આ તારીખે મેઘરાજા ગુજરાત પર વરસશે મનમુકીને…જાણો
ગુજરાતમાં વરસાદે થોડો વિરામ લીધા બાદ ફરી એકવાર જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાકમાં 97 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ડાંગના આહવામાં 4 ઇંચ અને ચીખલી તેમજ ક્વાંટમાં 3 ઇંચ જેટલો નોંધાયો છે.
અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે, જેમ કે લસાણા, નાંદોદ અને ગારિયાધારમાં 2.5 ઇંચ, જ્યારે છોટાઉદેપુર, પાવી જેતપુર, ભરૂચ અને ડોલવણમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ગુજરાતના આ જિલ્લામાં થશે ભારે વરસાદ
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને દમણમાં ભારે વરસાદની શક્યતા છે. દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આગામી અઠવાડિયામાં સમગ્ર રાજ્યમાં સારા વરસાદની આશા છે. 26 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
જો કે, ગુજરાતમાં હજુ પણ સરેરાશ 27 ટકા વરસાદની ઘટ છે. રાજ્યના 13 જિલ્લાઓમાં વરસાદની અછતનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓગસ્ટ મહિનામાં અનિયમિત વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. કુલ 33 જિલ્લાઓમાંથી 20 જિલ્લાઓમાં વરસાદની અછત છે, જેમાંથી 13 જિલ્લાઓમાં 20 ટકાથી વધુ ઘટ હોવાથી તેમને ઓરેન્જ એલર્ટમાં મૂકવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ 70.23 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.
અંબાલાલ એ કરી આગાહી
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમના મતે, 23થી 26 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. બિહાર અને બંગાળ તરફથી આવતું લો પ્રેશર મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ ખસવાની સંભાવના છે. અરબ સાગરની સિસ્ટમ મજબૂત થવાથી ગુજરાતમાં ભારે વરસાદની આશા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે 24 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત , 26મી ઓગસ્ટ પછી વધુ એક સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. સપ્ટેમ્બર મહિનામાં અને ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની શક્યતા રહેશે.
હવામાન વિભાગે પણ આગામી 48 કલાક માટે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ વરસાદની સિસ્ટમનું જોર ઘટવાથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે