ગુજરાતમાં ચોમાસું હજુ પૂર્ણપણે વિદાય લીધું નથી. રાજ્યમાં વરસાદના નવા તબક્કાનું જોરદાર આગમન થયું છે. રવિવારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ, ગીરના જંગલ વિસ્તાર અને મધ્ય ગુજરાતમાં વરસાદે હાજરી આપી છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થતાં લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થવાના કારણે 28 તારીખ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લગભગ 10 દિવસના વિરામ પછી રવિવારે વડોદરા, ગીર સોમનાથ, વાપી અને વલસાડમાં વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગના તાજેતરના અનુમાન મુજબ, આજથી 28 સપ્ટેમ્બર સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. સાથે સાથે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં સરેરાશ કરતાં 42% વધુ વરસાદ નોંધાયો છે.
આ અંગે વિગતવાર માહિતી આપતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આગામી 25, 26 અને 27 સપ્ટેમ્બરે વરસાદની આગાહી છે. વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન અમદાવાદનું તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાશે એવું અનુમાન છે. 23 સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આ સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં હજુ પણ વરસાદની શક્યતા છે. ગ્રહોની સ્થિતિ અનુસાર, શુક્ર ગ્રહના ભ્રમણને કારણે રાજ્યમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં 25થી 28 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર પણ ચોમાસાના નક્ષત્રો છે, જેના કારણે વરસાદ આવશે. નવરાત્રિ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ પડી શકે છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે એવું અનુમાન છે.
અંબાલાલ પટેલે ચેતવણી આપતા કહ્યું કે 10 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા છે. વધુમાં, 16 નવેમ્બરથી બંગાળની ખાડીમાં હળવું દબાણ સર્જાતા 18 નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે ચક્રવાત સર્જાવાની સંભાવના છે. ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લે તે પહેલાં ભારે વરસાદના વધુ એક રાઉન્ડની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 25-27 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, હાલની પરિસ્થિતિ અનુસાર નવરાત્રિ દરમિયાન વરસાદની સંભાવના નહિવત છે.