કૌશલ બારડ ખબર

ગુજરાત પર લીલા દુકાળનો રહેલો છે ભય? વધારે પ્રમાણમાં વરસતા વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ

આપણે ત્યાં વરસાદ માટે એક કહેવત ચાલી આવે છે કે, ‘મેઘા તો વરસ્યે ભલા!’ અર્થાત્ વરસાદ તો જેટલો પડે એટલો સારો જ હોય. કહેવતમાં કંઈ ખોટું નથી. વર્ષાની જરૂરત જીવસૃષ્ટિને સદાયથી રહી છે અને રહેવાની છે. ચોમાસામાં સતત વરસતો વરસાદ, ઢાંકણીયું-વાદળછાયું રહેતું વાતાવરણ ભલે લાંબેગાળે કંટાળો જન્માવે, હાલાકીઓ ભોગવવી પડે પણ ઉનાળાના બળબળતા ચાર મહિના આ જ વર્ષાની હેલીને લીધે આપણે હેમખેમ કાઢી શકીએ છીએ!

આ વર્ષે લીલો દુકાળ પડવાનો ભય —

Image Source

શરૂઆતમાં ‘અલ નીનો’ જેવી ઇફેક્ટને કારણે ચોમાસું આછું રહેશે એવી હવામાનખાતાની આગાહીઓને ધરમૂળથી ઉવેખી નાખીને કુદરતે ભારતભરમાં પુષ્કળ જળ વરસાવ્યું. ગુજરાતનો પણ એકેય પ્રાંત કોરો ન રહ્યો. કચ્છને પણ ઓણ તો કુદરતે લીલી નાઘેર જ બનાવી નાખી! ૧૨૦ ટકાથી પણ વધારે પ્રમાણમાં વરસાદ ગુજરાત પર વરસી ચૂક્યો છે.

હજુ પણ દરિયામાં સર્જાયેલા અને ઓમાન તરફ ફંટાયેલા લો પ્રેશર અને સતત સર્જાતી જતી બીજી સિસ્ટમથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. નવરાત્રીમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ખેડૂતોમાં હવે થોડી ચિંતાની લકીરો જણાવા લાગી છે.

Image Source

હવે વધારે માત્રામાં વરસાદ થાય તો ‘લીલો દુષ્કાળ’ પડવાની વકી રહેલી છે. ખેતરોમાં મગ-અડદ જેવા કઠોળ વધારે પડતા વરસાદને લીધે પીળા પડી ચૂક્યાં છે. જીવાતોનો ઉપદ્રવ પણ વધ્યો છે. નીચાણવાળા ખેતરોમાં સતત પાણી ભરાયેલું રહેવાથી મગફળી જેવા પાકોને પણ નુકસાન થઈ શકે એમ છે. મકાઈના પાકમાં ઇયળનો ઉપદ્રવ વધી રહ્યો છે. ખેડૂતોની ચિંતાનાં આ કારણો છે.

હવે થતો વરસાદ મગફળી અને કઠોળ સહિતના પાકને નુકસાન કરી શકે છે. ચોમાસા પહેલા વહેલી તકે મગફળી વાવી દેનાર ખેડૂતો નોરતાંમાં એને કાઢવાની પણ તૈયારી કરી રહ્યા છે. એકબાજુ ખુશીનો પણ માહોલ છે, કે કૂવાઓ છલકાઈ ગયાં છે એથી શિયાળુ પાક પાણીની ઘટની ફિકર વગર લઈ શકાશે!

હસ્તી નક્ષત્રમાં વરસાદ આછેરો હશે —

Image Source

હવામાન-જ્યોતિષીઓના ભાખવા પ્રમાણે ૨૭ સપ્ટેમ્બરથી બેસતો ૧૬ દિવસનો હસ્તી/હાથીયો નક્ષત્રમાં વરસાદનું પ્રમાણ બહુ નહી રહે.

ટૂંકમાં, એટલું તો ચોક્કસ કહી શકાય કે હજુ લીલા દુષ્કાળની પરિસ્થિતી ગુજરાતના અમુક પ્રદેશોમાં હોય એ શક્ય છે પણ બહુધા એવું છે નહી. કુદરતની લીલા આગળ માણસ મગતરું માત્ર છે!

અંતમાં, ફરી એક કહેવત : સૂકા કાળ કરતા લીલો કાળ સારો!

Author:કૌશલ બારડ – GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.