સમગ્ર ગુજરાત છેલ્લા 48 કલાકથી જળબંબાકાર થયું છે. ખાસ તો રવિવારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. નદી-નાળા બધું જ છલકાઈ રહ્યું છે. ત્યારે વડોદરા અને સુરત જેવા શહેરમાં કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ-રાજકોટ જેવા શહેરો પણ પાણી-પાણી થઇ ગયા છે. ગુજરાતીઓને સાતમ-આઠમના તહેવાર પર ઘરમાં જ રહેવાની ફરજ પડી હતી. જો કે, હજુ પણ ગુજરાતને વરસાદથી રાહત નથી મળી.
આગામી 24 કલાક રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. સ્કાયમેટની આગાહી પ્રમાણે બંગાળના ઉપસાગરમાં સર્જાયેલું ડિપ ડિપ્રેશન ગુજરાત પહોંચ્યુ છે, જેને કારણે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. 29 તારીખ સુધી એટલે કે હજી 3 દિવસ ગુજરાતમાં વરસાદ આવી શકે છે.
બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મોડાસા તેમજ ગાંધીનગર અને વડોદરા, સુરત, વલસાડ, છોટાઉદેપુર, પંચમહાલ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગાંધીધામ, ભુજ, નલિયા અને દ્વારિકા, પોરબંદર, ગીર સોમનાથ સહિત રાજકોટમાં ધમધોકાર વરસાદની આગાહી કરાઇ છે. જો કે રાજ્યના પૂર્વ વિસ્તારમાં સાંજથી વરસાદથી આંશિક રાહત મળવાની શક્યતા છે.
રાજ્યના પૂર્વ વિસ્તારમાં વરસાદ થોડો નબળો પડી શકે છે.ત્યારે વરસાદને પગલે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. GPSC દ્વારા લેવાનારી DYSOની પરીક્ષા 28 ઓગસ્ટથી શરૂ થવાની હતી તેને મોકૂફ રાખવામાં આવી છે. સીઝનમાં પહેલીવાર રાજ્યના 33 માંથી 33 જિલ્લાઓમાં વરસાદને લઇ રેડ અલર્ટ જાહેર કરાયું છે. વર્ષો પછી ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. આજે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓના રેડ અલર્ટ છે.
અમદાવાદમાં ઓરેન્જ અલર્ટ જાહેર, જ્યારે કચ્છ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં રેડ અલર્ટ છે. દક્ષિણ ગુજરાતમાં રેડ તો ઉત્તર ગુજરાતમાં વરસાદને લઇ યેલો અલર્ટ અપાયુ છે. ગુજરાતમાં હજુ પણ વધારે ભયંકર વરસાદ આવશે એવી આગાહી કરાઇ છે. અમદાવાદ, વડોદરાસ ભાવનગર અને આણંદમાં સિસ્ટમ સક્રિય થઈ છે. આજે અને આવતીકાલે બે દિવસ મેઘતાંડવની આગાહી કરાઇ છે.