરાત સરકાર તરફી દરેક મૃતકના પરીવારને ‘મુખ્યમંત્રી રાહત નિધિ ફંડ’માંથી ૪ લાખ રૂપિયાની સહાય કરવામાં આવવાની જાહેરાત કરવામાં આવી છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર યાત્રાળુઓ આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાના હોવાનું કહેવાયું છે. અંબાજીનાં દર્શન કરીને તેઓ ઊંઝા ઊમિયા માતાનાં દર્શને જતા હતા. રસ્તામાં અંબાજી-દાંતા હાઇ-વે નજીક આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

ગુજરાત સરકારે મૃતકો પ્રત્યે સંવેદના દર્શાવવા ઉપરાંત મુખ્યમંત્રી રાહત નિધિ યોજના અન્યવે મૃતકોના પરિવારને ચાર-ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે તે જરૂરથી ઉમદા કામ ગણાય. અલબત્ત, જીવની ખોટ તો કદી પૂરી ના શકાય. પણ આ નાણાથી જે થોડી મદદ કરી શકાય એ ગુજરાત સરકારે કરી છે.

આ અકસ્માતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના ટ્વીટર હેન્ડલના માધ્યમથી મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

માતાજી મૃતકોના આત્માને શાંતિ અર્પે અને એમના પરીવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના!

|| ૐ શાંતિ ૐ ||