મેઘરાજાએ મોડી રાત્રે બોલાવી ​​​​​​ધબધબાટી ! હજુ પણ અતિભારે વરસાદની આગાહી..ચેતી જજો ગુજરાતવાસીઓ હજુ પણ 5 દિવસ…

હાલમાં મેઘરાજા ગુજરાતમાં મનમૂકી વરસી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજથી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે અને તેને લઇને ગત મધરાતથી જ મેઘરાજાએ મંડાણ કર્યું. મોડી રાત્રે ભારે પવનના સુસવાટા સાથે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખેડામાં મુશળધાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને નડિયાદમાં શ્રેયસ રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતાં પસાર થતી એક કાર ફસાઈ ગઇ હતી.

આ ઉપરાંત નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સના ક્વોટર્સ કંપાઉન્ડમાં પાર્ક કરેલી કાર પર ઘટાદાર વૃક્ષની ડાળી પડતાં કારને નુકસાન પહોંચ્યુ હતુ. આ ઉપરાંત માતરમાં દીવાલ પડતાં ચાર લોકો દટાયા અને લખતરમાં અંડરપાસમાં સ્કૂલ-બસ ફસાઈ. સુરેન્દ્રનગરના લખતરથી લીલાપુર તરફ જતા રસ્તા પર આવેલ રેલવે વિભાગના અંડરબ્રિજમાં રાતના ભારે વરસાદને પગલે પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ઉઠાવવી પડી હતી.

આ રેલવે ગરનાળામાં સ્કૂલ-બસ ફસાઈ હતી. ગઇકાલના રોજ અસહ્ય બફારા બાદ રાજકોટમાં રાત્રે 9 વાગ્યા પછી વરસાદી માહોલ છવાયો હતો અને છેલ્લા 24 કલાકમાં ધીમીધારે 1 ઈંચ જેટલો વરસાદ વરસતા પોપટપરા સહિત કેટલાક નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઇ જવા પામ્યા હતા. આ ઉપરાંત ગુજરાતમાં અનેક જગ્યાએ સારો એવો વરસાદ ખાબક્યો હતો. બુધવારે ગાંધીનગરમાં મોડી સાંજથી વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થઈ અને તે પછી મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો.

જો કે, વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને બફારાથી થોડા સમય માટે છુટકારો મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી અને ખાસ કરીને 7 અને 8 જુલાઈ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Shah Jina